સુરત : સુરતનાં અશ્વિનીકુમાર રોડની વર્ષો જૂની હીરા પેઢી 45 કરોડમાં કાચી પડી હોવાની ચર્ચાથી ખળભળાટ ફેલાયો છે. આ પેઢીમાં સુરત અને મુંબઈનાં હીરા વેપારીઓ, રફ સપ્લાયરોની મોટી મૂડી ફસાઈ છે. પેઢીએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જતાં ઉઠમણાંની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના અશ્વિનીકુમારમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ અને મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતી પેઢીએ સીવીડી ડાયમંડ તરફ વળી દેવાળું ફૂંક્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
- કૃત્રિમ હીરાનો વેપાર વધ્યા બાદ કુદરતી હીરાનો વેપાર તળિયે બેઠો
- અશ્વિનીકુમારમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ અને મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતી પેઢીએ સીવીડી ડાયમંડ તરફ વળી દેવાળું ફૂંક્યું
હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ઉદભવેલી વિસમ પરિસ્થિતિ વચ્ચે સુરત હીરા ઉદ્યોગની 10 વર્ષ જૂની હીરા પેઢીના સંચાલકોએ લગભગ રૂપિયા 45 કરોડમાં ઉઠમણું કરી નાખ્યાના અહેવાલો હીરા બજારમાં ફેલાતા સુરત સહિત મુંબઈ હીરા બજારમાં પણ ખળભળાટ મચી ગયો છે. કથિત રીતે ઉઠમણું કરનાર આ હીરા કંપની શરૂઆતમાં નેચરલ પોલીશ્ડ ડાયમંડ, કલર પોલીશ્ડ ડાયમંડનું પ્રોડક્શન-વેચાણ કરતી હતી બાદમાં સીવીડી ડાયમંડનો પણ વેપાર કરતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
લેબગ્રોન એટલે કે કુત્રિમ હીરાનો વેપાર વઘ્યા પછી કુદરતી એટલે કે નેચરલ ડાયમંડનો વેપાર સાવ તળિયે બેઠો છે. મોટી ડાયમંડ કંપનીઓના પણ પાટિયા ખખડી ગયા છે. નાના અને મધ્યમ હરોળના કારખાનાઓમાં વિકમાં 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે. રત્નકલાકારોનાં વેતનમાં 20 થી 30 ટકા કાપ મૂકી મોટી કંપનીઓ ટકી રહી છે.
સુરત, મુંબઈ હીરા ઉદ્યોગના સૂત્રોનાં જણાવ્યા મુજબ સુરતમાં 10 વર્ષ અગાઉ અશ્વિનીકુમાર રોડ પર ત્રણ ભાગીદારો દ્વારા ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રારંભના સમયમાં કંપની દ્વારા નેચરલ પોલીશ્ડ ડાયમંડ સહિત કલર ડાયમંડનું પ્રોડક્શન કરી વેચાણ કરવામાં આવતું હતું.
એ પછી દેશ દુનિયામાં CVD ડાયમન્ડની ડિમાન્ડ નીકળતા આ કંપની મોટાભાગે CVD નાં વેપાર તરફ વળી હતી. મોંઘી રફ અને મોંઘી મશીનરી ખરીદ કર્યા પછી CVD – લેબગ્રોન હીરાનો વેપાર તૂટી જતા કંપની ભીંસમાં મુકાઈ હતી. નેચરલ ડાયમંડ ક્રેડિટ લઈ વેચાણ કરી CVD માં રોકાણ કરવા જતાં કંપની આર્થિક સંકટમાં આવી છે.
પેઢીના માલિકો લેણદારોનાં ત્રાસથી વિદેશ ભાગી છૂટ્યા
સુરત તથા મુંબઈમાં હીરાના વેપારીઓ પાસેથી 45 કરોડ રૂપિયાનો માલ લીધા બાદ ચૂકવણાના સમયે હીરા પેઢીના સંચાલકો દ્વારા હાથ ઊંચા કરી દેતા લેણદારોની ચિંતા વધી છે. આજે સુરત મુંબઈના લેણદારોનું લિસ્ટ પણ ફરતું કરવામાં આવ્યું હતું. જોકે મામલો હજી SDA સુધી પહોંચ્યો નથી.
ચર્ચા એવી ચાલે છે કે, ડાયમંડ પેઢીના માલિકો લેણદારોનાં ત્રાસથી વિદેશ ભાગી છૂટ્યા છે. તેઓ હાલ અમેરિકા હોવાથી સમાધાનના પ્રયાસ થઇ શક્યા નથી. જે વેપારીઓએ સીવીડીનો માલ આપ્યો હતો, એમને રૂપિયાને બદલે તૈયાર માલ આપવાની તૈયારી પેઢીને જાણતા વેપારીઓ રજૂ કરી છે.