surat : સુરતની નવી સિવિલ ( surat new civil) માં દિવસ-રાત ફરજ બજાવતા તબીબી પ્રોફેસરો અને શિક્ષકોએ પગાર વધારા સહિતની માંગોને લઇને એક દિવસની હડતાળ ( strike) પાડી હતી. જો કે, સરકાર દ્વારા તેઓની માંગણીઓને સંતોષવાની બાંહેધરી આપતા હડતાળ સમેટાઇ હતી. આ અંગે માહિતી આપતા સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતુ કે, કોવિડ-19 ( covid 19) ની મહામારીમાં નિરંતર સેવા કરી હોવા છતાં તબીબી શિક્ષકો અને પ્રોફેસરોના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવતી નથી.
તબીબી પ્રોફેસરોએ આવતીકાલથી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. તબીબી પ્રોફેસરોને નિયમિત કરવામાં આવે, તેઓને સાતમાં પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે, બાકી રહેલા એડહોક ટ્યુટરના સાતમા પગારને મંજૂર કરવામાં આવે. 2017ની પડતર ફાઇલનો તુરંત આદેશ કરવામાં આવે, 10 ટકા સિનિયર પ્રાધ્યાપકો માટે હેગના આદેશો કરવામાં આવે, આરોગ્ય વિભાગની સાથે એડહોક કે જીપીએસસી સેવાઓને હાલની સેવા સાથે જોડવાની ફાઇલને મંજૂર કરવામાં આવે તેવી માંગણીઓ સાથે આજે એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. પરંતુ બપોરના સમયે જ ડોક્ટરોની માંગણીને અંશત: સ્વીકારવાની બાંહેધરી આપવામાં આવતા ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી અને ફરી કામ ઉપર જોડાઇ ગયા હતા.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લેબ વિભાગમાં ફરજ બજાવતા ત્રીજા વર્ગના કર્મચારીઓ છેલ્લાં પાંચ વર્ષથી નોકરી કરી રહ્યા છે. તેમ છતાં તેમને કાયમી કરવામાં નહીં આવતાં તેઓએ વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો. ડોક્ટરોને કાયમી કરવા સહિત અન્ય માંગણીઓ જો 10 દિવસમાં નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલ લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટમાં ત્રીજા વર્ગના કર્મચારીઓને ફિક્સ પગારથી નિમણૂક કરાઈ હતી. નિમણૂક સમયે જો સતત પાંચ વર્ષ સુધી નોકરી કરે તો તેમને કાયમી કરવાનું જણાવવામાં આવ્યું હતું.
સીધી ભરતીના આધારે આશરે 300 જેટલા કર્મચારી ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે અને તેમને પાંચ વર્ષથી વધુ સમય થઇ ગયો છે. તેમ છતાં પણ તેમને કાયમી કરવામાં આવ્યા નથી. જેને લઇ આ કર્મચારીઓ દ્વારા સુરતના મેડિકલ કોલેજના ડીન તેમજ સુપરિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેની એક નકલ ગાંધીનગર સચિવાલયમાં પણ અપાઇ હતી. જેમાં જો તેઓને કાયમી કરવાની માંગ સંતોષવામાં નહીં આવે તો 10 દિવસ બાદ આંદોલન કરવાનું જણાવવામાં આવ્યું હતું.