SURAT

ગાંધીબાગના ટુકડા કરી દેવાયા બાદ હવે મેટ્રો માટે સુરતના પ્રથમ સ્વીમીંગપુલનો ભોગ લેવાશે

સુરત: અગાઉ શહેરના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો માટે શહેરની ઐતિહાસિક ધરોહર એવા ગાંધીબાગના ટુકડા કરી દેવાયા બાદ હવે જેની સાથે હજારો સુરતવાસીઓનું ભાવનાત્મક જોડાણ છે તે અઠવા ચોપાટીસ્થિત પૂજ્ય મોટા હરિઓમ આશ્રમના દાનથી સુરત મનપા દ્વારા આઝાદી પછી બનાવાયેલા પ્રથમ તરણકુંડનો પણ ભોગ લેવાનાર હોવાથી શહેરીજનોમાં રોષની લાગણી ઊઠી છે. તેમજ આ નિર્ણયની ફેરવિચારણા કરવા લોકમાંગણી ઊઠી છે.

  • મેટ્રો માટે શહેરની સાંસ્કૃતિક ધરોહર પૂજ્ય મોટા બાળ તરણકુંડનો 1લી એપ્રિલથી ભોગ લેવાશે
  • મેટ્રોની મશીનરી રાખવા અઠવા ચોપાટી નજીકના સુરત મનપાના પ્રથમ અને બાળકો માટેના એકમાત્ર તરણકુંડની જગ્યા ફાળવી દેવાઈ

વિસ્તૃત વિગતો મુજબ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોરિડોર-2 ભેંસાણથી સરોલીના રૂટમાં તાપી નદી પાર કરવા માટે અઠવા ચોપાટી પર કપાત મૂકી એક બ્રિજ બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે. સાથે સાથે સુરત મહાનગર પાલિકાએ લોકોની લાગણીની પરવા કર્યા વગર સુરત મનપાએ બનાવેલા પ્રથમ સ્વિમિંગ પુલની જગ્યા મેટ્રોની મશીનરી માટે ફાળવી દેતાં વિવાદ થયો છે.

આગામી 1લી એપ્રિલથી આ તરણકુંડ બંધ થઇ જશે અને તેનું ડિમોલિશન થવાનું હોવાથી વિરોધનો સૂર ઊઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં મક્કાઇ પુલ પાસે દાદાભાઇ પંડ્યા તરણકુંડ છે તે અંગ્રેજોએ બનાવ્યું હતું. ત્યાર બાદ આઝાદી મળી અને પૂજ્ય શ્રી મોટા હરિઓમ આશ્રમના દાનથી અઠવા ચોપાટી પાસે તરણકુંડ બન્યું હતું. એ સમયે તરણકુંડ અને અન્ય સુવિધાઓ માટે 2 લાખથી વધુનું દાન મનપાને મળતાં આ તરણકુંડ બન્યું હતું. અહીં બાળ તરણકુંડ પણ હોવાથી અડધુ સુરત આ તરણકુંડમાં તરતા શિખ્યું છે.

તરણકુંડ માટે દાન કરનાર હરિઓમ આશ્રમે સ્વિમિગ પુલનું ડિમોલિશન અટકાવવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને મહાનગર પાલિકાને રજૂઆત કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જાન્યુઆરીમાં અઠવા ચોપાટીની પાસેના સ્વિમિંગ પુલવાળી 1906 ચોરસ મીટર વાળી જમીન પાલિકા પાસે માંગી હતી. અને મનપાના શાસકોએ સરકારની કદમબોશીના ભાગરૂપે આ જગ્યા ગુજરાત મેટ્રો રેલને ફાળવી દીધી છે.

ભરઉનાળે સ્વિમિંગ પુલનું ડિમોલિશન થનાર હોવાથી દર વર્ષે સ્વિમિંગ શીખવા આવતાં હજારો ભૂલકાં હવે સ્વિમિંગ શીખી શકશે નહીં. વર્ષ-1967માં સુરત શહેરમાં ચોપાટી ખાતે પ્રથમ સ્વિમિંગ પુલ સાકાર કરવા પૂજ્ય શ્રી મોટા હરિઓમ આશ્રમ તરફથી 2.20 લાખનું દાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, મેટ્રો રેલના ગોડાઉન માટે આ જગ્યા ઉપયોગમાં લેવાશે. જેથી આ કામ માટે અન્ય જગ્યા ફાળવવાની તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

મનપા નજીકમાં અન્ય તરણકુંડ બનાવશે: મેટ્રો રેલ કોર્પોરેશન
આ વિવાદ બાબતે મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણીએ તો પોતાને કાંઇ ખબર જ નહીં હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા. જ્યારે મેટ્રોના જનરલ મેનેજર સત્યપ્રકાશે જણાવ્યું હતું કે, સુરત મનપા નજીકમાં એક જગ્યા છે, ત્યાં તરણકુંડ બનાવવાનું આયોજન કરી રહી છે.

તરણકુંડ માટે જગ્યાની શોધ ચાલુ કરી દીધી છે : સુરત મનપા
સુરત મનપાના સ્વિમિંગ પુલોનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર હર્ષદ કીનખાબવાલાએ જણાવ્યું હતું કે, મેટ્રોને આ તરણકુંડની જગ્યા ફાળવી દેવાતાં 1લી એપ્રિલથી આ તરણકુંડનો હવાલો તેને સોંપી દેવાનો છે. જો કે, આ વિસ્તારમાં જ નવા તરણકુંડ માટે જગ્યાની શોધ ચાલુ કરી દેવાઇ છે. અને નજીકમાં જે જગ્યા મળી શકે તેમ હોય તે અંગે જાણ કરવા અઠવા ઝોન અને ટાઉન પ્લાનિંગ વિભાગને પત્ર લખી દીધો છે.

Most Popular

To Top