Feature Stories

સુરતની જીવાદોરી પુણ્ય સલીલા તાપી નદી પર પાંચ વર્ષમાં નવોઢાની જેમ શણગાર સજશે

25 સપ્ટેમ્બર વિશ્વ રીવર ડે નિમિતે સુરતની જીવાદોરી એવી પુણ્યસલીલા તાપી નદીને ફરીથી નવોઢાની જેમ શણગારમાં માટે આગામી પાંચ વર્ષમાં સુરત મનપા દ્વારા અમલમાં મુકાનારા આયોજનોની જાણકારી વાંચકો સમક્ષ મુકવી સમયસર રહેશે..તાપી નદીમાં 500 કરોડના ખર્ચે બહુહેતુક બેરેજના પ્રોજેક્ટને મંજૂરી મળી ચુકી છે. `આ બેરેજ બન્યા બાદ નદીમાં પાણી બારેમાસ છલકાશે, જેથી શહેરીજનોને તાપી નદીમાં કાયમ પાણી દેખાશે. હવે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના કિનારે સળંગ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહયું છે.

જેના અંતર્ગત અલગ અલગ ચાર હિસ્સામાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટના આયોજનો કરાશે. અમદાવાદમાં જે રીતે સાબરમતી કિનારે સમગ્ર ઍરિયામાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યું છે, તે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી તટે ડેવલપ કરવાનું આયોજન છે. કઠોર બ્રીજથી ONGC બ્રીજ સુધી ૩૩ કિ.મીના તટ પર આ રીવરફ્રન્ટ આકાર લેશે. 3900 કરોડના આ મહત્વકાંક્ષી પ્રોજેકટના પ્રથમ તબક્કા એટલે કે રૂઢથી કોઝવે સુધીના વિસ્તાર માટે 2000 કરોડના ખર્ચ માટે વિશ્વબેંક દ્વારા 1400 કરોડની લોન માટે પણ તૈયારી બતાવાઇ છે. ત્યારે આ રીવરફ્રન્ટને કારણે સુરતવાસીઓને શું શું મળશે તેની વાત આજે કરીએ…

રીવરફ્રન્ટમાં એન્ટરટેઇનમેન્ટ એકટીવીટી
નદીના બન્ને કાંઠે 33-33 કીમી લાંબા કીનારા પર રીવરફ્રન્ટનું આયોજન છે. રીવરફ્રન્ટમાં ઠેક ઠેકાણે એમ્યુઝમેન્ટ એકટીવીટી હશે, લોકભાગીદારીથી અહીં વોકવે, રમત-ગમત, મનોરંજન, ફુડ કોર્ટ ઊભા કરાશે. વાર-તહેવારે અહી રંગારંગ કાર્યક્રમો થઇ શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઉપલબ્ધ બનશે, જેના કારણે શહેર વચ્ચે છલોછલ વહેતી તાપી નદીના કિનારા લોકોરંજનથી ગુંજતા રહેશે.

સી-પ્લેન
અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનીટી સી-પ્લેનનો પ્રયોગ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે ચાર સ્થળ સી-પ્લેન માટે પસંદ કર્યા છે તેમાં કતારગામ સીંગણપોર સ્થિત કોઝવે નજીક તાપી નદીનો પટ પણ સામેલ હોય રીવરફ્રન્ટ અને બેરેજ બન્યા બાદ આ પ્રોજેકટમાં પણ આગળ વધી શકાશે જે સુરતવાસીઓ માટે નવું નજરાણુ હશે. તાપી નદી પર બેરેજ બન્યા બાદ 10 કીમીનું મીઠા પાણીનું સરોવર રચાશે. આ સરોવરમાં અન્ય શહેરોની નદીઓ અને દરિયાની જેમ વોટર સ્પોર્ટની એકટીવીટી પણ શરૂ થશે. તેથી સુરતવાસીઓ શહેરની વચ્ચે જ પરીવાર સાથે તેનો આનંદ માણી શકશે.

શહેરની પાણીની જરૂરીયાત અને ભુગર્ભ જળસ્તરમાં આમુલ સુધારો
બેરેજ અને રીવરફ્ર્ન્ટ તાપી નદીની સીકલ બદલી નાંખશે સાથે સાથે લોકોના જીવન પર પણ અસર કરશે, સાથે સાથે પ્રકૃતિના જતનમાં પણ મહત્વના બની રહેશે. એક અભ્યાસ મુજબ આ બન્ને પ્રોજેકટના કારણે સુરતમાં નીચે જઇ રહેલા ભુગર્ભ જળસ્તર અને પાણીની ગુણવતામાં 60 ટકાથી વધુનો સીધો સુધારો નોંધાશે.

વોટર ટ્રાન્સપોર્ટેશન
તાપી નદીમાં બેરેજ બન્યા બાદ રૂઢથી છેક કામરેજ સુધી કોઝવે કે કોઇ અન્ય આડશ રહેશે નહીં તેથી લોકભાગીદારીથી તાપી નદીમાં વોટર ટ્રાન્સપોર્ટેશનનો પ્રોજેકટ પણ વિચારાયો છે. જેના અંતર્ગત કામરેજથી ફેરી સર્વિસ શરૂ થાય તેમાં સરથાણા, વરાછા, કાપોદ્રા, અમરોલી, કતારગામ સીંગણપોર, નાવડી ઓવારા સહીતની જગ્યા પરથી લોકો સીધા ફેરીમાં જ કામરેજ સુધીની આવન-જાવન કરી શકે અને માલસામાનનું વહન પણ થઇ શકે.

Most Popular

To Top