શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા અપીલ કરવામા આવી હતી. ખાસ કરીને સુરતની કાપડ માર્કેટોમાં કોરોના પોઝિટિવના કેસો મળી આવ્યા પછી પાલિકા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેને પગલે કાપડ માર્કેટમાં ચારે સંગઠનોએ બેઠક યોજ્યા પછી શનિવારે અને આજે કાપડ માર્કેટો બંધ રાખી હતી. આવતીકાલે સોમવારે કાપડ માર્કેટ ખુલશે. ત્યારે સૌથી મોટો પડકાર શુક્રવારથી માર્કેટના પાર્કિંગ અને પેસેજમાં જમા થયેલા પાર્સલો ટ્રાન્સપોર્ટમાં નિકાલ કરવાનો બની રહેશે.
આવતીકાલે સવારે 11 વાગ્યાથી પાર્સલોનો નિકાલ કરાશે બીજી તરફ આજે મોટા હીરાઉદ્યોગકારોએ કારખાનાઓ ચાલુ રાખ્યા હતાં. જ્યારે નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનાઓ બંધ રહ્યા હતા. શહેરના મહિધરપુરા, વરાછા મીનીબજાર અને કતારગામ નંદૂ ડોશીની વાડીમાં આવેલા હીરા બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો. આવતીકાલે સોમવારે ઉઘડતા દિવસે પણ હીરાના કારખાનાઓ અને હીરા બજારો બંધ રાખવાની જાહેરાત સુરત ડાયમંડ એસોસિયેશને કરી છે.
જોકે રત્નકલાકારો તેનો વિરોધ કરી રહ્યા છે. તે જોતા આવતીકાલે કારખાનાં અને બજારો બંધ રહેશે કે કેમ? તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. શુક્રવારે સુરત મનપા કમિશનર અને મેયરે સુરત ડાયમંડ એસોસિયેશન અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે મીટિંગ કરી કોરોનાના કેસો વધતા ડાયમંડ મેન્ફેક્ચરિંગ યુનિટ અને હીરા બજારો બંધ રાખવાની અપીલ કરી હતી. જેને પગલે સુરત ડાયમંડ એસોસિએયશનના મંત્રી દામજી માવાણીએ હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
બે દિવસ હીરાના કારખાના અને બજારો બંધ રાખવા સામે ડાયમંડ વર્કર યુનિયનનો વિરોધ
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગ બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામા આવ્યો છે. યુનિયનના પ્રમુખ રમેશ જિલરિયા, ઉપપ્રમુખ ભાવેશ ટાંક અને પ્રવક્તા ભાવેશ હડિયાએ જણાવ્યું હતું કે ગત લોકડાઉનનો પગાર પણ રત્નકલાકારોને ચુકવાયા નથી. અને સરકાર દ્વારા હીરા ઉદ્યોગકારો સાથે મીટિંગ કરી ફરીથી હીરા ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને લીધે રત્નકલાકારોની હાલત વધુ કફોડી થશે.
રત્નકલાકારોને હાલ જેટલા દિવસ બંધ રહેશે તેનો પગાર ચુકવવાની માંગ કરી છે. અત્યારે કારીગરો ઓછા પગારે કામ કરી રહ્યા છે. વહીવટી તંત્રનો આગ્રહ ઘંટી પર બેજ વ્યક્તિ બેસાડવાનો છે તેને લઇને કારીગરો બેરોજગાર થવાનો ભય પણ રહે છે. નિર્ણય લેતા પહેલા રત્નકલાકારોના સંગઠનોને વિશ્વાસમાં લેવા જોઇતા હતા.
સુરત એપીએમસીમાં પ્રવેશ માટે માર્કેટ યાર્ડ આકરૂ બન્યું
સુરત એપીએમસી બહાર આજે છૂટક ફેરિયાઓએ ભીડ ઉભી કરતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. જેને લીધે એપીએમસીના માર્કેટ યાર્ડ કમિટિના સભ્યો સક્રિય થયા હતા. માર્કેટ યાર્ડ કમિટિએ પાલિકા અને પોલીસ સાથે મળી વેપારીઓને પાસ ઇશ્યુ કર્યા છે. તે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક પહેરીનેજ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
યાર્ડમાં ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉભી કરાઇ છે. સુરત એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં ભીડ ભેગીન થાય તે માટે આગોતરૂ આયોજન કરાયુ છે. માર્કેટ યાર્ડ બહાર લોકો ભેગા થાય તેની જવાબદારી એપીએમસીની નથી.