આજકાલ તો રસ્તા ઉપર તમને બાબા ગાડી જોવાની તો ઘણી મળે છે કારણ છોકરાઓને હાથમાં તેડે છે જ કોણ? પરંતુ રસ્તા પર જેની ૭૦ ના દાયકા ની શરૂઆત સુધી દોમ દોમ સાહ્યબી હતી તે ઘોડાગાડી ઓટોરિક્ષાનું ચલણ વધતા ધીરે ધીરે રસ્તા પરથી અદ્રશ્ય થઈ ગઈ. આજની પેઢીના યુવક યુવતીઓને તો એનો ખ્યાલ ન જ હોય. ઘણીવાર જોરદાર, ભારેખમ વજન ની વ્યક્તિ બેસે તો ઘોડો આગળથી ઊંચો થઈ જતો અને ત્યારે માલિકની સટ્ટા…ક કરતી ચાબુક નો માર પણ સહન કરવો પડતો. હાલની BMW કે mercedes કે Oddi ને જેમ લોકો શણગારે છે તેમ ઘોડાગાડીને પણ શણગારવામાં આવતી…હા, એ શણગાર પરંપરાગત શૈલી નો કંઈક અલગ હતો .
લાલ લીલા પીળા ફુમતા લટકેલા હોય તો વળી બેઠકની ઉપરના ભાગે ઝાલર જેવું રંગીન સરસ મજાનું કપડું બાંધેલું હોય અને ઘોડાને પણ સુંદર રંગબેરંગી મણકાની માળા પહેરાવેલી હોય , પીઠ ઉપર શણની મુલાયમ ગાદી પાથરેલી હોય અને રાજા.. ગુડ્ડુ.. સમ્રાટ..વીરુ જેવા નામથી એનો માલિક એને પૂચકારતો હોય . દૂરથી ગલીમાં રૂમઝૂમ કરતી ઘોડાગાડી આવે એટલે સૌ ઓટલા પર જોવા નીકળે કે કોને ત્યાં મહેમાન આવ્યા… એક ખૂબ રસપ્રદ વાત કે અમારા એક મુસ્લિમ ચાચા જાત ભાત ની ચાબુક ના શોખીન હતા જે તેઓ પોતે બનાવતા અને ત્યારે અમને ઘણીવાર થતું કે કળાને ક્યાં કોઈ સીમા છે ખરી??
વળી સીગરામ ( આ પણ ઘોડાગાડીનો જ એક પ્રકાર પરંતુ એમાં ચાર માણસ બેસી શકે) નો તો વટ જ જુદો…. નાનકડું બારણું ખોલીને વટથી અંદર ના ચોખંડામાં સામસામે સીટ ઉપર બેસવાનું. આજે વરરાજાના વરઘોડામાં કે જૈન શ્રેષ્ઠિઓના વરઘોડામાં તમને કલાત્મક બગીઓ જોવાની મળે છે. રાજા રજવાડાઓને ત્યાં તો એ જાહોજલાલી ઘણી હતી પરંતુ આપણા જેવા સામાન્ય માણસ માટે તો રસ્તા પર દોડતી આ ઘોડાગાડી જ મારા બાળપણના સ્મરણ ની એક જાહોજલાલી છે. જ્યારે અમારું સુરત ફક્ત અમારું જ હતું ત્યારે સ્ટેશન પર ઉતરો અને કોઈપણ ઘોડાગાડી વાળાને પૂછો કે ડોક્ટર મંગળભાઈ વ્યાસ ને ત્યાં જવું છે તો એ બે ધડક સીધા અમારે ત્યાં લઈ આવતા. See the time!!!
અમારે ફ્લાઈંગ રાણી માં મુંબઈ જવાનું હોય તો પપ્પા આગલે દિવસે રાત્રે રહીમ ચાચા ને વર્દી નોંધાવી આવતા અને ચાચા પપ્પાને સામેથી એક રૂપિયો આપતા કે હવે હું બંધાઈ ગયો છું. ઘોડાગાડી ને લક્ષમાં રાખીને તો કેટલા બધા ફિલ્મી ગીતો પણ બન્યા છે… આજે જ્યારે ઓટોરિક્ષા ના નકરા અવાજ અને નકરા ધુમાડા વચ્ચેથી રસ્તા પર ચાલવાનું થાય છે ત્યારે મને મારા એ વર્ષો પહેલાંના સુરતની ચુલબુલી ઘોડાગાડી ઘણી યાદ આવી જાય છે. આજે આમ જ અતિત ને વાગોળતા વાગોળતા આ ઘોડાગાડી યાદ આવી ગઈ…. બોલો….
– વ્યાસ ડો.પલ્લવી નીતિન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.