રાંદેરના પોંક સાથે સુરતની સેવ રાખો, કુંભારિયાના કેળાનો ખાવ જરા કટકો, ભાઠાના રીંગણ અને પાપડી કતારગામની, પાપડીનું ઊંધ્યુ અને રીંગણનો લચકો, અડદિયુ, મેથી અને મુસરી સાલમપાક, ખાય એની કમરમાં નહીં આવે વચકો, કહે દાસ બહાદુર ખાવો, પીઓ ને મોજ કરો, શ્વાસથી જો અટકો તો બધે થી લટકો. આ પંક્તિ સાહિત્યકાર દાસ બહાદુર વાઇવાળાની છે. આ એ જમાનામાં, રચાયેલી પંક્તિ છે, જ્યારે રાંદેરમાં જુવારના ખેતરો હતાં અને કુંભારિયામાં કેળાના. આજે કતારગામમાં પાપડીના ખેતરો રહ્યા નથી, નથી રહ્યા ભાઠામાં રીંગણના, અડદિયુ, મેથી અને સાલમપાકના ભાવ સાંભળતા જ શિયાળાની સવારમાં ગરમાટો આવી જાય, એટલે પહેલાના વડીલો કહીં ગયા કે ખાધેલું, પીધેલુ જ સાથે આવશે, કેમકે એ જમાનાની હરિયાળી આજે રહી નથી, એ માત્ર સાહિત્ય કૃતિના પાનાં પર તવારીખ બની ને રહી ગઈ.
સુરત – દિવ્યેશ કુમાર ફૈજાભગત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.