સુરતનો હીરા ઉદ્યોગ હવે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ (SDB) દ્વારા 42,636 કરોડનું રેકોર્ડબ્રેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ નોંધાયું છે, જે શહેરને વિશ્વના મુખ્ય ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે મજબૂત બનાવે છે. અદ્યતન સુવિધાઓ, ઝડપી કસ્ટમ ક્લિયરન્સ અને કેન્દ્ર સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે હવે સુરતના વેપારીઓ સીધા આંતરરાષ્ટ્રીય વેપાર તરફ આગળ વધી રહ્યા છે. ઓગસ્ટ 2024માં SDB ખાતે કસ્ટમ ક્લિયરન્સ સુવિધા શરૂ થયા બાદ હીરા ઉદ્યોગમાં ક્રાંતિ આવી છે. શરૂઆતમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) અને ધર્મનંદન ડાયમંડ જેવી અગ્રણી કંપનીઓએ પહેલ કરી હતી, જે બાદ અન્ય અનેક વેપારીઓ પણ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે. આ પહેલે સાબિત કર્યું છે કે સુરત હવે માત્ર પ્રોસેસિંગ સેન્ટર નહીં, પરંતુ વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
વર્ષ 2025-26 દરમિયાન કુલ 4160 પાર્સલ દ્વારા 512.75 લાખ કેરેટ રફ ડાયમંડ સુરતમાં આયાત કરવામાં આવ્યા, જેની કિંમત 41,515 કરોડ નોંધાઈ છે. આ સાથે જ લેબગ્રોન ડાયમંડ સીડ્સના વધતા ઇમ્પોર્ટને કારણે સ્થાનિક કારખાનાઓમાં ઉત્પાદન અને રોજગારી બંનેમાં વધારો થયો છે. બીજી તરફ, સુરતમાંથી 928 પાર્સલ દ્વારા 17.30 લાખ કેરેટ પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરીની નિકાસ કરવામાં આવી, જેની કુલ કિંમત 1,121 કરોડ રહી છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનો SDB માટે સૌથી સફળ સાબિત થયો હતો, જેમાં માત્ર એક જ મહિનામાં ₹4,791 કરોડનું ઇમ્પોર્ટ નોંધાયું હતું. આ આંકડા દર્શાવે છે કે સુરતના વેપારીઓમાં SDB પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે.
SDBમાં બનાવવામાં આવેલ 31,300 સ્ક્વેર ફૂટનું આધુનિક કસ્ટમ હાઉસ વેપારીઓ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરે છે. હાઈટેક મશીનો, સેફ વોલ્ટ, વેઇટિંગ એરિયા અને સુરક્ષિત પાર્કિંગ જેવી સુવિધાઓના કારણે ક્લિયરન્સ પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે મુંબઈના ભારત ડાયમંડ બોર્સને સીધી ટક્કર આપે છે. CBICના નીતિગત ફેરફારો પણ આ વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. KYC પ્રક્રિયામાં સરળતા, ટ્રાન્સશિપમેન્ટ ફી માફી અને બોન્ડ સમયમર્યાદામાં ઘટાડા જેવા પગલાંએ વેપારીઓ માટે ખર્ચ અને સમય બંને બચાવ્યા છે. નવી વ્યવસ્થા હેઠળ ICEGATE સિસ્ટમ દ્વારા ટ્રાન્સશિપમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપી બની છે. હવે જો કોઈ માલ સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચે, તો તે સાંજ સુધીમાં સુરતના વેપારી સુધી પહોંચી શકે છે. આ ઝડપી સપ્લાય ચેઇનને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સુરતના હીરા ઉદ્યોગની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે.