SURAT

100 વર્ષ પહેલા સુરતમાં સિલાઈ મશીન વેચવાની શરૂઆત એક પારસી સજ્જન સાવકશા બાવાઆદમે કરી હતી

સિલાઈ મશીન એક એવું યાંત્રિક ઉપકરણ છે જે કોઈ વસ્ત્ર કે અન્ય વસ્તુને પરસ્પર એક દોરી અથવા તારથી સિવવાના કામમાં આવે છે. ઇલાયસ હાઉ સિલાઈ મશનના શોધકર્તા હતા. જો સિલાઈ મશનની શોધ થઈ નહીં હોત તો આજે લોકો જે રિતના ફેશનેબલ કપડા પહેરી શકે છે તે પહેરી શક્યા નાહોત. પહેલા હાથથી ચાલતા સિલાઈ મશીન આવતા. ત્યારબાદ પગથી ચલાવાતા સિલાઈ મશનનો પણ જમાનો આવ્યો. હવે તો ઘણા પ્રકારના સિલાઈ મશીન બજારમાં મળે છે. વીજળીથી ચાલતા સિવવાના મશીન પણ ઉપલબ્ધ છે. 100 વર્ષ પહેલા સુરતમાં સિલાઈ મશીન વેચવાની શરૂઆત એક પારસી સજ્જન સાવકશા બાવાઆદમે કરી હતી.

ત્યારે તો સુરતની હદ ચોક બજારથી રેલવે સ્ટેશન સુધીની હતી. એ જમાનો એવો હતો જ્યારે ભારતમાં સિવવાના મશીનનું ઉત્પાદન થતું નહીં હતું. ત્યારે જર્મની અને અમેરિકાથી સિલાઈ મશીન આવતા. સાવકશા બાવાઆદમે લાલગેટ વિસ્તારમાં જનરલ એજન્સીઝના નામથી સિલાઈ મશીનના વેચાણની દુકાન શરૂ કરી હતી. ત્યારે સિલાઈ મશીનની ખરીદી કોણ-કોણ કરતું? તેઓ બીજો પણ કોઈ ધંધો કરતા હતાં? સિલાઈ મશીનો ખરીદવા ક્યાં-ક્યાંથી ગ્રાહકો આવતા હતા?  તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ. વંશવેલો -સાવકશા પેસ્તનજી બાવાઆદમ, રૂસ્તમજી સાવકશા બાવાઆદમ, ટહેમટન રૂસ્તમજી બાવાઆદમ, નરગીસ ટહેમટન બાવાઆદમ, હોરમઝદ ટહેમટન બાવાઆદમ

પંજાબી, મારવાડી સમાજના લોકો દીકરીને લગ્નમાં સિલાઈ મશીન ગિફ્ટમાં આપે છે: હોરમઝદ બાવાઆદમ
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક હોરમઝદ બાવાઆદમે જણાવ્યું કે, હજી પણ પંજાબી, મારવાડી અને મુસ્લિમ સમાજના લોકો દીકરીને લગ્નમાં ગિફ્ટમાં સિલાઈ મશીન આપે છે. આ સમાજોમાં દીકરીને સિલાઈ મશીન  ગિફ્ટમાં આપવાની વર્ષો જૂની પ્રથા છે. પંજાબી અને મારવાડી સમાજના લોકો ભટાર, વેસુ, સિટીલાઈટ, અલથાણ અને પર્વત પાટિયાથી આવે છે. જ્યારે મુસ્લિમ સમાજના ગ્રાહકો ચોક બજાર, રામપુરા, મુગલીસરા, હરિપુરા, સૈયદપુરા ઉપરાંત અમરોલી, ઓલપાડ, કિમ, કોસંબાથી આવે છે. મુસ્લિમ સમાજના ગ્રાહકોમાં મહિલા ગ્રાહકો વધારે હોય છે.

