SURAT

દાળ-શાકમાં વઘાર માટે સુરતની ગૃહિણીઓને પસંદ છે 100 વર્ષ જૂની મનસુખલાલ કાંતિલાલ એન્ડ કું. પેઢીની “હિંગ”

આપણા દરેક ભારતીયોના રસોડામાં વિવિધ પ્રકારના મસાલા હોય છે. જેનો ઉપયોગ અલગ-અલગ પ્રકારના વ્યંજનોમાં સ્વાદ અને રંગ લાવવા માટે થાય છે. પરંતુ હિંગનો ઉપયોગ સુગંધ-સોડમ લાવવા માટે થાય છે. હિંગનું નામ સાંભળતા જ હિંગનો વઘાર કરેલી દાળ અને મસ્ત ખુશ્બુદાર સબ્જીની યાદ આવી જતી હોય છે.

હિંગની સોડમ આપણા વ્યંજનોના સ્વાદને વધારે લઝીઝ બનાવે છે, સાથે જ હિંગ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. હિંગમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા આવશ્યક છે. આજ એક કારણ છે કે હિંગને દેવતાઓનું ભોજન પણ કહેવાય છે.

જોકે, અસલ હિંગ આપણા દેશમાં આયાત કરવી પડતી હતી. જેનું ઉત્પાદન આપણા દેશમાં નહીં પણ ઈરાન અને અફઘાનિસ્તાનમાં થાય છે. આપણે સુરતની વાત પર આવીએ તો તમે હરિપુરા કળજુગ મોહલ્લામાંથી પસાર થતા હો તો 50 મીટરના એરિયામાં તમને હિંગની સુગંધ જ સુગંધ આવશે.

અહી મનસુખલાલ કાંતિલાલ એન્ડ કું. પેઢી દ્વારા અલગ-અલગ ક્વોલિટીની હિંગનું વેચાણ થાય છે. 100 વર્ષથી અડીખમ ઉભી આ પેઢીની હિંગ સુરતના અલગ-અલગ અને આસપાસના વિસ્તરોના ગ્રાહકો કેમ પસંદ કરે છે? હિંગ ઉપરાંત બીજા કયા-કયા મસાલા આ પેઢી વેચે છે? N.R.I. ગ્રાહકો પોપટલાલની હળદર આપો કે પોપટલાલનું મરચું આપો એવું કેમ કહેતા હોય છે તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો- છગનલાલ ઉત્તમરામ પટેલ, મનસુખલાલ છગનલાલ પટેલ, ઇશ્વરલાલ છગનલાલ પટેલ, બંકુલાલ છગનલાલ પટેલ, કાંતિલાલ છગનલાલ પટેલ, મદનલાલ ઇશ્વરલાલ પટેલ, ભરતકુમાર મનસુખલાલ પટેલ, રાજેન્દ્ર કાંતિલાલ પટેલ, કમલેશભાઈ મનસુખલાલ પટેલ, સંજયભાઈ મદનલાલ પટેલ

વલસાડ, અમદાવાદ, નાસિકના લોકો ઘરગથ્થુ વેચવા માટે લઈ જાય છે: કમલેશભાઈ પટેલ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક કમલેશભાઈ મનસુખલાલ પટેલે જણાવ્યું કે, સુરતના ઘણાખરા એવા લોકો છે જે અમારી દુકાનેથી હિંગ લઈ જાય છે અને ઘરેથી બીજાને વેચાણ કરે છે. ઘરગથ્થુ વેચાણ માટે ભરૂચ, વલસાડ,અમદાવાદના લોકો પણ અમારે ત્યાંથી હિંગ લઈ જાય છે. મુંબઈ અને નાસિકમાં પણ અમારી હિંગનું ઘરગથ્થુ વેચાણ થાય છે.

પૂણા કુંભરીયા, એનાતુંડી, કામરેજ, કડોદરા ઉપરાંત સુરતની આસપાસના બીજા ગામોના લોકો ઘરે વપરાશ માટે અહીં સુધી હિંગ લેવા આવે છે. આમતો અસલ હિંગ ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતી હોય છે. ઉત્તર પ્રદેશના હાથરસ અને દિલ્હીથી પણ હિંગ આવતી હોય છે. અમે અસલ બાંધાની હિંગ એજન્ટ મારફત મંગાવીએ છીએ.

અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડમાં વસેલા સુરતીઓ મસાલા લઈ જાય છે: સંજયભાઈ પટેલ
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક સંજયભાઈ મદનલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સુરતી ગુજરાતી N.R.I. સુરત આવે ત્યારે અમારી દુકાનમાંથી હિંગ, હળદર અને મરચું લઈ જાય છે. અમેરિકા, કેનેડા, U.K., આફ્રિકા, ન્યુઝીલેન્ડ, દુબઇમાં વસેલા સુરતીઓ જ્યારે સુરત આવે છે ત્યારે પોપટલાલની હળદર શોધતા-શોધતા અમારી દુકાને આવતા હોય છે.

વિદેશમાં વસેલા સુરતીઓમાં જ્યારે અમારા હિંગ અને મસાલાના સ્વાદની ચર્ચા થાય ત્યારે તેઓ સુરત આવતા અચૂક એક કિલો હિંગ અને 4થી 5 કિલો અન્ય મસાલા લઈ જાય છે. અમારે ત્યાં સુરતમાં નાનપુરા, રાંદેર, લાલગેટ, મહિધરપુરા, લાલ દરવાજા, સૈયદપુરા, નવસારી બજાર, વરિયાળી બજારના ગ્રાહકો મસાલો લેવા આવતા હોય છે.

પોંકવડા માટે સફેદ મરચાની ડીમાંડ રહે છે, બારડોલીમાં પણ આ મરચું જાય છે
સંજયભાઈએ જણાવ્યું કે, પોંકવડા વેચતા સ્ટોલવાળા પોંકવડામાં નાખવા માટે લાલ મરચું અને સફેદ મરચું લઈ જાય છે. પોંકની સીઝન ડિસેમ્બરથી જાન્યુઆરીના એન્ડ સુધી હોય. લવિંગિયા મરચાને સૂકવીને સફેદ મરચું બનાવાય છે. તેની તીખાસ વધારે હોય એટલે તે સરસિયા ખજામાં પણ વપરાય છે. બારડોલીના પોંકવડા વેચતા સ્ટોલવાળા પણ અમારે ત્યાંથી સફેદ મરચું, હળદર લઈ જાય છે. આ વિક્રેતાઓ દર બીજે-ત્રીજે દિવસે 10-10 કિલોના લૂઝ પેકિંગ લઈ જાય છે.

મનસુખલાલે તેમના ભાઈઓ અને ભત્રીજા સાથે હિંગ ઉપરાંત મરચું અને હળદર વેચવાનું શરૂ કર્યું
મનસુખલાલ છગનલાલ પટેલે તેમના ત્રણ ભાઈઓ કાંતિલાલભાઈ, ઇશ્વરલાલભાઈ અને બંકુલાલભાઈ ઉપરાંત ભત્રીજા મદનલાલ સાથે મળી ધંધાનો વિસ્તાર કરી મરચું અને હળદર પણ વેચવાની શરૂઆત કરી હતી.

આ દરમિયાન તેમની દુકાનનું સ્થળ બદલાયું દુકાન હરિપુરા કળજુગ મહોલ્લામાં શરૂ કરી. એ વખતે મનસુખલાલ તેમના ભાઈ કાંતિલાલ અને મદનલાલ સાથે સાંજના સમયે કરિયાણાની દુકાનોમાં ફરી હિંગ, મરચું, હળદર વેચતા હતા. બધા જ ભાઈઓએ આખું જીવન ધંધાના વિસ્તરણ માટે વિતાવી દીધું હતું.

મનસુખલાલનું નિધન 1997માં કેન્સરથી થયું હતું. મનસુખલાલના મોટા પુત્ર ભરતભાઈએ કેન્સરના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ભરતીમૈયા ટ્રસ્ટ સંચાલિત ભરત કેન્સર હોસ્પિટલને કરોડો રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. એટલે તે હોસ્પિટલને ભરતભાઈનું નામ અપાયું છે ભરત કેન્સર હોસ્પિટલ.

કેરીની સિઝનમાં કેરીનો સંભાર મસાલો લેવા ભીડ થાય છે
સંજયભાઈએ જણાવ્યું કે, અત્યારે કેરીની સીઝન ચાલે છે. અમે કેરીનો સંભાર મસાલો બનાવીએ છીએ. અમે પોતાનું મસાલાનું પ્રોડક્શન કરીએ છીએ. કેરીની સીઝન શરૂ થતાંજ મોટાભાગે ગૃહિણીઓ કેરીનો સંભાર બનાવવા મસાલો લઈ જાય છે. આ સિઝનમાં રોજ રોજ ગ્રાહકોની ભીડ આ મસાલો લેવા થતી હોય છે. હોટેલ વાળા રેસ્ટોરન્ટ વાળા પણ કેરીનો સંભાર મસાલો લઈ જાય છે.

આખું વર્ષ ચાલે તેટલી હિંગ મસાલા ભરવાની સિઝનમાં ખરીદવા લાગે છે લાઇન
કમલેશભાઈએ જણાવ્યું કે હોળી પછીથી મસાલા ભરવાની સીઝન શરૂ થાય છે જે મે મહિના સુધીની હોય છે. આ સીઝન દરમિયાન અમારે ત્યાંથી ગ્રાહકો હિંગ, હળદર, મરચું, ધાણા પાઉડર લઈ જાય છે. એક કિલો હિંગ આખું વર્ષ ચાલી રહે. જ્યારે મરચું, હળદર, ધાણા પાઉડર 5-5 કિલો ગ્રાહકો લઈ જાય છે. કાશ્મીરી મરચું તથા રેશમ પટ્ટી મરચું અને સેલમ હળદર લોકોની પહેલી પસંદ છે. સેલમ હળદર અને મરચું અંદાવાદથી આવે છે. ઉચ્ચ ક્વોલિટીની હિંગનો ભાવ 1200 રૂપિયે કિલો છે.

ફરસાણ વિક્રેતા અને કેટરિંગ વાળા લઈ જાય છે મસાલા
સંજયભાઈએ જણાવ્યું કે અમારે ત્યાંથી કરિયાણા વેપારી અને ફરસાણ વિક્રેતા મરચું, હિંગ અને હળદર લઈ જાય છે. અમેં મસાલાની ક્વોલિટી મેન્ટેન્ડ રાખતા હોવાથી કરિયાણા વેપારી અને ફરસણવાળા અમારા મસાલા પસંદ કરે છે. તેઓ હોલસેલમાં મસાલા લઈ જતા હોય છે. આ ઉપરાંત લગ્નની સિઝનમાં અને અન્ય પ્રસંગોની રસોઈ બનાવવા માટે કેટરિંગવાળા અમારે ત્યાંથી મસાલાના 10-10 કિલોના થેલા લઈ જાય છે.

2006ની રેલમાં મસાલાના પેકેટ તણાય ગયા હતા
કમલેશભાઈએ જણાવ્યું હતું કે, 2006ની રેલમાં અમારા ધંધાને ખાસ્સું નુકસાન થયું હતું. દુકાનમાં 5 ફૂટ પાણી ભરાયું હતું. જેમાં હિંગ સહિતના મસાલા બગડી ગયા હતા એટલે અમારે તે માલ ફેંકી દેવો પડ્યો હતો. પાણી ઉતર્યા બાદ ત્રણ દિવસ દુકાનમાંથી કાદવ-કીચડ હટાવવામાં લાગ્યાં હતાં. લગભગ 10થી 12 દિવસ દુકાન બંધ રહી હતી. એ રેલમાં અમને 15થી 20 હજાર રૂપિયાના માલનું નુકસાન થયું હતું.

પોપટ બ્રાન્ડ નેમથી વેચાય છે મસાલા
કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, અમારા મસાલા પોપટ બ્રાન્ડ નૅમથી વેચવામાં આવે છે. અમે 250 ગ્રામના પેકિંગમાં પણ પોપટ બ્રેન્ડ નૅમથી મસાલાનું વેચાણ કરીયે છીએ. ઘણા વિદેશી ગ્રહકો પોપટલાલના મસાલા શોધતા શોધતા હરિપુરા કળજુગ મહોલ્લામાં અમારી દુકાન સુધી આવી જતા હોય છે. આ પેઢીની સ્થાપના થઇ ત્યારથી એટલે કે, 100 વર્ષ પહેલા છગનલાલ પટેલે જ આ પોપટ બ્રેન્ડ નેમ રાખ્યું હતું.

છગનલાલ પટેલે હિંગનો ધંધો ભાગીદારીમાં શરૂ કર્યો હતો
આ પેઢીનાં સ્થાપક છગનલાલ ઉત્તમરામ પટેલે ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી. ત્યારે દુકાન રુવાળા ટેકરા જૈન દેરાસર પાસે હતી. છગનલાલ પટેલ તેમની સુરતી મોઢ વણિક નાતના લવાદ હતા. તેઓ નાતમાં ઝગડા થાય ત્યારે તેનું નિરાકરણ લાવતાં. ત્યારે તેમની કતારગામ જે સુરત સિટીની બહાર હતું ત્યાં હિંગ બનાવવાની ફેકટરી હતી. હિંગ સુકાવવા મૂકે ત્યારે ચાડીયો રાખતા કેમકે, કાગડા હિંગ ખાઈ જતા. કેટલાક સમય પછી ભાગીદારીમાંથી છુટા પડ્યા હતાં.

Most Popular

To Top