SURAT

સુરતી સ્પોર્ટ્સ સીતારાઓનું ડાયટ છે સ્ટ્રીકટ તો ચીટ મીલ છે ચપટીભરનું

તમને એકાદ-બે મહિના માટે સ્ટ્રિકટલી ડાયટ ફોલો કરવાનું કહેવામાં આવે તો? ડાયટમાં રોજના બાફેલા શાકભાજી, ગ્રીન ટી, નહીં ભાવતા હોય તેવા ફ્રૂટ્સ ડેલી ખાવાના નામ માત્રથી તમારા નાકનું ટેરવું ચઢી જશે અને તમારી આંખ સામે ખમણ, પીઝ્ઝા, ગુલાબ જામુન તરવરવા લાગશે. પણ જેમણે સુરત માટે સ્ટેટ લેવલ પર નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર વિવિધ સ્પોર્ટ્સ ગેમમાં મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે કે રોશન કરવા માટે કલાકોની પ્રેક્ટિસ કે વર્કઆઉટ કરી રહ્યા છે તેવા એથલીટી ખાલી વર્કઆઉટ જ નહીં પરંતુ ખૂબ કાળજીપૂર્વકનો આહાર લેતા હોય છે.

એ લોકોનું ડાયટ કઇ રીતનું હશે? શું ધ્યાન રાખતા હશે? આ પ્રશ્ન સામાન્ય વ્યક્તિને થતો જ હોય છે. તેમના ડાયટમાં નથી હોતી તળેલી વાનગીઓ કે નથી હોતા શુગરી ફુડ્સ. તો શું તેમને ક્યારેક ડાયટ સાથે ચીટ કરવાનું મન થતું હશે? થતું જ હોય કેમકે તેઓ પણ આખરે માનવ જ છે ને તો તેમનું ચીટ મીલ કે ચિટ ડે કેવો હોય છે? ચીટ ડેમાં તેઓ શું-શું ચટપટું-સ્પાયસી-સ્વિટ્સ ખાય છે અને તે ખાવામાં પણ કોઈ રુલ ફોલો કરે છે? કે ઘણા બધા વ્યંજનોનો સ્વાદ લેતા હશે કે પછી તેમાં પણ લિમિટ બાંધી દેતા હોય છે તે આપણે સુરતના સ્પોર્ટ્સ એથલીટ્સ સિતારાઓ પાસેથી જાણીએ…

હું અઠવાડિયે કે 10 દિવસે એક વાર ચિટ ડે રાખું: પૂજા ચૌઋષિ
ટ્રાયથલોનમાં ત્રણ વખત સાઉથ એશિયન ચેમ્પિયન અને 7 વખત નેશનલ ટ્રાયથલોન ચેમ્પિયન બનેલી પૂજા ચૌઋષિએ જણાવ્યું કે મેં એશિયન કપમાં મેડલ મેળવેલો છે. એશિયન ચેમ્પિયનશિપ માટે મેડલ મેળવેલો છે. અમારે ફિટ રહેવા માટે એક્સરસાઇઝ તથા ડાયટનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. હું અઠવાડિયે કે 10 દિવસે એક વખત ચીટ ડે રાખું છું. હું ચિટ મીલમાં પાણીપુરી ખાવાનું પસંદ કરું છું. અથવા જે ખાવાનું ક્રેિવંગ હોય તે ખાઉં છું તે પેટ ભરાય તેટલું નહીં પણ મન ભરાય તેટલું ખાઉં છું. અને ચીટ ડે માં ઘણી બધી વસ્તુઓ નથી ખાતી. માણસ છીએ એટલે બીજાને ચટપટી વાનગીઓ આરોગતા જોઉં એટલે મારું મન પણ લલચાય છે પણ કાંઈક મેળવવા કાંઈક ગુમાવવાની તૈયારી પણ રાખવી જ પડે. મારા માટે મારુ લક્ષ્ય પ્રાપ્ત કરવું મહત્વનું છે ચટપટું ફૂડ નહીં.