1980-90ના સમયગાળામાં રોજના 100 પંખા વેચાતા 92-93માં વેચાણ બંધ થયું: નરગીસ બાવાઆદમ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક અને ટહેમટન બાવાઆદમના પત્ની નરગિસબેને જણાવ્યું કે, 1980-90નો સમયગાળો એવો હતો જ્યારે લગભગ રોજ 100 પંખાનું વેચાણ થતું હતું. ત્યારે A.C.નો જમાનો હતો પણ બહુ ઓછા મધ્યમ વર્ગના લોકો A.C. ખરીદતા. એપ્રિલ-મેમાં ગરમીનો પારો વધારે રહેતો એટલે પંખાના વેચાણમાં ઉછાળો આવતો. લોકો અમારી પેઢીમાંથી જ પંખાની ખરીદીનો આગ્રહ રાખતા. જોકે, પછી તો કોમ્પિટિશન વધી એટલે પંખાના વેચાણમાં ઘટાડો થયો. વળી, બજારમાં ડુપ્લીકેટ પંખા આવવા લાગ્યાં હતાં એટલે પછી અમે 92-93માં પંખાનું વેચાણ બંધ કર્યું હતું. જોકે, હજી અમારી દુકાનમાં પંખાના રિપેરીંગનું કામ થાય છે.

પારસી સમાજની મહિલાઓ સદરા સિવવા માટે અમારી દુકાનેથી સિલાઈ મશીન લઈ જાય છે: નીલુફર બાવાઆદમ
હોરમઝદ બાવાઆદમના પત્ની નીલુફરબેને જણાવ્યું કે, પારસી ધર્મમાં સદરાનું મહત્વ છે. સદરા એક પ્રકારના બનીયાન હોય છે. છોકરા-છોકરી નવજોત થઈ ગયા બાદ સદરા પહેરવા ફરજિયાત હોય છે. સદરા મોટાભાગે પારસી મહિલાઓ જ સિવતી હોય છે. આ સદરા સિવવા માટે સુરતના અલગ-અલગ વિસ્તારમાં વસેલા પારસી કોમના લોકો અમારે ત્યાંથી સિલાઈ મશીન લઈ જાય છે.સદરાનું કાપડ મલમલ જેવું અને સફેદ કલરનું હોય છે. પહેલા હાથથી ચાલતા મશીન હતાં ત્યારે પણ પારસી મહિલાઓ ઘરે જ સદરા સિવવાનું પસંદ કરતી.

1922માં સાવકશા બાવાઆદમે પાર્ટનરશીપમાં ધંધો શરૂ કર્યો હતો
સુરતના પારસી સજ્જન સાવકશા પેસ્તનજી બાવાઆદમે લાલગેટ વિસ્તારમાં જનરલ એજન્સીઝના નામથી સિલાઈ મશીન વેચવાનો ધંધો પાટર્નરશિપમાં શરૂ કર્યો હતો. તેઓ સિલાઈ મશીન વેચવાની સાથે તેમની ગેસ એજન્સી હતી ઉપરાંત  રિપેરીંગનું કામ પણ કરતા હતા. એ વખતે સુરતમાં સિલાઈ મશીન વેચતી બીજી કોઈ દુકાન નહીં હતી. ત્યારે સિલાઈ મશીનની વધારે ખરીદી ટેલર્સ કરતા હતા જ્યારે ઘરેલુ ઉપયોગ બહુ ઓછો હતો. એ સમયે અમેરિકા અને જર્મનીથી સિલાઈ મશીન મુંબઈ આવતા અને ત્યાંથી સુરત આવતા હતા. સિલાઈ મશીન એજન્ટ મારફત મંગાવવામાં આવતા હતા. એ વખતે જર્મન વેરીટઝ અને પફ મશીનની ડિમાન્ડ હતી.

રૂસ્તમજી બાવાઆદમે R.T.O.ની જોબ છોડી ધંધો સંભાળ્યો
સાવકશા બાવાઆદમના પુત્ર રૂસ્તમજી રાજકોટમાં R.T.O.માં ઇન્સ્પેકટર હતા. સાવકશા જૈફ વયે પહોંચતા પુત્ર રૂસ્તમજીને નોકરી છોડી ધંધાનું સંચાલન હાથમાં લેવા જણાવ્યું હતું. રૂસ્તમજી બાવાઆદમ નોકરી છોડી સુરત આવી ગયા હતા. તેમણે ધંધાનો વ્યાપ વધારતા પંખાનું પણ વેચાણ શરૂ કર્યું હતું. એ જમાનામાં પંખા કોલકાતાથી અમદાવાદ આવતા હતા.

