સુરત: (Surat) સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder) બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને કારણે સમાજના અગ્રણીઓ અને પોલીસ વિભાગ મહિલાઓની સલામતી માટે વધુ સજ્જ થયું છે. આ માટે સુરતના કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં મંગળવારે સલામત સુરત વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું. પરિસંવાદમાં સામાજિક અગ્રણીઓએ સુરતમાં પોલીસનો ખોફ ઘટ્યો હોવાનું જણાવતા સુરત પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર નારાજ થયા હતા અને તેમણે તેનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ ચંદ્ર કે મંગળ પરથી નથી આવી. શું તમે અંગ્રેજોના જમાનાની પોલીસ ઈચ્છો છો? પોલીસ તમારી દુશ્મન નથી કે તેનો ખોફ હોય, પોલીસ પર વિશ્વાસ હોવો જોઈએ.
દિકરીઓને નહીં પણ હવે માં-બાપે દિકરાને સંસ્કાર આપવાની જરૂર છે. કતારગામમાં યોજાયેલા સલામત સુરત વિષય પરના પરિસંવાદનો આ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો. સમાજિક અગ્રણીઓની વાતના જવાબમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દિકરીઓને તમે ક્યાં-ક્યાં જવાથી રોકશો? શું તમે તેને સ્કૂલે નહીં જવા દો? શું ઉચ્ચ શિક્ષણ નહીં લેવા દો? તેમણે કહ્યું કે દિકરીને રોકવાને બદલે તમે તમારા દિકરાઓને રોકો, તેઓનો સારા સંસ્કાર આપો જેથી સમાજમાં દિકરીઓ સલામત રહે. પરિસંવાદમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર, સામાજિક અગ્રણીઓ કાનજી ભાલાળા, મથુર સવાણી, શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપક રાજ્યગુરુ, પોલીસ અધિકારીઓ તેમજ પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આખો હોલ ખિચોખિચ ભરાયો હતો. લગભગ 700 જેટલા લોકો પરિસંવાદમાં હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે આગામી દિવસોમાં વિવિધ સમાજનું એક મહાસમ્મેલન યોજવામાં આવશે. આગામી દિવસોમાં તે અંગેની તારીખ નક્કી કરાશે. લગભગ 25 હજાર લોકોને ભેગા કરી આ મહાસમ્મેનલ કરાશે. સમાજ દ્વારા 5-5- લોકોની ટીમ બનાવી મહિલાઓ માટે જાગૃતિ અભિયાન ચલાવાશે.
કોણે શું કહ્યું?
- કાનજી ભાલાળા
- શહેરમાં પોલીસનો ખોફ ઘટ્યો છે
- તમારા ઘરમાં લગ્ન પ્રસંગમાં સ્કૂલ કોલેજમાં આપણી બેન દિકરીઓની આસપાસ ફરતા પુરુષો જ તેઓને નુકસાન પહોંચાડે છે
- દિકરીઓને પોતાના આસપાસના માહોલમાં સુરક્ષિત રહેવા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપો
- દીપક રાજ્યગુરુ
- ઘરમાં મા-બાપનો, સ્કુલમાં શિક્ષકનો અને શહેરમાં પોલીસનો ધાક ઘટે ત્યારે ગ્રીષ્મા જેવી ઘટના બને છે
- ઘરમાં એકવાર સંતાનો સાથે મન કી બાત કરો
- લક્ઝૂરીયસ કાર રાખનાર સમાજ સંસ્કાર રાખવાનું ભુલી ગયો છે
- મથુર સવાણી
- ગ્રીષ્મા હત્યાકાંડના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત , નશા, સેકસના દૂષણ દૂર કરવા ઘેર ઘેર સુધી અભિયાન ચલાવાશે
- 5-5 લોકોની સમાજ ટીમ બનાવશે, સોસાયટીઓમાં જઈ મહિલાઓને જાગૃત કરાશે
- પોલીસ કમિશનર
- પોલીસ ચંદ્ર કે મંગળ પરથી આવી નથી
- પોલીસનો ખોફ ઘટ્યો હોવાની ચર્ચાથી પોલીસ કમિશનર નારાજ થયા, કહ્યું- શું તમે અંગ્રેજોના જમાનાની પોલીસ ઈચ્છો છો?
- પોલીસ તમારી દુશ્મન નથી કે તેનો ખોફ હોય, પોલીસ પર વિશ્વાસ હોવો જોઈએ
- ન્યૂયોર્ક પણ મહિલાઓ માટે સેફ નથી જેટલું સુરત સેફ છે
- ગ્રીષ્મા જેવા બનાવ રોકવા હોય તો દીકરાઓને કાબૂમાં રાખો
- મહિલાઓનું સન્માન કરવાના સંસ્કાર દીકરાઓને આપો
- રાક્ષસી વૃતિ ધરાવતા દીકરા સમાજમાંથી જ આવે છે
- ગુના કરનારા પાકિસ્તાનથી આવ્યા નથી, કોઈ એવું કેવી રીતે માની શકે કે છોકરીઓ ઉપભોગની વસ્તુ છે
- છોકરીઓના નહીં છોકરાઓના વર્તન વિશે વાત કરો