રાજપીપળા: નર્મદાની (Narmada) ઉત્તરવાહીની પરિક્રમા (Parikarma) કરવા ગયેલા સુરતના (Surat) મોટા વરાછામાં રહેતા પરિવારને અકસ્માત નડ્યો છે. એક જ પરિવારની ચાર મહિલાઓ અને બે પુરુષ બોટમાં (Boat) બેસી નદીમાં વચ્ચોવચ્ચ પહોંચ્યા ત્યારે બોટ ડુબી ગઈ હતી, જેના લીધે તમામ છ જણા ડૂબવા લાગ્યા હતા. જોકે એનડીઆરએફની ટીમે તરત ધસી જઈ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લીધા હતા.
પવિત્ર ચૈત્ર મહિનામાં નર્મદા ઉત્તરવાહીનીની પરિક્રમાના અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં આવી રહ્યાં છે. આ ઉત્તરવાહીની પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. છેલ્લાં એક મહિનાથી પરિક્રમા ચાલી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ લોકો સફળતાપૂર્વક પરિક્રમા કરી ચૂક્યા છે, હવે પરિક્રમા પૂરી થવાના આડે બે જ દિવસ બાકી છે ત્યારે ગમખ્વાર ઘટના બની ગઈ. સુરતના શ્રદ્ધાળુ પરિવારની હોડી નર્મદા નદીમાં ડૂબી ગઈ હતી. આ શ્રદ્ધાળુઓએ લાઈફ જેકેટ્સ પહેર્યા નહોતા. એન્જિન વિનાની હોડીમાં તેઓ નર્મદા પાર કરી રહ્યાં હતાં ત્યારે નદીની વચ્ચોવચ્ચ હોડી પલટી મારી ગઈ હતી, જેના લીધે તમામ છ જણા ડૂબી રહ્યાં હતાં. તેથી શ્રદ્ધાળુ પરિવારે બચાવો બચાવોની બૂમો પાડી હતી.
પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓની સલામતી માટે અગાઉથી જ નદીમાં એનડીઆરએફની ટીમ તૈનાત હતી. એનડીઆરએફનો કાફલો તરત જ શ્રદ્ધાળુઓને બચાવવા બીજી બોટમાં દોડી ગયો હતો અને લાઈફ સેવિંગ જેકેટની મદદથી તમામ શ્રદ્ધાળુઓને બચાવી લીધા હતા. કિનારા પર હાજર અનેક શ્રદ્ધાળુઓએ આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
સુરતના મોટા વરાછામાં રાજહંસ સોસાયટીમાં રહેતો પરિવાર પરિક્રમા કરવા ગયો હતો
હોડી પલટી જતા ડૂબનાર શ્રદ્ધાળુ સુરતના મોટા વરાછાના રહેવાસી હતા. મોટા વરાછાની રાજહંસ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય મધુબેન ભગવાનભાઈ ગોદાણી, 45 વર્ષીય રેખાબેન દિનેશભાઈ ગોદાણી, 20 વર્ષીય વસુબેન ઘનશ્યામભાઈ ગોદાણી, 40 વર્ષીય અસ્મિતાબેન ઘનશ્યામભાઈ ગોદાણી, 23 વર્ષીય દિશાબેન મિલનભાઈ બેલડીયા તેમજ અન્ય એક પુરુષ હોડીમાં બેઠા હતા ત્યારે આ હોડી પલટી ગઈ હતી. તમામ એક જ પરિવારના એક ગ્રુપમાં પરિક્રમા કરવા ગયા હતા. પરિક્રમા હેમખમ પુરી કરી તેઓ પૂર્ણતાને સ્થાને પહોંચ્યા ત્યારે આવી ઘટના બની હતી. જોકે, આ અકસ્માત બાદ પરિવારે પોતે હેમખેમ બચી ગયા તે માટે તંત્ર અને નર્મદા માતાનો આભાર માન્યો હતો.