દિવાળીના વેકેશનમાં શિરડી સાંઈબાબાના દર્શન કરી પરત ફરતા સુરતના યુવાનોની ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા હોવાની વિગતો જાણવા મળી છે, જ્યારે અન્ય ઈન્જર્ડ યુવાનોને સારવાર અર્થે મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ કારમાં પૂર્વ કોંગ્રેસી સ્વ. મહેન્દ્ર ઓસવાલના દીકરા વિક્રમ ઓસવાલ અને તેમની ટીમ સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં વિક્રમ બચી ગયા છે, પરંતુ પાછળ બેઠેલા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે.
- સુરતના વિક્રમ ઓસવાલની ફોર્ચ્યુનર કાર શિરડી-નાસિક રોડ પર પલટી મારી ગઈ
- વિક્રમ ઓસવાલ સુરતમાં સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
- ટીમ અને મિત્રો સાથે શિરડી સાંઈબાબાના દર્શને ગયા હતા, પરત ફરતી વખતે ઘટના બની.
- ત્રણ યુવાનો પ્રણવ દેસાઈ, પલક કાપડીયા અને સુરેશ સાહુ એ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો.
- વિક્રમ ઓસ્વાલ અને વિપિન રાણાને ઈજા થતાં સારવારમાં નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના 7 યુવકો સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ નાસિક થઈ સુરત પરત ફરી રહ્યાં હતાં ત્યારે ડ્રાઈવરે અચાનક કાર પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના લીધે કાર રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે એક યુવકનું રસ્તામાં મોત નિપજ્યું હતું.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ મુશ્કેલીથી બધાને કારની બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સની મદદથી નાસિક મોકલ્યા હતા. હાલ ચાર ઘાયલો નાસિકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નાસિકના તબીબી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઈજાગ્રસ્ત યુવકો પૈકી બે યુવકોની હાલત નાજૂક છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તાની બાજુમાં ખસેડી દેવાયું છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, વાહન ફુલસ્પીડમાં દોડી રહ્યું હતું તેથી ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું લાગી રહ્યું છે. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ છે.
પરિવારમાં શોકની લાગણી
સ્કૂલ બસના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા વિક્રમ ઓસવાલ અને તેની ટીમના યુવાનોનો અકસ્માત થતા પરિવાર શોકમાં સરી પડ્યો છે. સમાચાર સાંભળી મિત્રો અને સંબંધીઓ આઘાતમાં સરી પડ્યા છે. મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.