મીઠાઈ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. તહેવાર હોય કે પછી લગ્ન સિઝન અથવા કોઈને નોકરી લાગી હોય કે બીજા કોઈ ખુશીના પ્રસંગ હોય તો તે મીઠાઈઓ વગર અધુરા હોય છે. જોકે, હવે ફિટનેસ પ્રત્યે જાગૃત થયેલા લોકો મીઠાઈઓથી થોડું અંતર જાળવવા લાગ્યા છે. તો પણ વાર-તહેવારે તેઓ પણ મીઠાઈઓનો સ્વાદ લેવામાં પાછળ નથી રહેતા. વળી, સુરતીઓની વાત કરીએ તો તેમને તો સ્વાદ શોખીનનું બિરુદ મળેલું જ છે. સુરતીઓને અવનવી સ્વિટ્સનો સ્વાદ લેવા માટે બસ બહાના જોઈએ.
એક જમાનો એવો હતો જ્યારે સુરતીઓમાં પેંડા, ઘારી, દળ, મોહનથાળ જેવી આંગળીના વેઢે ગણી શકાય એવી મીઠાઈઓનું પ્રચલન હતું. પણ સુરતીઓને અવનવી સ્વિટ્સનો સ્વાદ ચખાડવા જાત-જાતની અને ભાત-ભાતની મીઠાઈઓનો આવિષ્કાર થયો. આજે તો સુરતની કોઈપણ દુકાનમાં જાવો તમને મોઢામાં પાણી લાવી દે તેવી ડિફરન્ટ વેરાયટીની પુષ્કળ મીઠાઈઓનો રસથાળ જોવા મળશે. આજથી 118 વર્ષ પહેલાં ઝાંપા બજારમાં “ઉત્તમની મીઠાઈઓ” પેઢીએ સુરતીઓને આઈસ્ક્રીમ હલવા (દૂધ બદામ હલવા) નો ટેસ્ટ આપવાનું શરૂ કર્યું બસ આ સ્વીટ ઉત્તમની મીઠાઈઓની ઓળખ બની છે. આજે 118 વર્ષે પણ સુરતીઓ ઝાંપાબજાર મેઈન રોડ વિસ્તારમાં સ્થિત આ દુકાનની અવનવી સ્વિટ્સનો ટેસ્ટ “ઉત્તમ” છે એવું કહી રહ્યાા છે તો શા માટે? તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ. વંશવેલો # ઉત્તમરામ છગનલાલ હલવાવાલા # હીરાલાલ ઉત્તમરામ હલવાવાલા # દિનેશચંદ્ર હીરાલાલ હલવાવાલા # સનીભાઈ દિનેશચંદ્ર હલવાવાલા
2006ની રેલમાં હું અને મારો દિકરો 4-5 દિવસ દુકાનમાં જ ફસાયેલા રહ્યા : દિનેશચંદ્ર હલવાવાલા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક દિનેશચંદ્ર હલવાવાલાએ જણાવ્યું કે, 2006ની રેલમાં સુરતના ઘણા વિસ્તારો 4-5 દિવસ પાણીમાં રહયા હતા. અમારી દુકાનમાં પણ પાણીનો ભરાવો થવાનો શરૂ થતા અમે મીઠાઈઓનો સ્ટોક, કાચો માલ અને મીઠાઈ બનાવવાના વાસણો ઉપરના માળે ચઢાવવા લાગ્યા હતા પણ જોત-જોતામાં 7-8 ફૂટ પાણી ભરાય ગયું હતું એટલે હું અને મારો દીકરો સની બંને માટે દુકાનમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. અમે દુકાનના ઉપલા માળે જ રોકાય ગયા હતા. દુકાનમાં દાળ-ચોખા હતા એટલે એ બનાવીને ખાઈ લેતા. ઉપરાંત દુકાનની પાડોશમાં રહેતા ફેમિલી દ્વારા પણ અમને ભોજન પૂરું પાડવામાં આવતું. એ વખતે બળેવને લઈને અમે જથ્થાબંધ મીઠાઈઓ બનાવી હતી જે પાણીમાં ખરાબ થતા અમને દોઢથી પોણા- બે લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું.
