સુરતઃ હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની છે. કારખાનેદારો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી શકતા નથી. દિવાળી સામે બોનસ આપવાની વાત તો દૂર રહી સુરતની એક ફેક્ટરીના માલિકે રત્નકલાકારોના પગારમાં 15 ટકાનો કાપ મુકવાની જાહેરાત કરી છે, તેના પગલે રત્નકલાકારો વિફર્યા છે. આજે સવારે રત્નકલાકારો કામકાજ બંધ કરી ફેક્ટરીની બહાર હડતાળ પર બેસી ગયા હતા.
છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હીરાની મંદીની સૌથી સીધી અને માઠી અસર રત્નકલાકારો પર પડી છે. ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે. ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાળ કરવા મજબૂર બન્યા છે. બોનસની વાત તો દૂર રહી 15 ટકા પગાર કાપની જાહેરાત થતાં જ સમસમી ગયેલા રત્નકલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ વીજળીક હડતાળ કરી છે.
એશિયન સ્ટાર ડાયમન્ડ કંપનીના રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. દિવાળી બોનસ ના મામલે હડતાળ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા દિવાળી બોનસ નહિ આપવા અને 15 ટકા પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી. જેનો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસથી આ મદ્દે વાટાઘાટો ચાલી રહ્યો હતો. જો કે, કોઈ નિરાકરણ આવ્યુ ન હોવાથી રત્નકલાકારો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધ્યા છે.
રત્નકલાકારોએ કહ્યું કે, અમારે દિવાળીએ સારું કામ થતું હોય છે. જો કે, આ વર્ષે તો અત્યાર સુધીનું જે બોનસ હોય તે પણ કાપી લેવાની વાત કરવામાં આવી છે. કંપનીના એચઆર તરફથી આજે બોનસ નહિ આપવાનું કહેવામાં આવ્યું હતું. જેથી અમે કારીગરો કામ ઉપર ચડ્યા નથી. તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં જ ઘરણા-હડતાળ પર બેઠા છીએ. અમારા પગાર અને બોનસ હક્ક છે. પરંતુ તેના પર તરાપ મારવી યોગ્ય નથી.