બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના મોટી ભટલાવ ગામેથી દીપડાનું (Panther) વધુ એક બચ્ચું મળી આવ્યું હતું. પહેલા બચ્ચાને વનવિભાગની ટીમે માતા સાથે પુનઃ મિલન માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ ત્રણ દિવસ સુધી માતા (Mother) લેવા નહીં આવતાં તેને સુરતના (Surat) પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવ્યું હતું. હવે બીજા બચ્ચાને પણ માતા સાથે મિલનના પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
બારડોલી તાલુકાના મોટી ભટલાવ ગામે રાજેશ પટેલના ખેતરમાંથી ગત 1લી માર્ચના રોજ દીપડાનું 2 માસનું બચ્ચું મળી આવ્યું હતું. પાંચ દિવસ બાદ વધુ એક બચ્ચું મળી આવતાં વન વિભાગ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો છે. અગાઉ મળેલા બચ્ચાનું માતા સાથે મિલન કરાવવા માટે સતત ત્રણ દિવસ રાત્રિના સમયે વન વિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેરની ટીમ દ્વારા મહેનત કરવામાં આવી હતી. પરંતુ માતા લેવા આવી ન હોવાથી વન વિભાગની ટીમે સુરત ડી.એફ.ઓ.ની પરવાનગી બાદ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવ્યું હતું. દરમિયાન શનિવારે એ જ ખેતરમાંથી બીજું બચ્ચું પણ મળી આવ્યું હતું. જેને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પકડી પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ તેને વન વિભાગની કચેરીએ રાખવામાં આવેલ છે. વન વિભાગના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ સાથે શનિવારે રાત્રે બચ્ચાનું માતા સાથે મિલન કરાવવા તજવીજ હાથ ધરી છે. માતા અને બચ્ચાના મિલનને નાઈટ વિઝન ટ્રેપ અને સીસીટીવી કેમેરામાં કેદ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે.