સુરત: સુરત (Surat) શહેરના અમરોલી (Amroli) વિસ્તારમાં ધો. 12 સાયન્સની (Science) વિદ્યાર્થીનીએ (Student) નીટની એક્ઝામમાં (NEET Exam) ઓછા ટકા આવતા ફાંસો ખાઈ મોત (Death) વ્હાલું કરી લીધું છે. રત્નકલાકાર પિતાની એકની એક દીકરીનું ડોક્ટર બનવાનું સપનું પુરું થાય તેમ નહીં હોય તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીમાં રહેતી વિદ્યાર્થીનીએ ધોરણ-12 સાયન્સની પરીક્ષા પાસ કર્યા બાદ નીટની એક્ઝામ આપી હતી. રત્નકલાકાર પિતાની એકની એક દીકરી ડોક્ટર બનવાનું સપનું જોતી હતી, પરંતુ નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સને કારણે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રત્નકલાકાર પિતાની એકની એક દીકરીએ નાની ઉંમરમાં જીવન ટુંકાવી લેતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
રત્નકલાકાર કિરીટ પ્રજાપતિ અમરોલીમાં પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. મોટી પુત્રી ક્રિનરે ગત માર્ચ મહિનામાં ધો. 12 સાયન્સની પરીક્ષા આપી હતી, જેમાં ક્રિનર 55 ટકા સાથે પાસ થઈ હતી. ડોક્ટર બનવાનું સપનું જોતી ક્રિનરે ધો. 12 બાદ નીટની પરીક્ષા આપી હતી. જેનું રિઝલ્ટ તાજેતરમાં આવ્યું હતું. નીટની પરીક્ષામાં તેણીએ 350નો સ્કોર કર્યો હતો. જે મેડીકલમાં એડમિશન લેવા માટે પૂરતો નહીં હોય તે છેલ્લાં એક મહિનાથી માનસિક તાણ અનુભવતી હતી.
મૃતક ક્રિનરના પિતા કિરીટભાઈએ જણાવ્યું કે મારી પત્ની ક્રિનરની માતા બે નાના દીકરાઓને સ્કૂલે મુકવા ગઈ હતી ત્યારે મોટી દીકરી ક્રિનર ઘરમાં એકલી હતી. ત્યારે તેણીએ જીવન ટુંકાવી દીધું હતું. માતા ઘરે પરત ફરી ત્યારે દીકરીને લટકતી જોઈને ઢળી પડી હતી. માતાનો રડવાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી ગયા હતા. ક્રિનરને પાડોશીઓ ખાનગી હોસ્પિપટલમાં લઈ ગયા હતા જ્યાંથી સિવિલમાં ખસેડવામાં આવતા અહીંના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.