સુરત રેલવે સ્ટેશન પરથી રોજના હજારો યાત્રીઓ ટ્રેનમાં જર્ની કરે છે પણ તેમાંના મોટાભાગના લોકોને ખબર નથી કે તેમની સુરક્ષાની જવાબદારી સુરતની જાંબાજ મહિલાઓ પણ ઉઠાવી રહી છે. નારી સશક્તિકરણનું સન્માન કરતા ભારતીય રેલવેએ મહિલાઓને એવી જવાબદારી સોંપી છે જે પહેલાં પુરુષ કર્મચારીઓ જ ઉઠાવતા હતા. આમ તો કોઈ પણ મશીનરીના રીપેરીંગ કે મેન્ટેનન્સનું કામ પહેલાં માત્ર પુરુષોનું જ માનવામાં આવતું પણ રેલવેના કોચ કેર સેન્ટરમાં સુરતની એકલ-દોકલ નહીં પણ 15 મહિલાઓ રેલવે કોચના રીપેરીંગ, સ્પ્રિંગ બદલવી, વ્હીલ બદલવા સહિતના મેન્ટેનન્સનું કામ કરતા જોવા મળે છે. આ મહિલાઓના કોમળ હાથ કોચની ભારેભરખમ ટ્રોલી ક્રેન અને ચેનથી ઊંચકી શકે છે તે જોઈને તો શક્તિશાળી પુરુષ પણ મોંમાં આંગળા નાંખી જશે. સુરતની જાંબાજ મહિલાઓ રેલવેયાત્રીઓની સુરક્ષિત જર્ની માટે ક્યાં-કયાં કામ કરી રહી છે અને પહેલાં પુરુષોનું ગણાતું આ કાર્ય કરતી વખતે તેમને કેવું ફિલ થાય છે, કોચના વ્હીલ રીપેરીંગ અને ઇલેક્ટ્રિક રીપેરીંગનું કામ કરતી વખતે શું ચેલેન્જિંગ લાગે છે તે આપણે સુરતની આ મહિલાઓના પોતાના જ શબ્દોમાં જાણીએ.
શરૂઆતમાં મને લાગતું કે હું વ્હીલ, સ્પ્રિંગ ચેક કરવાનું, રીપેર કરવાનું કામ નહીં કરી શકું: નૈમી દેસાઈ
ડીંડોલીમાં રહેતી 33 વર્ષીય નૈમી દેસાઈ 12 વર્ષ પહેલાં રેલવે વિભાગમાં નોકરીમાં લાગ્યાં હતાં. તેઓ કોચ કેર સેન્ટરમાં કોચની નીચેની ટ્રોલી ચેન્જ કરવાનું, સ્પ્રિંગ અને વ્હીલ રિપેરિંગ તથા ચેન્જ કરવાનું કામ કરે છે. નૈમી દેસાઈએ જણાવ્યું કે, ‘‘મારા ફાધર મુકેશભાઈ દેસાઈનું નિધન થયું ત્યારે હું નાની હતી અને મારા મધર નોકરી કરવા માટે અસમર્થ હોવાથી તેમણે મારા પિતાની જગ્યાએ હું મોટી થાઉં ત્યારે મને નોકરી આપવા માટે લખી આપ્યું હતું. હું 22 વર્ષની થઈ ત્યારે મને રેલવેમાં નોકરી મળી હતી. હું એમ.કોમ. સુધી ભણી છું. જ્યારે મને મિકેનિકલ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો ત્યારે મને ખબર નહોતી કે મારે આ કામ કરવું પડશે. ત્યારે તો મને એવું લાગતું કે હું આ કામ નહીં કરી શકું. મેં ત્રણ વર્ષ રીપેરીંગની ટ્રેનિંગ લીધી LHBવાળા કોચ હોય તો દર 18 મહિને ટ્રોલી ચેન્જ થાય અને ICF ના હોય તો દર 9 મહિને ચેન્જ થાય. ટેબલવર્ક તો બધા જ કરતા હોય છે પણ ફિલ્ડ વર્ક કરવું ચેલેન્જિંગ હોય છે. મને અને મારા પરિવારને ગર્વ છે કે હું જે જેન્ટ્સનું કામ ગણવામાં આવતું તે કામ હું કરું છું. સ્પ્રિંગનું કામ હેવી હોય છે. તેના રીપેરીંગ અને બદલવાનું કામ હું સહેલાઈથી કરી શકું છું. જ્યારે પહેલી વાર મેં LHB કોચ બનાવ્યો ત્યારે એ કામ મને થોડું અઘરું લાગ્યું હતું. આજે હું 12 વર્ષથી આ કામ કરું છું. હું 8 કલાકની નોકરી કરું છું. મારા હસબન્ડ મેહુલ દેસાઈ અને મારાં સાસુ-સસરા મારા આ કામને સારી રીતે સમજે છે અને મને ઘરના કામ કરવામાં અને બાળકોની સાર-સંભાળ લેવામાં સપોર્ટ કરે છે. હું જ્યારે નોકરી પર લાગી ત્યારે પુરુષ કર્મચારીઓએ પણ મને રિપેરીંગનું કામ શીખવવામાં ઘણો સપોર્ટ કર્યો હતો.’