અલુણામાં સ્પેશ્યલ કોપરાપાક અને ચોખાના ખાજાની ડીમાંડ રહે છે: સનીભાઈ હલવાવાલા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક સનીભાઈ હલવાવાલાએ જણાવ્યું કે, ઉપવાસમાં અમારી દુકાનમાં દૂધીનો હલવો અને આઈસ્ક્રીમના હલવા (દૂધ-બદામ હલવા) ની ડીમાંડ રહે છે. જ્યારે અલુણામાં કોપરા પાક અને ચોખાના ખાજા માટે લોકોનો ધસારો રહે છે. આ ઉપરાંત રમઝાન માસ અને ઈદમાં મિક્સ મીઠાઈ ઉપરાંત મોહનથાળ મુસ્લિમ બિરાદરો ખરીદવા આવતા હોય છે. દિવાળીના તહેવારમાં તો ગ્રાહકો મીઠાઈ માટેના ઓર્ડર એડવાન્સમાં આપતા હોય છે. વળી, કેમિકલ કમ્પનીઓ દિવાળીમાં તેમના કર્મચારીઓને મિક્સ મીઠાઈનું ગિફ્ટ હેમ્પર આપતા હોય છે. તેને માટે અમારે ત્યાં મિક્સ મીઠાઈના ગિફ્ટ બોક્સ તૈયાર કરાવતા હોય છે. રક્ષાબંધનમાં કાજુ કતરી, દૂધ બદામ હલવો ઉપરાંત મિકસ મીઠાઈ અમારી દુકાનમાંથી લઈ જવાનું લોકો પસંદ કરતા હોય છે.
મુંબઈના ગ્રાહકો શુગર ફ્રી સાલમપાક પસંદ કરે છે
સનીભાઈ હલવાવાલાએ જણાવ્યું કે, અમારી દુકાનમાંથી મુંબઈના ગ્રાહકો શુગર ફ્રી સાલમ પાક લઈ જતા હોય છે. નવેમ્બર-ડિસેમ્બરમાં બોમ્બે, દાહોદ, ગોધરાથી સુરત આવતા વોહરા સમાજના લોકો દૂધનું ઓસડ (સાલમપાક) અને પીસ્તા ઘારી લઈ જાય છે. U.S.A. અને આફ્રિકા રહેતા સુરતના ગુજરાતી પરિવાર માટે મોડીફાઇડ એટમોસ્ફિયર પેકિંગમાં સાલમ પાક મોકલાય છે.
પહેલા ખાખરના પાનના મીઠાઈના પડીકા બનતા
દિનેશચંદ્ર હલવાવાલાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં મીઠાઈનું પેકિંગ ખાખરના પાનમાં થતું હતું. ત્યારે ગ્રાહકો માટે ખાખરના પાનમાં મીઠાઈના પડીકા તૈયાર કરીને મૂકી દેવાતા ગ્રાહક આવે એટલે તે તૈયાર પડીકા આપી દેવાતા. તે સમયે ખાખરના પાન વલસાડથી મંગાવવામાં આવતા. આખા વર્ષ માટે 12 ગાંસડી ખાખરના પાન મંગાવતા જેનું સ્ટોરેજ પહેલા દુકાનમાં ભોંયરૂ હતું તેમાં થતું. એ જમાનામાં એક આનામાં મીઠાઈનું પડીકું મળતું હતું.
વરિષ્ઠ વયના લોકો ગગન ગાંઠીયા, મૈસુર પાક ખાવાનું પસંદ કરે છે
દિનેશચંદ્ર હલવાવાલાએ જણાવ્યું કે, એક સમયે ગગન ગાંઠિયા સુરતીઓને ભાવતી મીઠાઈ હતી. લગ્ન પ્રસંગોમાં જમણવારમાં ગગનગાંઠીયા રહેતા. જોકે, ગગનગાંઠિયા બહુ ગળ્યા નથી હોતા. આજે પણ શહેરના વરિષ્ઠ વયના લોકો ગગન ગાંઠિયા અને મૈસુર પાક ખાવાનું પસંદ કરે છે. પણ શહેરના યંગ સ્ટર્સને ગગન ગાંઠિયા અને મૈસુર પાક કરતા વધારે તો વિવિધ ફ્લેવરની કાજુ કતરી પસંદ છે. ગગન ગાંઠિયા ભુલાતી જતી મીઠાઈ છે પણ વરિષ્ઠ વયના નાગરિકોને આ મીઠાઇ ભાવતી હોવાથી અમે તે વર્ષોથી બનાવીએ છીએ.\ કેરીની સિઝનમાં મેંગો ખાજા, સુતરફેણીનું વેચાણ
સનીભાઈએ જણાવ્યું કે હવે કેરીની સિઝન આવશે. આ સિઝન આવતા કેરીના રસની સાથે મેંગો ખાજા, સુતરફેણી અને ઘેવર ખાવાનું સુરતીઓ પસંદ કરે છે. અમારી દુકાનેથી મેંગો ખાજા અને મોળા ખાજા લેવા ગ્રાહકોની આ સિઝનમાં ભીડ રહે છે. ઘેવર અને સુતરફેણી લેવા શહેરના રાંદેર, સગરામપુરા, સલાબતપુરા, અડાજણ, વરાછા, સિટીલાઈટ વિસ્તારમાંથી ગ્રાહકો આવે છે.
