SURAT

સ્પીનર્સની ધૂમ નફાખોરી: પોલિએસ્ટર સ્પન યાર્નમાં ભાવ 160થી વધારી આટલા કરી દીધાં

સુરત: (Surat) ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા બે મહિના પહેલા પોલિએસ્ટર સ્પન યાર્ન (Yarn) (પીએસવાય) પર એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ કરવાની નાણામંત્રાલયને દરખાસ્ત મોકલવા માત્રથી યાર્નના ભાવો અચાનક વધી ગયા છે. નાણાંમંત્રાલયે હજી એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ કરી નથી તે પહેલાં જુલાઈ થી ઓકટોબર સુધીમાં યાર્નનાં ભાવમાં કિલોએ સીધો 38 રૂા. નો વધારો થઈ ગયો છે. પીએસવાય (PSY) યાર્નનાં સ્થાનિક ઉત્પાદક સ્પીનર્સોએ ધૂમ નફાખોરી શરૂ કરી છે. ભારતમાં પીએસવાય માત્ર 7 કંપનીઓ બનાવે છે. તે કંપનીઓએ સિન્ડીકેટ બનાવી કૃત્રિમ રીતે યાર્નનાં ભાવો વધાર્યા છે.

ચેમ્બરની એન્ટિ ડમ્પિંગ ડયુટીને લગતાં કાયદાની કમિટિનાં ચેરમેન અગ્રણી વિવર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે સ્પીનર્સોએ કાર્ટેલ રચી કૃત્રિમ રીતે પીએસવાય યાર્નનાં ભાવ જુલાઈ થી ઓકટોબર સુધી કિલોએ 38 રૂપિયા વધારી દીધા છે. તેની સામે આ યાર્ન બનાવવા માટેનાં રો-મટિરિયલ પોલીએસ્ટર સ્પર્ન ફાઈબરના ભાવ 4 મહિનામાં માત્ર 13 રૂપિયા વધ્યા છે. હજી તો આ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ થઈ નથી. ત્યારે જો કિલોએ 38 રૂપિયા ભાવ વધી જતાં હોય તો ડયુટી લાગુ થયા પછી ત્રણ ગણાં વધી શકે છે. સ્પીનર્સોએ અત્યારથી વિવર્સનું શોષણ શરૂ કર્યુ છે. અને દિવાળી સીઝન પહેલાંજ ભાવ વધારી દીધા છે. ડીજીટીઆર દ્વારા ટેકસટાઈલ કમિશ્નર કચેરીનાં આંકડાઓ ધ્યાને લીધા વિના એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ કરવાની એક તરફી દરખાસ્ત કરી છે. તેની સામે ફિઆસ્વી સહિતની વિવિંગ સંસ્થાઓએ વડાપ્રધાન અને નાણાંમંત્રીને પત્ર લખી ડીજીટીઆર ના ચૂકાદાને લઈ વિજિલન્સ તપાસની માંગ કરી છે.

  • 4 મહિનામાં રો-મટિરિયલનાં ભાવ સામાન્ય વધ્યાં તેની સામે યાર્નનાં ભાવમાં ધૂમ વધારો
    મહિનો પીએસએફ પીએસવાય (યાર્ન)
  • જુલાઈ 100 160
  • સપ્ટેમ્બર 108 175
  • ઓકટોબર 113 198

સ્પન યાર્નનો ઈમ્પોર્ટ 20% પણ થતો નથી
આયાતી સ્પર્ન યાર્નનો ઈમ્પોર્ટ માત્ર 12.46% થઈ રહ્યો છે જ્યારે સરકારની નીતિ છે કે કિ-રોમટિરિયલ નો ઈમ્પોર્ટ 20%થી વધુ થતો હોય તોજ એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ પડી શકે ભારત સરકારના આંકડાઓ કહે છે કે વર્ષ 2018-2019માં પોલિએસ્ટર સ્પન યાર્નનું ડોમેસ્ટિક ઉત્પાદન 3,19,230 મેટ્રિક ટન હતું તેની સામે યાર્નનો ઈમ્પોર્ટ માત્ર 38,496 મેટ્રિક ટન હતો. ડીજીટીઆરના ઈન્વેસ્ટીગેશન પિરિયડમાં ડોમેસ્ટીક ઉત્પાદન 4,08,270 મેટ્રિક ટન દર્શાવ્યું છે. તેની સામે ઈમ્પોર્ટ 51,591 મેટ્રિક ટન એટલે કે 12.46% છે. – મયુર ગોળવાલા (ચેરમેન એન્ટિ ડમ્પિંગ ડયુટી કાયદા કમિટિ ચેમ્બર)

Most Popular

To Top