સુરત: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા સુરતના ડિંડોલી રામીપાર્ક ખાતે રહેતા યુવકે ક્રાઇમ બ્રાન્ચમાં સચિનના બે ઠગબાજ એજન્ટો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બન્ને ઠગબાજોએ યુવકને યુએસએ મોકલવા, જમવા, રહેવા તેમજ કામની સગવડ કરી આપવાના બહાને 35 લાખ પડાવી લીધા હતા.
સુરતના ડિંડોલી રામીપાર્ક ખાતે રહેતા પંકજ રામેશ્વર દાસ રાવતે ક્રાઇમ બ્રાન્ચમાં સચિન ખાતે રહેતા અબ્દુલ અને પ્રદીપ નામના બે એજન્ટો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તમને જણાવ્યું હતું કે ગત વર્ષે આરોપીઓએ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પંકજનો સંપર્ક કર્યો હતો અને તેઓ ભારતમાંથી લોકોને અમેરીકા મોકલતા હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ પંકજને પણ યુએસએ મોકલવા, જમવા, રહેવા તેમજ કામની સગવડ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને બન્ને ઠગબાજોએ ટુકડે ટુકડે 35 લાખ અને પાસપોર્ટ પણ લઈ લીધો હતો. ત્યાર બાદ પંકજને અમેરીકા લઈ જવાના બદલે ગુયાના મોકલી દીધો હતો. જ્યાં ઠગબાજોના માણસોએ તેને રિસીવ કર્યા બાદ સર સામાન લીધા બાદ બંદી બનાવી લીધો હતો.
ત્યાર બાદ પનામા, બ્રાઝિલ, કોલમ્બિયા, મેક્સિકો જેવા શહેરો અને તેના જંગલોમાં મહિનાઓ સુધી ફેરવ્યા બાદ પિકાતે બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવ્યો હતો.
જોકે ત્યાં પંકજ યુએસએ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. યુએસએ સરકાર દ્વારા આખરે પંકજને ભારતમાં ડિપોર્ટ કરાયો હતો. બનાવ સંદર્ભે પંકજની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે બન્ને ઠગબાજો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
