સુરત: પરવટ પાટિયાના કાપડ વેપારી 35 લાખના દાગીના ખરીદવા જતાં અલથાણ પોલીસે 42 લાખનો તોડ કર્યો હતો. તેની સાથે બનેલી ઘટનામાં પોલીસ આવીને લઈ જાય છે અને પૈસા તથા સોનું પડાવી તોડ કરે છે. આ વિવાદમાં પીઆઈ અને પીએસઆઈની બદલી કરી દેવાઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ લાંબો વિચારવિમર્શ કરી જેમતેમ સેટ કરેલી એફઆઈઆરમાં પોલીસે સમગ્ર ઘટના મારી મરોડી દાખલ તો કરી પણ તેમાં તોડબાજ પોલીસ આવીને ચોકી ઉપર લઈ ગઈ અને જે કંઈ પણ ઘટના બની તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
- ફરિયાદ દાખલ તો કરી પણ કાર લઈને આવેલા તોડબાજ કોન્સ્ટેબલ અને વેપારીને રંજાડનાર પીએસઆઈ કે પીઆઈનો કોઈ ઉલ્લેખ જ નથી
- વેપારીની ઘટના દાખલ કરવામાં તોડબાજોને બચાવવા માટે અધિકારીઓને પણ વિચારવામાં સમય લાગી ગયો
- કાપડ વેપારીનો 42 લાખનો તોડ કરનાર અલથાણ પોલીસને ફરિયાદ સેટ કરવા અઠવાડિયું થયું!
અલથાણ પોલીસે ભારે જહેમત કરી વેપારીની જે ફરિયાદ દાખલ કરી છે તે મુજબ પરવટ પાટિયા ખાતે પ્રમુખ અર્ણવ મીડાસ સ્ક્વેરમાં રહેતા 39 વર્ષીય અભિષેક વિનોદ અગ્રહરી મૂળ ઉત્તરપ્રદેશના મીરઝાપુરના વતની છે. તેઓ પરવટ પાટિયા ખાતે અવધૂત સોસાયટીમાં ધનકુબેર ગારમેન્ટના નામે રેઈમેઈડ કપડાંની દુકાન છેલ્લા ચાર મહિનાથી ચલાવે છે. તેમના સાળા રાકેશ અગ્રહરી ઉર્ફે રાજુભાઈ સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે. સાળાને શરફુદ્દીન અબ્દુલ હમીદ ઉર્ફે ખાન નામની વ્યક્તિ સાથે સોના-ચાંદીના દાગીનાની એક કન્સાઈન્ટમેન્ટ થઈ હતી. દાગીના છોડાવવા 35 લાખની જરૂર હતી.
બીજા દિવસે 12 ડિસેમ્બરે આરોપી શરફુદ્દીન ખાને ફોન કરી અભિષેકને તેના સાળાનો રેફરન્સ આપી 35 લાખ આપી દાગીના આપી દેવા અને સોનું ચેક કરી ખરાઈ કરવા કહ્યું હતું. 15 ડિસેમ્બરે આરોપી કાંતિભાઈએ અભિષેકના વોટ્સએપ ઉપર ફોન કરીને શરફુદ્દીનના ભાગીદાર તરીકેની ઓળખ આપી હતી. 16 ડિસેમ્બરે કાંતિભાઈએ વોટ્સએપ કોલ કરીને સુરત ઘરેણાં લઈને સાડા બાર વાગે પહોંચી જઈશ તેમ કહ્યું હતું. એ સમયે ફોન કરીને કાંતિભાઈએ તેમની ગાડી ખરાબ થઈ હોવાથી મોકલેલાં લોકેશન ઉપર બોલાવ્યા હતા.
અભિષેકની બેગમાં રોકડા 36.52 લાખ હતા. જેથી પૈસાની સુરક્ષા માટે તેમની બિલ્ડિંગમાં રહેતા મિત્ર રમેશ શર્માને લઈ ગયા હતા. કાંતિભાઈએ મોકલેલાં લોકેશન આભવા ક્રોસ રોડ ઉપર ગયાં હતાં. ત્યાં કોઈ નહીં દેખાતાં કાંતિભાઈને ફોન કરીને પૂછતાં સામેથી એક નંબર વગરની બ્રેઝા કાર આવી હતી. કારમાં બેસેલી વ્યક્તિએ અભિષેકને નામ પૂછી અંદર બેસી જવા કહ્યું હતું. ત્યારે રમેશભાઈ થોડે દૂર ઊભા હતા. ગાડીમાં બીજી એક વ્યક્તિ બેસેલી હતી. ગાડીના ડ્રાઈવરે ઘરેણાં આ ભાઈ આપશે તેમ કહ્યું હતું.
ડ્રાઈવરે પૈસા પોતાની સાથે લાવેલી બેગમાં મૂકીને પાછળની સીટ ઉપર મૂક્યા હતા. બાદ કારમાંથી ઊતર્યા ત્યારે સોનું લાવનારી વ્યક્તિ પણ ગાડીમાંથી ઊતરી હતી. બાદ બ્રેઝા કાર ત્યાંથી નીકળી ગઈ હતી. એ પછી સોનું લઈને આવેલી વ્યક્તિ અભિષેક સાથે મોપેડ પર બેસી ગઈ હતી. ત્યારબાદ આ વ્યક્તિ પણ સોનું લઈને ત્યાંથી નાસી ગઈ હતી. અંતે અભિષેકે શરફુદ્દીન હમીદ, કાંતિભાઈ, બ્રેઝા કારના ચાલક અને સોનું લઈને આવેલા અજાણ્યાની સામે ફરિયાદ નોંધાવી હતી.