SURAT

ઉધના રેલવે સ્ટેશન ખાતે 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સુવિધાઓનું લોકાર્પણ

સુરત: (Surat) સુરતના ઉધના રેલવે સ્ટેશન (Railway Station) પર મુસાફરો માટે સુવિધાઓ વધી છે. કેન્દ્રિય રેલવે (Railway) રાજય મંત્રી દર્શના જરદોશના હસ્તે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત થયેલ સુવિધાઓનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશનના નવનિર્માણ અંતર્ગત સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ, કવર શેડ, નવા પાર્સલ ટર્મિનલ સહિતની રેલવે સુવિધાઓ અને અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.

  • રેલ્વે સ્ટેશન પર નવા પાર્સલ ટર્મિનલ સહિત નવી પાર્સલ સુવિધાઓ શરૂ કરાઇ
  • નવા એસ્કેલેટર બનાવવામાં આવ્યા
  • રેલવે વિભાગને સૌથી વધુ 1.40 લાખ કરોડ રૂપિયા બજેટ મળ્યું

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક કરોડ રૂપિયાના ખર્ચે એસ્કેલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેશન પર દક્ષિણી ફૂટ ઓવર બ્રિજ આઠ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. 3.25 કરોડ રૂપિયાના ખર્ચે પ્લેટફોર્મ નંબર 4-5નું નવનિર્માણ થયું છે. અહીં દક્ષિણી ફૂટ ઓવર બ્રિજ, એસ્કેલેટર, સીસીટીવી કેમેરા, કોચ ગાઈડ સિસ્ટમ અને કવર શેડના સુધારણાના કામો કરવામાં આવ્યા છે. ઉપરાંત પલસાણા તાલુકાનાં ગંગાધર ખાતે 2.78 કરોડ રૂપિયાના ખર્ચે નવા પાર્સલ ટર્મિનલ સહિત બીજા અન્ય કામો કરવામાં આવ્યા છે.

સુરત દેશનું મોટા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પાર્સલ અને નૂર પરિવહનની વધુ સંભવના છે. હાલમાં ચલથાણને પાર્સલ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યું હતું તેમાં સમય જતાં વધારે ટ્રાફિક થવા લાગ્યું હતું તેને પહોચી વળવા માટે વૈકલ્પિક ટર્મિનલ શરૂ કરવાના વિચારો કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગંગાધરાના પ્લેટફોર્મ નંબર 1ને પાર્સલ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યું હતું. આ કામ કરવા માટે આશરે 2.78 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ અવસર પર મંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે આ વખતે રેલવે વિભાગને 1.40 લાખ કરોડ રૂપિયા બજેટ મળ્યું છે. રેલવેના પ્રોજેકટમાંથી અનેક લોકોને રોજગારી મળશે. આ પ્રોજેકટમાં પોર્ટ પરથી ભારે સામાન ટ્રેનમાં લાવવા-લઈ જવાની સુવિધા કરવામાં આવી રહી છે. મોદીજીના નેતૃત્વમાં અનેક મોટા પ્રોજેકટ પુરા થઈ શક્યા છે. આ પ્રોજેકટોમાં રેલ, પોર્ટ, રોડ જેવા અન્ય પ્રોજેકટોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઉધના રેલવે સ્ટેશનના વિકાસનું કામ આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. સાંસદ સી.આર.પાટીલના જણાવ્યા અનુસાર ઉધના રેલવે સ્ટેશનને વિક્સાવાના પ્રયાસ બહુ પહેલાથી જ ચાલતા હતાં. આ નવનિર્માણથી મુસાફરોને પડતી તકલીફોનું નિવારણ થઈ શકશે. ઉધનાથી ઓખાપુરી, ભૂંસાવલ અને મુંબઇ જતી ટ્રેનો ઉધનાથી રવાના થઈ શકે છે. સી.આર.પાટીલે રેલવેના વિકાસ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

Most Popular

To Top