પેઢીની સ્થાપનાના 2 વર્ષ બાદ સ્થાપક ઉત્તમરામ હલવાવાલાનું નિધન થયું હતું
1905માં ઉત્તમરામ હલવાવાલાએ આ પેઢીનો પાયો નાંખ્યો હતો. ત્યારે ઝાંપા બજાર મેઇન રોડ વિસ્તારમાં મીઠાઈની બીજી કોઈ દુકાન નહીં હતી. તેમનું રહેવાનું નવાપુરા કરવા રોડ વિસ્તારમાં હતું. જયારે ઝાંપા બજારમાં આ દુકાનમાં જ મીઠાઈઓ બનાવતા અને વેચાણ કરતા હતા. શરૂઆતથી જ તેઓ આઈસ્ક્રીમ હલવો જેને દૂધ બદામ હલવો પણ કહેવાય છે તે બનાવતા જે મુસ્લિમ વોહરા સમાજના લોકોમાં વધારે ફેમસ છે આ સમાજના લોકો અહીંના ત્રિરંગી હલવા પર પણ આફરીન છે. દુકાનની સ્થાપનાના 2 વર્ષમાં જ ઉત્તમરામ હલવાવાલાનું કમળો અને ત્યારબાદ કમળી થતા બીમારીમાં નિધન થયું હતું. તેમના દ્વારા બનાવાતી મીઠાઈઓનો સ્વાદ લેવા ગ્રાહકો ચાલતા-ચાલતા અને ઘોડા ગાડીમાં પણ દુકાન સુધી આવતા.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ માટે અમારે ત્યાંથી સાલમ પાક લઈ જવાયો હતો
દિનેશચંદ્ર હલવાવાલાએ જણાવ્યું કે જ્યારે દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહ હતા ત્યારે તેમના માટે અમારી દુકાનમાંથી એક વોહરા સમાજની વ્યક્તિ સાલમપાક દિલ્લી લઈ ગયા હતા જેનું અમે સ્પેશ્યલ પેકિંગ કર્યું હતું. જે એર ટાઈટ પેકિંગ હતું. આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલ અમારી દુકાનની માવા ઘારી ખાવાનું પસંદ કરતાં હતા.
વોહરા સમાજના લોકોને સાલમ પાક અને દૂધ-બદામનો હલવો પસંદ: અલી અસગર
છેલ્લા 30 વર્ષથી આ જ દુકાનમાંથી સ્વિટ્સ ખરીદવાનું પસંદ કરતા અલી અસગરે જણાવ્યું કે આ દુકાનમાંથી વોહરા સમાજના લોકો સાલમ પાક, ત્રિરંગી હલવો, દૂધ બદામ હલવો લેવાનું પસંદ કરે છે. અમારું ફેમિલી 60 વર્ષથી આ દુકાનમાંથી મીઠાઈ ખરીદવાનું પસંદ કરે છે. શિયાળામાં અમે સાલમ પાક અને ઘારી અહીંથી લઈ જઈને ખાઈએ છીએ. વર્ષોથી અહીંની સ્વિટ્સનો ટેસ્ટ અને ગુણવત્તા એકસરખો રહ્યો છે.
હીરાલાલ હલવાવાલા બેંગ્લોર, મદ્રાસ, દિલ્લી મીઠાઈઓ મોકલતા
ઉત્તમરામ હલવાવાલાનું અવસાન થયું ત્યારે તેમના પુત્ર હીરાલાલ માત્ર 12-13 વર્ષની ઉંમરના હતાં. આ ઉંમરે તેમણે ધંધાની બાગડોર સંભાળી. જોકે, તેમની ઉંમર ખૂબ નાની હોવાથી તેમના ભાઈ મદનભાઈ હલવાવાલા તેમને દુકાનના સંચાલનમાં મદદ કરતા હતા. તેઓ ઓછું ભણ્યા હતા પણ ધંધો ચલાવવાની કુનેહને કારણે તેમને બિઝનેસનો વ્યાપ વધાર્યો. તેમણે ડિફરન્ટ વેરાયટીની મીઠાઈઓ વેચવાનું શરૂ કર્યું હતું. રોયલ ચીકુ હલવો, દૂધીનો હલવો, ચોકલેટનો હલવો, સુરતી પેંડા, ભાવનગરી પેંડા, ખાજલી, મગજ, સાલમ પાક, મૈસુર પાક, જાત-જાતની બરફી, માવાની મીઠાઈ વેચતા. તેમણે બેંગ્લોર, મદ્રાસ, દિલ્લી પણ લાકડાની પેટીમાં ટ્રેન દ્વારા મીઠાઈઓ મોકલવાનું શરૂ કર્યું હતું.