સુરત(Surat) : સુરતના કાપોદ્રા અને ઉતરાણ (મોટા વરાછા)ને જોડતા બ્રિજ (Bridge) પરથી આજે શુક્રવારે એક યુવક તાપી (Tapi) નદીમાં (River) કૂદી ગયો હતો. આ યુવક બ્રિજ પર આવ્યો પોતાની બાઈક (Bike) પાર્ક કરી અને ત્યાર બાદ નદીમાં કૂદયો હતો. યુવકને મોતની (Death) છલાંગ લગાવતા જોઈ વાહનચાલકો દોડ્યા હતા પરંતુ તેને પકડી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડનો (Fire Brigade) કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે નદીમાં બોટ ઉતારીને યુવકને શોધવાના પ્રયાસો આદર્યા હતા. જોકે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) લાખો ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય ફાયર બ્રિગેડના જવાનો તેને શોધી શક્યા નહોતા. પાણીના ધસમસતા પ્રવાહને જોતા યુવકના બચવાના ચાન્સ ખૂબ ઓછા હોવાની ચર્ચા ચાલી રહી છે.
- 30 વર્ષીય વિમલ રામ ચૌહાણે કૂદકો માર્યો
- બોટની મદદથી ફાયરે યુવકની શોધખોળ આદરી
- ઉકાઈમાંથી પાણી છોડાતું હોવાના લીધે નદીનો પ્રવાહ તેજ
- યુવકના બચવાની આશા ધૂંધળી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા 30 વર્ષીય વિમલ રામ ચૌહાણે આજે તાપીમાં મોતની છલાંગ લગાવી હતી. સવારે તે ઘરેથી હોન્ડા સ્પલેન્ડર બાઈક (જીજે-01-એમએચ-8771) લઈ નીકળ્યો હતો. બપોરના સમયે તે કાપોદ્રા-ઉતરાણના બ્રિજ પર પહોંચ્યો હતો. અહીં ઓવરબ્રિજ પર બાઈક પાર્ક કર્યા બાદ ગણતરીની ક્ષણોમાં તેણે નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો બ્રિજ પર દોડી આવ્યા હતા.
ફાયરના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું હોય પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો જેના પગલે બોટ લઈ લાશ્કરો યુવકને શોધવા નદીમાં ઉતર્યા હતા. કલાકો સુધી બોટની મદદથી શોધખોળ ચાલી હતી પરંતુ યુવક મળ્યો નહોતો. દરમિયાન યુવક કયા કારણોસર તાપી નદીમાં કૂદી ગયો તે જાણી શકાયું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારજનોની પૂછપરછ કરી યુવકના આત્મઘાતી પગલા પાછળનું રહસ્ય જાણવાનો પોલીસે પ્રયાસ શરૂ કર્યો છે.