સુરત: ચેમ્બર (Chamber of commerce)ના પ્રમુખ (President) અને ઉપપ્રમુખના પદગ્રહણ સમારોહને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે (C R Patil) સુરત રેલ્વે સ્ટેશન (Surat railway station)ના મલ્ટિમોડલ માસ ટ્રાન્સપોર્ટેશન હબ(સુરત એમએમટીએચ) પ્રોજેક્ટને લગતી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુરતના મોડેલ રેલ્વે સ્ટેશનના નિર્માણ માટે હવે રેલ્વે અને કેન્દ્ર સરકારે (Central govt) જાતે ખર્ચ ઉપાડવાનો નિર્ણય લીધો છે. જોવા જેવું છે કે અત્યાર સુધી સુરતના મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબને પીપીપીથી વિકસાવવાની વાતો ચાલી રહી હતી અને ઈચ્છુકો પાસેથી ઓફરો પણ મંગાવવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર ઓફરો આવી નહોતી. હવે જ્યારે સરકાર જ સુરતના મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબને વિકસાવવાની જાહેરાત થઈ છે ત્યારે એવી આશા બંધાઈ છે કે હવે સુરતને સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે ખરૂં.
સુરત રેલ્વે સ્ટેશનના કોમર્શિયલ એરિયાને રિઝર્વ રાખી ઓપરેશનલ એરિયાને ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકારે 850 કરોડનો ખર્ચ એમેનિટિઝ માટે જાતે કરવાનો નિર્ણય લીધો છે. તેને લગતા ટેન્ડર પણ ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે 400 કરોડના ખર્ચે ઉધના સેટેલાઇટ રેલ્વેસ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. ઉધનામાં અત્યારે 4 પ્લેટફોર્મ છે. બે પ્લેટફોર્મ વધારાના બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. ગાંધીનગરમાં સરકારે 700 કરોડના ખર્ચે મોડેલ રેલ્વે સ્ટેશન તૈયાર કર્યુ છે. તેમાં 400 બેડની હોટલ બનાવવામાં આવી છે. તે પ્રકારે સુરત રેલ્વે સ્ટેશને એમિનિટિઝ એરિયાનું કામ પુરૂં થયા પછી ફેસ-2માં કોમર્શિયલ એરિયાનું કામ હાથ પર લેવાશે. સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનના પ્રોજેક્ટના નિરીક્ષણ માટે કેન્દ્રના રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ ટૂંક સમયમાં સુરતની મુલાકાતે આવશે.
અમદાવાદ-મુંબઇ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લઇ જવા નિર્ણય લેવાશે
સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો ગુજરાતની રાજધાની ગાંધીનગર સરળતાથી પહોંચી શકે તે માટે અમદાવાદ-મુંબઇ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવા માટે રેલ્વેમંત્રી વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી છે. સીઆર પાટીલે કહ્યું હતું કે શતાબ્દી એક્સપ્રેસના માધ્યમથી અમદાવાદથી ગાંધીનગરનું અંતર માત્ર 30થી 35 મીનિટમાં પૂર્ણ કરાશે. અત્યારે રોડ માર્ગે 2 કલાકનો સમય લાગે છે.