સુરત: સુરતથી (Surat) ઉપડેલી સુરત- મહુવા એક્સપ્રેસમાં (Surat-Mahuwa Express) વોટર પમ્પ એમસીબી ટ્રીપ થઈ જવાની ફરિયાદના પગલે અમદાવાદ ખાતે લાઈટિંગ વિભાગના બે કર્મચારીઓ સમારકામ (Repair) કરીને ટ્રેનમાં ચઢવા જતાં હતા તે જ સમયે ટ્રેન ચાલુ થઈ જતાં વિનોદ પરમારનો પગ કપાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે, સિગ્નલ પહેલાં જ ટ્રેન ચાલુ થઈ જવાની આ ઘટનામાં રેલવે તંત્રની ગંભીર ચૂકના કારણે એક કર્મચારી અપંગ (Handicapped) થઈ ગયો છે.
આ ગંભીર ઘટના અંગે રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી મહુવા માટે ટ્રેન ઉપડી ત્યારે ટ્રેન ઉપડવાના અડધા કલાકમાં જ કોઈ પ્રવાસીએ ફરિયાદ કરી હતી કે ટ્રેનમાં વોટર પમ્પ એમસીબી ટ્રીપ થઈ ગઈ છે. ત્યારબાદ લાઈટિંગ વિભાગના કર્મચારીઓને આ બાબતે માહિતી અપાઈ હતી. કર્મચારીઓ આ અંગે તપાસ કરે ત્યારે ટ્રેન વડોદરાથી આગળ નીકળી ગઈ હતી. ટ્રેન અમદાવાદ પહોંચી ત્યારે કંટ્રોલ રૂમમાંથી મળેલી ફરિયાદના આધારે લાઇટિંગ વિભાગના કર્મચારીઓ વિનોદ પરમાર અને અજીત સરોજ ટ્રેનની નીચે ઉતરીને તપાસ કરવા લાગ્યા હતા. તેઓએ ટ્રિપિંગનું સમારકામ કરીને પાછા ટ્રેનમાં ચઢતા હતા તેજ સમયે ટ્રેન શરૂ થઈ ગઈ હતી. તેના કારણે વિનોદ પરમારનો એક પગ કપાઈ ગયો હતો. જ્યારે પડી જવાથી અજીત સરોજના હાથને સામાન્ય ઇજા થઈ હતી. બંનેએ ચીસાચીસ કરી મૂકતાં પાયલોટે ટ્રેન થોભાવીને જોયું તો વિનોદ પરમારનો પગ કપાઈ ચૂક્યો હતો. જેઓને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ
અમદાવાદ રેલવે વિભાગે આ ગંભીર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. કારણ કે જ્યારે ટ્રેનમાં આવી કોઈ ફરિયાદ હોય ત્યારે કંટ્રોલ રૂમ જે-તે વિભાગના કર્મચારીઓને જાણ કરવાની સાથે ટ્રેનના પાયલોટ અને ગાર્ડને પણ જાણ કરે છે જેથી કામ પુર્ણ થઈ જાય અને ઓકેનું સિગ્નલ મળે ત્યારબાદ જ ટ્રેન ચાલુ કરવામાં આવતી હોય છે. જ્યારે અહીં કર્મચારીઓ ટ્રેનમાં ચઢે તે પહેલા જ ટ્રેન ચાલુ કરી દેવામાં આવી હતી જેથી એક વ્યકિત કાયમ માટે અપંગ બની ગયો છે. અહીં ડ્રાઈવરને જાણ હતી કે નહીં તે મહત્વનો વિષય છે.