સૂરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરમાં ઘુસી જઇ ચપ્પુથી ગળું કાપી નાખ્યું તો બીજી તરફ લોકભારતી સ્કૂલના વિદ્યાર્થી ઉપર, એ જ સ્કૂલના વિદ્યાર્થીએ ચપ્પુથી હુમલો કર્યો! આ અગાઉ પણ ચપ્પુ વડે હુમલો કરવાના સમાચારો પ્રસિધ્ધ થઇ ચૂકયા છે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે શું લોકોને કાયદો કે પ્રશાસનની કોઇ બીક જ નથી? આ તો ગજવામાં પેન રાખીને બહાર નીકળે તેમ કોઇ પણ ઉંમરની વ્યકિત હવે ગજવામાં ચપ્પુ લઇને ફરે છે અને સામાન્ય વાતમાં ઉશ્કેરાઇ જઇ ચપ્પુથી હુમલો કરે છે એટલે હવે રસ્તેથી પસાર થતાં કોઇ નાગરિકને કાંઇક ખોટું થતું નજરે પડશે તો પણ ચપ્પુની બીકે એ ચૂપ રહેશે કયાં તો ત્યાંથી આગળ નીકળી જશે. આમાં નુકસાન કોને? જનમાનસ આટલી હદે વિકૃત થઇ ગયું છે એ માટે જવાબદાર કોણ? ઘરના વ્યકિતઓની હાજરીમાં યુવતીનું ગળું રહેંસી નાખવું એ તો જાણે શાકભાજી કાપતાં હોઇએ તેવી સામાન્ય બાબત થઇ ગઇ! દુ:ખ બે વાતનું છે. એક સામાન્ય નાગરિકને હવે કાયદા કે પોલીસનો ડર રહ્યો નથી, બીજું સુરતનો ક્રાઇમ રેટનો ગ્રાફ ગુજરાતનાં અન્ય શહેરો કરતાં દિવસે ને દિવસે ઊંચો જતો જાય છે અને ગુજરાતના ગૃહમંત્રી સુરતના જ છે!
સુરત ભાર્ગવ પંડયા વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.