ચાલુ ટ્રેનમાં કર્યું છે લાઈટ, ફેન, મોબાઈલ ચાર્જર પોઇન્ટ રિપેરીંગનું કામ: ચંદાબેન ભારદ્વાજ
અમરોલી વિસ્તારમાં રહેતાં 48 વર્ષીય ચંદાબેન ભારદ્વાજે જણાવ્યું કે હું હેલ્પરની જગ્યા પર રેલવેમાં નોકરી પર લાગી હતી. હું હવે ઇલેક્ટ્રિકનું કામ કરું છું જેમાં કોચમાં લાઈટ, ફેન અને મોબાઈલ ચાર્જર પોઇન્ટ રિપેરીંગનું કામ કરું છું. પહેલાં મને કરંટ લાગવાનો ડર લાગતો હતો પણ હું એક મહિનામાં ઇલેક્ટ્રિક સંબંધિત કામ શીખી ગઈ હતી. મેં ચાલુ ટ્રેનમાં પણ ઇલેક્ટ્રિક રિપેરીંગનું કામ કર્યું છે. જ્યારે હું ચાલુ ટ્રેનમાં રિપેરીંગનું કામ કરતી ત્યારે પેસેન્જર કહેતા કે તમે તો બહુ સાહસ કરો છો. સામાન્ય રીતે લોકો રિપેરીંગનું કામ પુરુષો જ કરતા હોવાનું માને છે પણ હું જ્યારે રીપેરીંગના કામ કરું છું તો કેટલાય લોકોને આશ્ચર્ય થાય છે. મારા પતિ યોગેશ ભારદ્વાજ પણ રેલવેમાં જોબ કરે છે. હું જ્યારે નોકરી પર હોઉં છું ત્યારે મારાં સાસુ અને મારા પતિ ઘરના કામની જવાબદારી અને બાળકોના સંભાળની જવાબદારી ઉઠાવી મને મારા આ કામ માટે પ્રોત્સાહન આપે છે. અમે 15 મહિલા કર્મચારીઓ વિવિધ કામ રેલવે વિભાગમાં કરીએ છીએ. રિપેરીંગનું કામ કરતી વેળા હેલ્મેટ, હેન્ડ ગ્લવ્ઝ, શૂઝ અને સ્વ સલામતીની તમામ વસ્તુઓ પહેરીએ છીએ.’’
સારી કામગીરી બદલ 2015માં મળ્યો છે એવોર્ડ: ઇન્દુબેન સુરતી
પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતાં 59 વર્ષીય ઇન્દુબેન સુરતી 28 વર્ષ પહેલાં રેલવેમાં જોબ પર લાગ્યાં હતાં. ઇન્દુબેને જણાવ્યું કે, ‘‘મને 2015માં સારી કામગીરી માટે રેલવે તરફથી એવોર્ડ મળ્યો છે. હું કોચ રીપેરીંગ, વ્હીલ રીપેરીંગ, સ્પ્રિંગ રિપેરીંગનું, તેને બદલવાનું કામ કરું છું. શરૂઆતમાં તો મને જેન્ટ્સ કર્મચારીઓ સાથે કઈ રીતે કામ કરવું તે સમજાતું નહોતું પણ બધાના માર્ગદર્શનથી જ હું આ કામમાં કાર્યદક્ષ થઈ. મારા હસબન્ડ બળવંતભાઈ રેલવેમાં જોબ કરતા હતા. તેઓનું હાર્ટએટેકને કારણે અવસાન થતાં તેમની જગ્યા પર મને નોકરી મળી. બાળકો નાનાં હતાં તેમને ભણાવવાનાં હતાં, તેમનું ભરણપોષણ કરવાનું હોવાથી મેં આ નોકરી સ્વીકારી હતી. મેં પ્લેટફોર્મ પર રોલિંગ જોવાનું પણ કામ કર્યું છે. તેમાં ટ્રેનના નિરીક્ષણનું કામ હોય. તેમાં કોચની સ્પ્રિંગ તો તૂટી નથી ને, બ્રેકસ જામ તો નથી ને, બેરિંગમાં કોઈ ખરાબી તો નથી તેના નિરીક્ષણનું કામ પણ મેં કરેલું છે. શરૂઆતમાં આ કાર્ય અઘરું લાગતું પણ હવે અનુભવી થઈ ગયા છીએ તો લાગે છે કે અમે પુરુષોના રિપેરીંગના કાર્યક્ષેત્રને સર કરી લીધું છે.’’