સુરત(Surat): સુરતી પ્રજાને ખાણીપીણી અને ફરવાની શોખીન માનવામાં આવે છે. પરંતુ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ સુરતીઓ આગળ છે તેનું તાજું ઉદાહરણ સુરતના એક યુવાને પૂરું પાડ્યું છે. હિમાલય(Himalaya) પર્વત( Mountain) માળામાં આવેલા 17 હજાર ફૂટ ઊંચાઇ ધરાવતા માઉન્ટ ફ્રેન્ડશીપ ઉપર ભારે બરફ વર્ષા વચ્ચે સુરતના યુવાને 15 હજાર ફૂટ સુધીની સફર ખેડી પર્વતારોહકોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. કુલ 12 જણાની ટીમ પૈકી 5 લોકો માઉન્ટ ફ્રેન્ડશીપને સર કરી શક્યા હતા. જે પૈકી સુરતથી એકમાત્ર યુવક હતો.
- સુરતના યુવાનની સાહસિક પ્રવૃત્તિ : -10 ડિગ્રીમાં હિમાલયના માઉન્ટ ફ્રેન્ડશીપની 15 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યો
- 12 લોકોના ગ્રુપ પૈકી અમદાવાદ, રાજકોટ, સુરત અને જૂનાગઢના 5 પર્વતારોહક માઉન્ટ ફ્રેન્ડશીપ સર કરી શક્યા
પર્વતો ઉપર ચઢાણ કરવું ખૂબ મુશ્કેલભર્યું હોય છે. તેના માટે યોગ્ય ટ્રેનિંગ અને પ્રોફેશનલ માઉન્ટેનિયરોની જરૂર પડે છે. બરફ વર્ષા વચ્ચે પહાડો ઉપરથી બરફની ભેખડો ધસવાની ઘટનાઓ પણ પર્વતારોહણ દરમિયાન બને છે. આવી કપરી સ્થિતિમાં સાહસિકો પોતાનો જુસ્સો જાળવી રાખે છે અને મંઝિલ સુધી પહોંચે છે. સુરત, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢથી પણ 12 લોકોનું એક ગ્રુપ હિમાલય માઉન્ટેનમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશીપ પર્વતની સફર ઉપર નીકળ્યા હતા. 21મી મેથી 28મી મે વચ્ચે શરૂ થયેલી આ સફરમાં શરૂઆતમાં જ ખરાબ વાતાવરણને કારણે વિઘ્ન આવ્યું હતું. આવી સ્થિતિમાં પણ સુરતના અમરોલી-ઉત્રાણ રોડ, રઘુવીર સોસાયટીમાં રહેતા 20 વર્ષિય ઓમ મેહુલ રેવલિયાએ સાહસિકતાથી માઉન્ટ ફ્રેન્ડશીપ પર્વતની 15 હજાર ફૂટની ઊંચાઇ સુધી પહોંચી ગયો હતો. પર્વતારોહણ કરનાર ઓમ રેવલિયાની સાથે હેનીલ મોદી, ભક્તિ ઠક્કર, સૌરભ યાદવ અને આકાશ પણ માઉન્ટ ફ્રેન્ડશીપની સફરમાં જોડાયા હતા. સુરતથી એકમાત્ર ઓમ રેવલિયા 15 હજાર ફૂટ સુધી પહોંચ્યો હતો. જ્યારે 17,350 ફૂટની ઊંચાઇ હેનીલ મોદી, ભક્તિ ઠક્કર, સૌરભ યાદવ અને આકાશ પહોંચી શક્યા હતા.
માઉન્ટેનની સફર પૂર્વે અઢી વર્ષથી રનિંગ અને આરોગ્યપ્રદ ખોરાક લેતો હતો : ઓમ રેવલિયા (પર્વતારોહક)
સુરતથી ફ્રેન્ડશીપ માઉન્ટેનની સફરે ગયેલા ઓમ રેવલિયાએ જણાવ્યું હતું કે, અઢી વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. દરરોજ 5 કિ.મી. રનિંગ અને આરોગ્યપ્રદ ખોરાક લેતો હતો. બોડી ચેકઅપ અને ઘણા ટેસ્ટ કરાવ્યા હતા. માઉન્ટેનની સફર કરવાની તક ઇનવિઝિબલ એનજીઓ તરફથી મળી હતી. 21 મેથી ચઢાણ શરૂ કર્યુ ત્યારે શરૂઆતના 18 કલાક ઘણા કપરા હતા. સતત બરફ વર્ષાને કારણે વેધર બગડ્યું હતું. માઉન્ટેન ઉપર -5 ડિગ્રીથી -10 ડિગ્રી તાપમાન રહ્યું હતું. વાતાવરણ ખરાબ હોવાને કારણે મારે માત્ર 2 હજાર ફૂટ જેટલું ચઢાણ જ બાકી રહી ગયું, તો પણ 15 હજાર ફૂટ સુધી સુરતથી હું એકલો પહોંચી શક્યો.