ડાયમંડ સિટીની ઓળખ સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરનાર સુરતનું ઐતિહાસિક મહત્વ પણ રહ્યું છે. સુરતને વિકસાવવામાં રાંદેરના ગોપી મલેકનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેમના નામથી જ સુરતમાં ગોપીપુરા અને ગોપી તળાવ વિસ્તાર છે. આ ગોપીપુરા વિસ્તારમાં વર્ષો પૂર્વે ઝવેરી બજાર હતું. સાચા મોતીનો વેપાર મોટાપાયે થતો હોવાથી અહીં મોતીપોળ આવેલી છે. ગોપીપુરા વિસ્તારનું ઐતિહાસિક કનેક્શન નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે પણ છે. એ વાત પછીથી કરીશું. આપણે વાત કરીએ અહીંના ઝવેરીઓમાં એક સુરચંદભાઈ ઝવેરી પણ હતાં તેઓ સાચા મોતીનો વેપાર કરતા પણ ધંધામાં પડતીને કારણે તેમણે ધંધો જ બદલી નાંખ્યો હતો. તેમણે પ્રોવિઝન સ્ટોર્સ ચાલું કર્યું જે આજે 101 વર્ષે પણ કાર્યરત છે.
સમયના બદલાતા વહેણ સાથે આ સ્ટોર્સમાં સોંયથી લઈને કટલરી, સ્કૂલના વિદ્યાર્થીઓને ઉપયોગી સ્ટેશનરી સુધીની વસ્તુઓ એક જ છત નીચે મળી રહે છે. નિતીથી ધંધો કરવાના નિયમને વળગી રહેવામાં માનતી આ પેઢી પર સુરતીઓને 101 વર્ષથી અટલ વિશ્વાસ શા કારણે છે? આ પેઢીનાં સ્થાપક સુરચંદભાઈ ઝવેરીનું કનેક્શન પ્રધાનમંત્રી રહેલા સ્વ. મોરારજી દેસાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલા હિતેન્દ્રભાઈ દેસાઈ સાથે કઈ રીતે હતું ? તે આપણે આ સ્ટોર્સના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસે થી જાણીએ.
મારી કોલેજ (દુકાન)માં તું 2 વર્ષમાં એક્સપર્ટ થઈ જઇશ: બંકિંમભાઈ ઝવેરી
આ પ્રોવિઝન સ્ટોર્સના બીજી પેઢીનાં સંચાલક બંકિમભાઈ ઝવેરીએ જણાવ્યું કે મેં 1973માં 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. મારા પિતા સુરચંદભાઈ ઝવેરીએ મને કહ્યું હતું કે દીકરા કોલેજ કરતા તને 3 વર્ષ લાગશે, જ્યારે મારી કોલેજ(દુકાનમાં) તું 2 વર્ષમાં એક્સપર્ટ થઈ જઈશ. આજે હું મારા આ ધંધામાં એક્સપર્ટ થયો છું ત્યારે મને મારા પિતાના આ શબ્દો સાચા પડયા હોવાનું ફિલ થાય છે. બંકિમભાઈએ જણાવ્યું કે વર્ષો પહેલા આ વિસ્તારમાં જૈનોની વસ્તી જેમકે, પોરવાડ, શ્રીમાળી અને ઓસ્વાલ આટલા જ ફેમિલી રહેતા. 1952-53મા s.m.c.એ એલાઈમેન્ટ માટે અમારી જૂની દુકાન તોડી પાડી હતી ત્યારે મારા પિતાએ આ દુકાનમાં ધંધો શિફ્ટ કર્યો હતો.
કોરોનામાં લોકડાઉનમાં મુક્તિના સમયમાં દુકાન ચાલુ રાખતા હતા: મયંકભાઈ ઝવેરી
ત્રીજી પેઢીનાં સંચાલક મયંકભાઈ ઝવેરીએ જણાવ્યું કે કોરોનાના સમયમાં રોજ સવારે સાડા પાંચ- 6 વાગે ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં જઈને લાઈનમાં ઉભા રહીને માલ લાવી નહીં નુકસાન નહીં નફાના ધોરણે માલનું વેચાણ કર્યું હતું. લોકડાઉનમાં મુક્તિના સમયે અમે દુકાન ચાલુ રાખતા. ત્યારે માલ લેવા લોકોની લાઈનો લાગતી એટલે અમે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરાવી લોકોને રાહત ભાવે વસ્તુઓ પુરી પાડતા. મારા દાદા સુરચંદભાઈ ઝવેરી કહેતા કે નીતિથી ધંધો કરશો તો જ આગળ વધશો. દાદાના આ નિયમને વળગી રહીને અમે ગ્રાહકોને ક્વોલિટીમાં અને ભાવમાં સંતોષ આપી રહ્યાં છીએ. ગ્રાહકો પણ કહેતા હોય છે કે આ દુકાનમાં ઘર માટેની બધી વસ્તુ મળે છે.
