SURAT

ઝીબ્રા ક્રોસિંગથી રસ્તો ક્રોસ કરતી વિદ્યાર્થિનીનું ટ્રક ચાલકે અડફેટે મોત

સુરત(Surat) : અમરોલી (Amroli) છાપરાભાઠા રોડ ઉપર સ્કૂલેથી (School) પરત આવતી યુવતીને ટ્રકે કચડી મારી હતી. આ અકસ્માત કેસના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, ટ્રકચાલકે ટર્ન લેતી વખતે વિદ્યાર્થિનીને કચડી નાંખી હતી, અને ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગરના વતની અને સુરતમાં છાપરાભાઠા પાસે એન્ટીલીયા ડ્રિમ્સમાં રહેતા દિપકભાઇ રાઘવભાઇ પીપલીયાની પુત્રી દિશા નજીકમાં જ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સવારના સમયે દિપકભાઇ પુત્રીને સ્કૂલે મુકવા માટે ગયા હતા અને બપોરે દિશાના અકસ્માત મોતના સમાચાર આવ્યા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે ટ્રક નં. જીજે-18-એઝેડ-9223ની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ અકસ્માત કેસના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મૃતક દિશા ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે જ ટ્રક ચાલક બેફામ રીતે આવ્યો હતો. ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઇને પહેલા આગળનું અને ત્યારબાદ પાછળનું ટાયર ચઢાવી દીધું હતું. આ અકસ્માતમાં દિશાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બીજી તરફ ગમખ્વાર આ અકસ્માતમાં ટ્રક ચાલક ભાગી છૂટ્યો હોવાનું પણ કહેવાય છે. હાલમાં પોલીસે આ ટ્રક ચાલકને પકડવાની તજવીજ શરૂ કરી છે.

ઘોડદોડ રોડ પર દિલ્હીના નિવૃત્ત જજની પુત્રીનો માનસિક બિમારીથી કંટાળી 10 મા માળેથી કુદી આપઘાત

સુરત શહેરના ઘોડદોડ રોડ પર દિલ્હીના નિવૃત્ત જજની પુત્રીએ માનસિક બિમારીથી કંટાળી 10 મા માળેથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નિવત્ત જજ અઠવાડિયા પહેલા જ દિલ્લીથી સુરત રહેવા આવ્યા હતા. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
નવી સિવિલ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ નજીક સરેલા વાડીની ગલીમાં મેઘધનુષ એપાર્ટમેન્ટમાં સુરેન્દ્રભાઈ અગ્રવાલ દિલ્હીના નિવૃત્ત જજ રહે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર મુંબઈમાં નોકરી કરે છે. પુત્રને મળી શકાય તે માટે તેઓ દિલ્હીથી અઠવાડિયા પહેલા જ સુરત રહેવા આવ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે તેમની 27 વર્ષીય પુત્રીએ 10 મા માળેથી કુદી આપઘાત કર્યો હતો. સુરેન્દ્રભાઈ નિત્યક્રમ મુજબ સવારે ચાર વાગે પૂજાપાઠ કરવા ઉઠ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અને વિભા પણ ઘરમાં નહોતી. જેથી સુરેન્દ્રભાઈએ તેની પત્નીને વિભા ઘરમાં નહીં હોવાનું કહ્યું હતું. તેની શોધખોળ કરતા વોચમેનને પુછ્યું હતું. ત્યારે વોચમેને એક યુવતી નીચે પટકાયેલી હોવાનું જણાવ્યું હતું. વિભા ચાર વર્ષથી માનસિક બિમારીમાં પીડાઇ રહી હતી. જેની દવા પણ ચાલતી હતી. વિભા ગ્રેજ્યુએટ હોવા છતાં માનસિક બીમારીને કારણે નોકરી પણ મળતી નહોતી. રવિવારે બપોરે કોઈને કઈ કહ્યા વગર ઘરમાંથી જતી રહી હતી. પરંતુ શોધખોળ કરતા એપાર્ટમેન્ટ નીચેથી મળી આવી હતી. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top