100 વર્ષ પહેલાનું મશીન હજી પણ દુકાનમાં સાચવીને રાખ્યું છે
નરગીસબેન બાવાઆદમે જણાવ્યું કે, અમારી દુકાનમાં વર્ષો પહેલાં એક પારસી બેન જુના જમાનાની સિલાઈ મશીન રીપેર કરવા લઈ આવ્યા હતા. તે મશીન  લગભગ 100 વર્ષની આસપાસની છે. જોકે, તેના સ્પેરપાટર્સ હવે મળવા મુશ્કેલ હોવાથી અમે તેના રીપેરીંગ માટે અસમર્થતા બતાવી હતી. ત્યારબાદ આ મશીન તે પરસીબેને અમને સોંપ્યું હતું. અમે તેને ઘણા વર્ષોથી સાચવી રાખેલું છે. દુકાનમાં મશીન ખરીદવા અવતા લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તે જમાનામાં સિલાઈ મશીન 200થી 500 રૂ.માં વેચતા
હોરમઝદ બાવાઆદમે જણાવ્યું હતું કે, જ્યારે અમારી પેઢીની સ્થાપના થઇ ત્યારે એ જમાનામાં સિલાઈ મશીન 200થી 500 રૂપિયાની કિંમતમાં વેચાતા હતા. જ્યારે અત્યારે સિલાઈ મશીન 12 હજારથી વધુ કિંમતમાં વેચાય છે. જ્યારે એ જમાનામાં પંખા પણ 200 રૂપિયા સુધીની કિંમતમાં વેચાતા હતા. 100 વર્ષ પહેલાં તો ભારતમાં સિલાઈ મશની તથા પંખાનું મેન્યુફેક્ચરિંગ થતું નહીં હતું.

ચાયના સિલાઈ મશીનની વધારે ડીમાંડ છે
હોરમઝદ બાવાઆદમે જણાવ્યું કે, ચાયનાના સિલાઈ મશીનની ડીમાંડ વધારે તો બ્યુટીક્સવાળા, રેડીમેડ ગાર્મેન્ટ્સની ઇન્ડસ્ટ્રીઝ અને લોકલ ટેલર્સ કરે છે. કારણકે, આ ઓટો ઓઇલ મશીનમાં ફાસ્ટ કામ થાય છે. દેશી મશીન વધારે તો ટેલર્સ ખરીદે છે અને ગૃહિણી. ખાસ કરીને એવી ગૃહિણી કે જે ઘરમાં જ ટેલરિંગનું કામ ઓર્ડર લઈને કરતી હોય છે.

N.R.I. પણ લઈ જાય છે સિલાઈ મશીન
હોરમઝદ બાવાઆદમે જણાવ્યું કે, આફ્રિકા, લંડન, અમેરિકામાં રહેતા સુરતીઓ જ્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં સુરત આવે છે ત્યારે તેઓ અમારી દુકાને આવે છે અને સિલાઈ મશીન ખરીદીને લઈ જાય છે. તેમનું એવું કહેવું છે કે, આ દેશોમાં સિલાઈ મશીન ખરીદવી મોંઘું પડે છે. જ્યારે અહીં સસ્તા પડે છે.

ટહેમટનના બાવાઆદમના સમયમાં જલગાંવથી પણ સિલાઈ મશીન લેવા આવતા
રૂસ્તમજી બાવાઆદમના દીકરા ટહેમટન બહુ નાની ઉંમરથી ધંધામાં જોડાઈ ગયા હતા. તેઓ માત્ર 10માં ધોરણ સુધી જ ભણ્યા હતાં.  તેંમના સમયમાં સિલાઈ મશીન અને પંખા લેવા સુરતની આજુબાજુના વિસ્તાર ઓલપાડ, મહુવા, બારડોલી, વ્યારા, કિમ, કોસંબા,મહારાષ્ટ્રના જલગાંવ અને ધુલિયાથી પણ ગ્રાહકો આવતા. ઉષાના મશની અને પંખાની ડીમાંડ વધારે હતી. તેની ફેકટરી કોલકત્તામાં હતી. અરુણના મશીન પંજાબના જલંધર અને દિલ્હીથી આવતા.

રમઝાન અને દિવાળીમાં સારી ઘરાકી રહે છે
નીલુફર બાવાઆદમે જણાવ્યું કે, રમઝાન અને દિવાળી પર લોકો મોટી ખરીદી કરતા હોય છે. ત્યારે તેઓ સિલાઈ મશીન ખરીદવાનું પણ ડીસીઝન લેતા હોય છે. વળી, દિવાળીમાં બોનસ મળતા લોકો ઘરમાં નવી વસ્તુ વસાવવાના ઇરાદે પણ સિલાઈ મશીનની ખરીદી કરતા હોય છે.

Most Popular

To Top