2006ના પુરમાં લોકો પાણીમાં ચાલીને ઘરે માલ લેવા આવતા: પિંકલભાઈ ઝવેરી
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક પિંકલભાઈ ઝવેરીએ જણાવ્યું કે 2006માં સુરતમાં આવેલી ભયંકર રેલમાં શહેરનો મોટાભાગનો વિસ્તાર 4-5 દિવસ પાણીમાં હતો. અમારી દુકાનમાં 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જોકે, અમે સમયસૂચકતા દાખવી દુકાનનો માલ ઘરે લઈ ગયા હતા. જેથી અમને કોઈ નુકસાન નહીં થયું હતું. પણ લોકોએ તે વખતે ઘણી હાલાકી વેઠવી પડી હતી. અમારા ઘરે લોકો માછીવાડ અને ચોકબજારથી પાણીમાં ચાલીને માલ લેવા આવતા. તે કઠિન પરિસ્થિતિમાં અમે લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે માલ આપ્યો હતો. લોકો ખભા પર પાર્લેજી બિસ્કિટના કાર્ટૂન લઈ જતા હતા સાથે મીણબત્તી, બેટરીના સેલ જેવી જરૂરિયાતની બસ્તુઓ લઈ જતા.
U.s.a., કેનેડા, દુબાઈ સ્થાયી થયેલા n.r.i. દુકાને ચુરણ લેવા આવે છે: ખુશ્બુબેન ઝવેરી
પિંકલભાઈના પત્ની ખુશ્બુબેન ઝવેરીએ જણાવ્યુ કે અમારી દુકાન પર મોટી કોન્ટીટીમાં ચુરણ લેવા u.s.a., કેનેડા, દુબઈ સ્થાયી થયેલા સુરતના ગુજરાતી દુકાને આવતા હોય છે. આ n.r.i. જ્યારે પણ સુરત આવે ત્યારે ચુરણ લઈ જતા હોય છે. અમારી દુકાનનું ચુરણ ટેસ્ટી લાગતું હોવાની સાથે પાચન માટે સારું છે. દિવાળીમાં 100થી 200 ટાઈપના મુખવાસ અને ચુરણ માટે લોકો નો સારો પ્રતિસાદ રહે છે. દિવાળી પર એક મુખવાસના પેકેટ સાથે બીજું પેકેટ ફ્રીમાં ગ્રાહકોને આપીએ છીએ. તે જયપુર, જોધપુર, ઇન્દોરથી મંગાવીએ છીએ. અમારી દુકાનમાં ઈન્સ્ટન્ટ કોકો, ફાલુદો, આઈસ્ક્રીમના પેકેટ પણ ઉપલબ્ધ છે.
સુરચંદભાઈ ઝવેરી તે જમાનામાં રોજનો 50 પૈસાનો વકરો કરતા હતા
ઝવેરી સ્ટોર્સનો પાયો 1922માં સુરચંદભાઈ ઝવેરીએ નાખ્યો હતો. એ પહેલા તેઓ સાચા મોતીનો વેપાર કરતા. તે વખતે તેમની દુકાન હાલની દુકાનની સામેની સાઈડમાં હતી. સ્થિતિ સંજોગો વિપરીત રહેતા સુરચંદભાઈ ઝવેરીએ ધંધો બદલીને પ્રોવિઝન સ્ટોર્સ શરૂ કર્યું હતું. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં એક પણ પ્રોવિઝન સ્ટોર્સ નહીં હતું. તેઓ આજીવન ખાદીધારી રહ્યાં હતાં. ધોતી, ટોપી, બંડી ખાદીની જ પહેરતા અને રૂમાલ પણ ખાદીનો જ રાખતા. તેમનો દુકાનનો વકરો તે જ્માનમાં રોજનો 50 પૈસાનો હતો.
મહેન્દ્રભાઈએ ધંધાનો વિસ્તાર કર્યો
સુરચંદ ઝવેરીના મોટા પુત્ર મહેન્દ્રભાઈએ 16 વર્ષની ઉંમરે દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. તેમણે દુકાનમાં સ્કૂલ અને ઓફિસની સ્ટેશનરી તથા કટલરીનો સામાન અને પાઠયપુસ્તકોનું વેચાણ શરૂ કર્યું હતું. તરેહ-તરેહના મુખવાસ, ચૂરણ વેચવાનું શરૂ કરતા દૂર-દૂરથી ગ્રાહકો દુકાને ખભા પર થેલી લઈને આવતા અને સામાન લઈ જતા. મોટાભાગના ગ્રાહકો પગપાળા જ આવતા.
દાદાની પુણ્યતિથિ પર નોટબુક્સ, સ્ટેશનરીઓ પર ડિસ્કાઉન્ટ આપીએ છીએ
મયંકભાઈ ઝવેરીએ જણાવ્યું કે મારા દાદા સુરચંદ ઝવેરીનો જન્મ અને મૃત્યુનો દિવસ એક જ અખાત્રીજ છે. એ દિવસે અમે મે અને જુનમાં વિદ્યાર્થીઓને નોટબુક્સ, પેન્સિલ, રબર ઉપર 25 ટકા અને નવનીત અને સ્વાધ્યાય પોથી પર 15થી 20 ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આ સ્કીમને કારણે લોકોને આર્થિક ફાયદો રહે છે. નોટબુક, સ્ટેશનરી લેવા લોકોની ભીડ દુકાન પર લાગે છે. પાર્લે પોઇન્ટ્સ, વેસુ, અલથાણ, પાંડેસરા, સચિન, ઓલપાડ, પરવત પાટીયા અને જહાંગીરપુરાથી લોકો આવે છે.
પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.મોરારજી દેસાઈ સાથેનો ઘરોબો:
પિંકલ ઝવેરીએ જણાવ્યું કે મારા દાદા સુરચંદભાઈ ઝવેરી અને દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. મોરારજી દેસાઈ સારા મિત્રો હતા. દાદાનો મોતીનો વ્યાપાર હતો ત્યારે અમારી જૂની દુકાનમાં મોરારજી દેસાઈની બેઠક રહેતી. મોરારજી દેસાઈ જ્યારે ચૂંટણીમાં ઉભા રહ્યાં હતાં ત્યારે લોકો સાથે દાદાએ એમને સહકાર આપ્યો હતો.
રક્ષાબંધન પર રાખડી અને ચોકલેટની ખરીદી માટે ગ્રાહકોની ભીડ રહે છે
આ દુકાનની શરૂઆતથી જ પીપરમિન્ટ અને ચોકલેટનું વેચાણ થાય છે. ચોકલેટની અવનવી વેરાયટી મળતી હોવાથી લોકોનો સારો પ્રતિસાદ રહે છે. રક્ષાબંધન પર એક રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીની ડાયમંડ, લાઈટ,જરદોશી, રુદ્રાક્ષ, મોતીની રાખડીઓના સ્ટોલ લાગે છે. વર્ષોથી અમારી દુકાન દ્વારા રક્ષાબંધન પર રાખડીઓના,હોળી પર ઓર્ગેનિક કલર, ગુલાલ વેચાય છે. દિવળી પર મુહૂર્તના ચોપડા જેમકે રોજમેળ, ખાતાવહી, બીલબુક, ડિલિવરી ચલણ, પહોંચબુક પણ વેચાણ માટે મુકાય છે.
રાજ્યના મુખ્યમંત્રી રહેલા સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈ દુકાને નિયમિત આવતા
બંકિમભાઈ ઝવેરીએ જણાવ્યું કે રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્ર દેસાઈ હતા. તેઓ સુરતમાં અમારી દુકાનની બાજુની ગલીમાં રહેતા. મારા પિતા સુરચંદભાઈ ઝવેરી સાથે એમની સારી મિત્રતા હતી. રોજ તેઓ દુકાને આવતા અને દુકાનમાં બેસીને ચા પીવાનો તેમનો ક્રમ રહ્યો હતો. અત્યારે પણ તેમનું ચાર માળનું ઘર છે જેમાં ભાડુઆત રહે છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝ પર મોતીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો
બંકિમભાઈ ઝવેરીએ જણાવ્યું કે, 1938માં સુરતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન થયું હતું. ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ ગોપીપુરામાં આવ્યા હતા ત્યારે ગોપીપુરાના મહાજનો તરફથી તેઓ પર સાચા મોતી વરસાવી તેમનું સ્વાગત કર્યું હતું. ગોપીપુરામાં તેમની યાદને હમેશા જીવંત રાખવા સુભાષ ચોક તૈયાર કરાયો છે. અહીં તેમના જન્મ દિવસે પુષ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય પુર્ણેશ મોદી દુકાનના ગ્રાહક રહ્યા છે
પિંકલભાઈ ઝવેરીએ જણાવ્યું કે, અમારી દુકાનના ગ્રાહક સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય પૂર્નેશ મોદી, ભૂતપૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ગાંધી, હાલના કોર્પોરેટર સંજય દલાલ ગ્રાહક રહ્યાં છે.