સુરત: સુરતની બેંકોએ આજે સુરતની જાણીતી MSME ડાયમંડ પેઢીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દેતાં પેઢીઓના સંચાલકો દોડતા થયા હતા. સુરતની જે કંપનીઓએ હૈદરાબાદ અને બેંગલુરુની જે કંપનીઓ સાથે વેપાર કર્યો હતો. તે કંપનીઓ કોઈ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાઈ હોવાથી તેલંગણાની હૈદરાબાદ પોલીસ અને કર્ણાટકની બેંગલુરુ પોલીસે સુરતમાં ડાયમંડ કંપનીઓના જ્યાં બેંક એકાઉન્ટ છે, તેઓને આ ખાતા ફ્રીઝ કરવા જણાવતા બેંકોએ પોલીસની સૂચના મુજબ આ ખાતાઓ બ્લોક કરી દીધા છે.
- સાયબર ક્રાઈમ થયો હૈદરાબાદ અને બેંગલુરુમાં અને સુરતની 30 ડાયમંડ કંપનીના બેંક ખાતા ફ્રીઝ થયા
- સુરતની નેચરલ અને CVD ડાયમંડ બનાવતી કંપનીઓની 100 કરોડથી વધુની મૂડી જામ થઈ,
- વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હીરા ઉદ્યોગ રજૂઆત કરશે: દિનેશ નાવડીયા
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને અગ્રણી હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, જે 30 કંપનીઓના બેંક ખાતા ફ્રીઝ થયા છે, તેમાં અમારી કંપનીનો પણ સમાવેશ થાય છે. સુરતની કંપનીઓ જેન્યુઈન બાયરને પોતાનો માલ સેલ કરે છે, આગળ વેપારી શું કરે છે, એની સુરતની કોઈ કંપનીઓની જવાબદારી બનતી નથી. પણ જાણી જોઈને ત્યાંની પોલીસ ટ્રાન્ઝેક્શન ડેટાને આધારે પ્રામાણિકતાથી કામ કરતી પેઢીઓના બેંક ખાતા સીઝ કરવા બેંકોને આદેશ આપી હેરાનગતિ કરે છે.
અગાઉ જ્યારે આવી ઘટનાઓ બની હતી ત્યારે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ એક પ્રેઝન્ટેશન બનાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને રજૂઆત કરવા સૂચન કર્યું હતું. આ મામલે હીરા ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરશે.
અગાઉ રાકેશ અસ્થાના પોલીસ કમિશનર હતા ત્યારે એવું નક્કી થયું હતું કે, જેટલી રકમનો ફ્રોડનો ગુનો બીજા રાજ્યોમાં નોંધાયો હોય, એના હિસાબે એટલી રકમ ફ્રીઝ રાખે. બાકીની રકમનો વહીવટ બેંક એકાઉન્ટથી કરવા દેવો જોઈએ.
