સુરત: ભટાર ખાતે મંદિરમાંથી આવી રહેલી વૃદ્ધાને સોસાયટી પાસે બે અજાણી મહિલા ભટકાઈ ગઈ હતી. આ મહિલાઓએ તેમની પાસે કામ ન હોવાનું અને ખાવાનું પણ ન હોવાનું કહીને કામ માંગણી કરી હતી. વૃદ્ધાએ મા-દિકરીની ઓળખ આપનાર બંને મહિલાઓને કામે રાખ્યાના ત્રીજા જ દિવસે ઘરમાંથી રોકડા અને દાગીના મળીને 5.47 લાખની ચોરી કરી ગઈ હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- વૃદ્ધાને ભટકાયેલી બે લાચાર મહિલાઓને ઘરકામ માટે રાખવું ભારે પડ્યું
- ભટાર ઉમાભવન પાસે વૃદ્ધ દંપત્તિના ઘરમાંથી બે મહિલાઓએ 5.47 લાખની ચોરી કરી
ખટોદરા ઉમા ભવન ખાતે ઉદયદીપ એપાર્ટમેન્ટમાં રહેતા 77 વર્ષીય નારાયણપ્રસાદ નંદલાલ ચિતલાંગિયાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગીતા અને કાજલ નામની બે મહિલાઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. નારાયણપ્રસાદની ત્રણેય દિકરીઓના લગ્ન થયા હોવાથી તેઓ પત્ની ક્રિષ્નાદેવી (ઉ.વ.70) સાથે એકલા રહે છે.
ગત 13 ફેબ્રુઆરીએ સવારે ક્રિષ્નાદેવી ઘરની પાસે શિવમંદિરમાં દર્શન કરીને ઘરે આવતા હતા. ત્યારે તેમના સોસાયટી ગેટની બહાર બે અજાણી મહિલા મળી હતી. આશરે 50 વર્ષની મહિલાએ પોતાનું નામ ગીતા હોવાનું અને બીજી મહિલા 25 વષીય પોતાનું નામ કાજલ હોવાનું તથા બંને માતા-દિકરી હોવાનું કહ્યું હતું.
બંને મહિલાઓએ પોતે ભટાર બ્રીજ નીચે રહેતી હોવાનું કહ્યું હતું. અને તેમની પાસે કોઈ કામ નથી અને રૂપિયા પણ નથી, ખાવાની તકલીફ પડે છે. તેમ કહીને કામ માંગતા વૃદ્ધાએ તેમને ઘરકામ માટે 1800 રૂપિયા પગારમાં રાખી હતી. 16 તારીખે બંને મહિલાઓએ રૂમમાંથી બહાર આવીને નારાયણપ્રસાદ મંદિર પાસે પૂજા આરતી કરતા હતા ત્યારે તેમને પોતે બીજી જગ્યાએ કામ શોધવા જઈએ છીએ બપોર સુધી કામ પતાવી દઈશું તેમ કહીને ઉતાવળમાં નીકળી ગઈ હતી.
સાંજે કબાટ ખોલીને જોતા કબાટમાંથી 2.97 લાખ રોકડા ગાયબ હતા. આ સિવાય સોના ચાંદીના દાગીના આશરે 1.50 લાખના અને ચાંદીની વસ્તુઓ 1 લાખની મળીને કુલ 5.47 લાખની મત્તા ગાયબ હતી. વૃદ્ધે તેમના આધારકાર્ડ અને મોબાઈલ નંબર માંગતા તેઓ ગોરખપુરની હોવાનું અને તેમનો ફોન બંધ હોવાનું કહ્યું હતું. ખટોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.