મહિનામાં એક વખત ચીટ મીલમાં બર્ગર, કોક કે કોલ્ડ કોકો લઉં છુ : સુમિત પાટીલ
ગયા વર્ષે આણંદમાં બોડી બિલ્ડીંગમાં મિ. ગુજરાતની કોમ્પિટિશન જીતી ચૂકેલા સુમિત પાટીલ 22 વર્ષના જ છે તેમણે જણાવ્યુ, જ્યારે કોમ્પિટિશન હોય ત્યારે તો સ્ટ્રીકલી ડાયટ ફોલો કરું છું અને કોમ્પિટિશનના 24 કલાક પહેલા તો પાણી પીવાનું પણ બંધ કરું છું. પણ જ્યારે બહુ જ વિકનેસ ફિલ કરું ત્યારે બર્ગર, કોક કે કોલ્ડ કોકો શુગર માટે લઉં છું. ચીટ ડે મહિનામાં એક વખત હોય. અમને પણ ચટપટું, સ્પાઈસી ખાવાનું મન થતું હોય છે પણ તે બધું પછી અમારા વર્ક આઉટ પર પાણી ફેરવી દે છે. ચીટ મીલમાં મનગમતું ખાધા બાદ કેલેરી બન કરવા વર્ક આઉટ હાર્ડ કરવું પડે છે. આમ તો ચીટ ડે પર પણ લિમિટમાં જ ખાઉં છું પણ જો વધારે ખાવાની ઈચ્છા થાય તો મન પર કન્ટ્રોલ કરીને ઇચ્છાને મારવી પડે છે. મેં બે મહિના થયા ચા નથી પીધી.

મેં છેલ્લે સ્વિટ્સમાં રક્ષાબંધન પર ગુલાબ જામુન ખાધેલું: શિહોરા જીશા
આજે સુરતના ઘર-ઘરમાં જીશાનું નામ ગુંજતું થયું છે. સુરતની આ 17 વર્ષની દીકરીએ દુબઈમાં કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી સુરતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. જીશા હજી 17 વર્ષની જ છે પણ તેણે આ બુલંદી હાંસિલ કરવા માટે સખત પ્રેક્ટિસ અને જીભના ચટાકા પર નિયંત્રણ રાખ્યું છે. મારા મહિને-બે મહિને બે-ત્રણ ચિટ ડે હોય જ્યારે હું મૂવી જોવા જાઉં ત્યારે પીઝ્ઝા ખાઈ લઉં છું. પણ તે પણ બે-ત્રણ પીસ. છેલ્લે મેં રક્ષાબંધન પર ગુલાબજામુન ખાધેલું તે પણ માત્ર એક જ. જો ચીટ મીલમાં મનગમતું ખાવાનું વધારે ખાઈ લઉં તો હું એક-બે ટાઇમનું ડાયટ ફૂડ પણ નથી ખાતી. કોઈ વખત બહાર જવાનું થાય સગા-સબંધીઓને મળવાનું થાય તો તેમના આગ્રહથી વાનગીઓનો ટેસ્ટ કરી લઉં છું.

વર્ષો થયા ખમણ ખાધા નથી, ઓકેઝનલી આઈસ્ક્રીમ ખાઉં છું: ડૉ. નૈનેશ વાંકાવાલા
4 હાફ આયર્ન મેન અને 4 ફૂલ આયર્ન મેન ફિનિશર ડૉ. નૈનેશ વાંકાવાલા 52 વર્ષના છે. આયર્ન મેન કોમ્પિટિશનમાં રનિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ હોય છે. હવે વર્ષો થઇ ગયા ડાયટ ફોલો કરું છું. ઘરમાં ડાયટ ફૂડ જ હોય પીઝ્ઝા, બર્ગર તો ખાવાની ઈચ્છા જ નથી રહી. વર્ષો થઇ ગયા ખમણ, સમોસા તો ખાધા જ નથી. મારો ચીટ ડે ઓકેઝનલી હોય. કોઈ પાર્ટી હોય તો આસક્રીમ ખાઈ લઉં. બાકી ચીટ ડે જેવું તો કાંઈ હોતું જ નથી.પણ જો વધારે મનગમતી વસ્તુ ખવાઇ જાય તો પ્રોટીન વધારે નથી લેવાતું એટલે બોડી ને નુકસાન થાય. એટલેકે, બિનજરૂરી વસ્તુ વધારે ખવાઇ જાય અને જરૂરી વસ્તુ વધારે નહીં ખવાય તો નુકસાન થાય. વળી, વેઇટ વધી જાય.

અઠવાડિયામાં બે વખત ચીટ મીલમાં ખીર, શિરો 2-3 ચમચી ખાઉં છું: રોહન ચાસિયા
રોહન ચાસિયા સ્વિમર છે. તેઓ 90 પર્સન્ટ ડિસેબલ છે. તેમની લોઉર બોડી કામ નથી કરતી. તેઓ ચાલી નથી શકતા પણ તેમણે સ્વિમિંગમાં કર્ણાટકમાં નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. તેમને સરદાર પટેલ એવોર્ડથી સમ્માનિત કરાયા છે અને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ મેળવેલો છે. રોહનકુમાર ચસિયાએ જણાવ્યું કે તેઓ સ્ટ્રિકટલી ડાયટ ફોલો કરે જ છે. પણ અઠવાડિયામાં બે વખત મંગળવાર અને શનિવારે ચિટ ડે રાખે છે ત્યારે ખીર જે શિરો કે અન્ય મનગમતું ફૂડનો સ્વાદ લે છે પણ બે-ત્રણ ચમચી. વળી, સુગર સ્પોર્ટ્સ પર્સન માટે સારું નથી હોતું એટલે એક લિમિટ રાખવી પડે છે. જો ચીટ મીલમાં મનગમતી વાનગીઓ વધારે ખવાઈ જાય તો ડાયજેશનમાં પ્રોબ્લેમ થાય છે. મનગમતી વાનગી વધારે ખવાઈ જતા વેઇટ વધી જાય પછી એને કન્ટ્રોલ કરવું મુશ્કેલ બને છે. વેઇટ ઓછું કરવા પ્રેક્ટિસ વધારી દઉં છું અને ડાયટ ફૂડ પર પણ કન્ટ્રોલ કરું છું.

15 દિવસે એક વખત ચાઈનીઝ ફૂડ ખાઉં છું પણ ચીટ મીલ વધારે ખવાતા બોડી ઢીલી પડી જાય છે: આયુષી ગજ્જર
વેઇટ લીફટિંગમાં બેંગ્લોરમાં ખેલો ઈન્ડિયા કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલી આયુષી ગજ્જરે જણાવ્યું કે, મેં સુરતમાં સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં પણ વેઇટ લીફટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આયુષીએ જણાવ્યું કે કોમ્પિટિશન પહેલાં સ્ટ્રિકટલી ડાયટ પર હોઉં છું. સોયાબીન, સપ્રાઉટ અને પનીર લઉં છું. પણ 15 દિવસે એકાદ દિવસ ચીટ મીલ લઉં છું. છોલે ભટુરે, પાઉંભાજી કે પછી ચાઈનીઝ ફૂડ ખાઉં છું પણ લિમિટમાં.. આમ તો હું ચીટ મીલ પણ લીમીટમાં જ ખાઉં છું પણ જો વધારે ખવાઈ જાય તો લુઝ મોશન થઈ જાય કે પછી બોડી ઢીલી પડી જાય છે. મારા ઘરના લોકોને પણ ખબર છે હું ડાયટ સ્ટ્રીકલી ફોલો કરું છું એટલે ઘરમાં કોઈની બર્થડે હોય અને કેક કાપવામાં આવે તો પણ મને કેક ખાવા આગ્રહ નથી કરતા.

Most Popular

To Top