SURAT

મહાકુંભમાં જવા નીકળેલા સુરતના રાણા સમાજના 38 વર્ષીય યુવકનું અયોધ્યામાં પડી જતા મોત

સુરત : સુરતના વાડીફળિયા વિસ્તારમાં આવેલી ચકાવાલાની શેરીમાં રહેતા રાણા સમાજના યુવાન વેપારી પત્ની અને પુત્ર સાથે મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજ જવા નીકળ્યા હતાં. સોમવારે તેમની ફ્લાઇટ અયોધ્યા પહોંચી હતી અને ત્યાંથી તેઓ પ્રયાગરાજ માટે નીકળવાના હતાં. જો કે. તે દરમિયાન યુવાનને અયોધ્યામાં જ ચક્કર આવતા તે પડી ગયા હતાં. તેમને સારવાર માટે અયોધ્યાની દશરથ હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતાં.

  • સોમવારે ફ્લાઇટમાં અયોધ્યા પહોંચ્યા બાદ મંગળવારે પ્રયાગરાજ જવાના હતા
  • વાડીફળિયા ચકાવાળાની શેરીના વેપારી પુત્ર અને પત્ની સાથે નીકળ્યા હતાં

હાલમાં 144 વર્ષ બાદ ગ્રહોના અનોખા સંયોગમાં મહાકુંભ યોજાયો છે. જેમાં સમગ્ર દુનિયામાંથી લોકો આ અવસરે ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. સુરતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ તરફ જઇ રહ્યાં છે. ત્યારે સુરતના વાડીફળિયા વિસ્તારમાં આવેલી ચકાવાલાની શેરીમાં રહેતા અને રાણા સમાજમાં અગ્રીમ હરોળનું નામ ધરાવતા રાજાવાળા પરિવારના સભ્યો પણ મહાકુંભમાં જવા માટે રવાના થયા હતાં.

આ પરિવારના 38 વર્ષીય જરીના વેપારી આકાશ જરીવાળા તેમના 11 વર્ષના પુત્ર અને પત્ની સાથે સોમવારે સવારે અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ પ્રયાગરાજ જવા માટે નીકળવાના હતાં. જો કે તે દરમિયાન આકાશ જરીવાળાને અચાનક ચક્કર આવ્યા હતાં અને તેઓ પડી ગયા હતાં.

જેથી તેમને સારવાર માટે તાત્કાલિક અયોધ્યાની દશરથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. યુવાન વેપારીના નિધનના સમાચાર સુરત પહોંચતા જ રાણા સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

મૃતદેહને ચાર્ટર્ડ ફ્લાઇટમાં સુરત લાવવા તજવીજ હાથ ધરાઇ
આકાશ જરીવાળાના નિધન બાદ હવે ત્યાં તેમનાં પત્ની અને બાળક એકલા છે. જો કે, સુરતનો રાણા સમાજ તેમની પડખે ઊભો હોય તે રીતે અહીંથી મૃતદેહને પરત લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ માટે ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેવી વ્યવસ્થા થાય એટલે તેમના મૃતદેહને સુરત લાવવામાં આવશે.

Most Popular

To Top