સુરતઃ આગામી ઉતરાણના તહેવારો લઈ શહેરમાં પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ પર રોક લગાવવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન સરથાણા પોલીસે જકાતનાકા પાસે આવેલી પતંગ સ્ટોરમાંથી 250 ચાઈનીઝ તુક્કલ પકડી પાડયા હતા.
આ તુક્કલના સપ્લાયર આયુષે 25 રૂપિયામાં ખરીદીને પર્વ અને જયને 50 રૂપિયામાં આપ્યા હતા. આ બંને નફો ચડાવીને આ તુક્કલ 100 રૂપિયામાં વેચવા નીકળ્યા હતાં. આમ આ તુક્કલ માર્કેટમાં ગાર્હકો સુધી પહોંચતા 200 રૂપિયાનું થઇ જાય છે.
- સરથાણા પોલીસે 250 પ્રતિબંધિત તુક્કલ સાથે બેને ઝડપી પાડ્યા
- 25 રૂપિયાનું પ્રતિબંધિત તુક્કલ ગ્રાહક સુધી પહોંચતા 200 રૂપિયાનું થઈ જાય છે
- આગની ઘટના ડામવા આવા તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે
પોલીસ પાસે મળતી માહિતી મુજબ સરથાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી પાર્વતી નગર સોસાયટી પાસે આવેલા પટેલ માંજા એન્ડ પતંગ સ્ટોરમાં ચાઈનીઝ તુક્કલ આગામી ઉત્રાણનાં તહેવારમાં વેચાણ માટે સંતાડીને રાખ્યા છે. પોલીસે બાતમીના આધારે પટેલ માંજાની દુકાનમાં રેડ કરી હતી.
રેડ દરમિયાન તુક્કલ પાર્સલ આપવા આવેલા બે યુવકને 250 ચાઈનીઝ તુક્કલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ડિલિવરી આપવા આવેલ બંને નામ ઠામ પૂછતા એ કે તેનું નામ જય ભાઈ અલ્પેશભાઈ ચાંચડ અને અન્ય તેનું નામ પર્વ હરીશભાઈ દેવાણી (જે બંને રહે. ક્ષમા સોસાયટી, એ.કે રોડ) ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું.
આ તુક્કલ તેઓ આયુષ પાનોલિયા (રહે.સંજ્ઞા સોસાયટી, યોગી ચોક) પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જ્યારે તુક્કલ આપનાર આયુષ પાનોલિયાને પણ ઝડપી લીધો હતો. તુક્કલને કારણે આગ લાગતી હોવાથી તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.