સુરત (Surat) : સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો ગાંડો ક્રેઝ યુવાનોને લાગ્યો છે. એટલે જ ઘણી વખત યુવાનો વીડિયો બનાવવા માતે એવું જોખમ ખેડતા હોય છે જેના લીધે તેઓની સાથે સાથે બીજાનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. આવો જ એક જોખમી સ્ટંટનો (Stunt) વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં સુરતના કેટલાંક યુવકો થાર જીપની (Thar Zeep) ઉપર બેસીને ફૂલસ્પીડમાં દોડાવી રહ્યાં હોવાનું દેખાય છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કેટલાંક યુવકો થાર જીપ પર જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક જીપ ચલાવી રહ્યો છે જ્યારે એક યુવક જીપના હૂડ પર જ્યારે બીજો યુવક જીપના બોનેટ પર બેઠો છે. ડ્રાઈવ કરતો યુવક ફૂલ સ્પીડમાં જીપ દોડાવી રહ્યો છે અને આ જીપની આજુબાજુમાં તથા પાછળ મોટી સંખ્યામાં કેટલાંક યુવકો મોટરસાયકલ અને મોપેડ ફૂલસ્પીડમાં દોડાવી રહ્યાં છે. જાણે કોઈ ભાઈલોગ પોતાના પંટરોને લઈને જઈ રહ્યો હોય તે રીતે આખી ફૌજ રોડ પરથી ફૂલસ્પીડમાં પસાર થાય છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મી સોંગ વાગી રહ્યું છે. રોડ પર જોખમી સ્ટંટ કરી પોતાના તથા અન્યોના જીવને જોખમમાં મુકનારા આ યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે.
તમને જણાવી દઈએ કે, જીપ સાથે જે યુવકો સ્ટંટ કરી રહ્યાં છે તે પૈકી એક યુવકનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. જાણવા મળ્યા અનુસાર એક યુવકનું અગાઉ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના ઘર પર હુમલો કરવાના કેસમાં નામ ઉછળી ચૂક્યું છે. હવે પોલીસ આ સ્ટંટબાજ યુવકો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે તો સમય જ કહેશે, પણ એક વાત બહાર આવી છે કે આજના યુવાનોને ફિલ્મો જોઈ ભાઈલોગ બનવાનો અને જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરવાનો ક્રેઝ વધ્યો છે. જો સમયસર આ યુવાનોની આવી બદપ્રવૃત્તિઓને કાબુમાં લેવામાં નહીં આવે તો આ યુવકો પોતાને અથવા તો બીજા કોઈ નિર્દોષોને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. આવા સ્ટંટબાજો પર પોલીસ કાબુ મેળવે તેવી સામાન્ય પ્રજામાં માંગ ઉઠી છે.