સુરતઃ શહેરમાં માથાભારે અસામાજિક તત્ત્વોનો આતંક વધી ગયો છે. શહેરમાં દર બીજા દિવસે હત્યા, મારામારીની ઘટનાઓ બની રહી છે. પોલીસનો ધાક જ નહીં હોય તેમ ટપોરીઓ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યાં છે ત્યારે લુખ્ખાં તત્ત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયાસ સુરત પોલીસે શરૂ કરી દીધા છે.
- અંગત અદાવતમાં યુવાન પર ચપ્પુથી હુમલો કરનારાઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો
- અડાજણ પોલીસે માથાભારે અનિલ અને તેના સાગરિતનો વરઘોડો કાઢ્યો
- માથાભારે ગુંડાઓ હાથ જોડીને માથું નીચું કરી ચાલતા રહ્યાં
- લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવી પોલીસની કામગીરીને બિરદાવી
સુરતમાં માથાભારે તત્વોના રૌફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત અદાવતમાં તિક્ષણ અત્યારથી હુમલો કરનાર આરોપીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
અડાજણ પોલીસે માથાભારે અનિલ અને તેના સાગરિતનો વરઘોડો કાઢ્યો હતો. અનિલ અને તેના સાગરીતે ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઉભી કરી હતી. બે દિવસ અગાઉ એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરિતોને ઝડપી લીધા હતા.
પોલીસે બે દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપી લીધા હતા. પોલીસે એસએમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા. જોકે આરોપીઓનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જીંદાબાદના નારા લગાવ્યા હતા.