SURAT

સુરતનું એશિયામાં ગૌરવ વધ્યું: મહેંદીકૃત રામાયણને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

સુરત: સુરતના યુવાઓ, મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષા પારેખનું નામ પણ સામેલ થયું છે. દેશ-વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” ને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ઉત્કૃષ્ઠ આર્ટ માટે તેમને સર્ટિફિકેટ એનાયત થયું છે.

  • નિમિષા પારેખ દ્વારા “મહેંદીકૃત રામાયણ” માં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર કંડારવામાં આવ્યા હતા

જાન્યુઆરી-24 માં અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં સુરતમાં પણ અનેક ઐતિહાસિક આયોજન થયાં હતા. રામમંદિરની ભવ્યતાથી પ્રભાવિત થઇને નિમિષાબેને કઈંક નવી રચના સાથે તેમની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાના ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની વિવિધ 51 ચોપાઇઓ આધારિત રામજન્મ,  બાલઅવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ, સીતા હરણ, હનુમાન મિલાપ, સુગ્રીવ રાજ્યાભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કર્યા હતા. આ યુનીક આયોજને દેશ-વિદેશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

આ એવોર્ડ અંગે નિમિષા પારેખે જણાવ્યું હતું કે, “મહેંદીકૃત રામાયણ” માં ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારી ભક્તિ અને આસ્થાને મૈં રામભક્ત બહેનાના હાથ પર વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરી હતી. પોતાના આ આર્ટને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અને સન્માન મળતાં તેમજ આ યુનીક કાર્યક્રમને વૈશ્વિક સ્તરે માન્યતા મળતા તેઓ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, “એશિયા બુક ઓફ રેકોર્ડ્સ”, એ એશિયામાં પ્રતિભાને ઓળખવા માટેનું પ્લેટફોર્મ છે. તેમાં કલ્ચર, ક્રિએટીવ, ટેકનોલોજી, મેમોરિયલ સ્કીલ, શારીરિક સિદ્ધિ, યુવા વગેરે જેવી અલગ-અલગ શ્રેણીઓમાં વ્યક્તિઓની અનન્ય પ્રતિભા અને જુસ્સાને શોધીને તેમને સન્માનિત કરવામાં આવે છે.

Most Popular

To Top