સુરત: સુરતમાં હચમચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોતાના ઘરની બાલ્કનીમાં સાફ સફાઈ કરતી વખતે એક મહિલા ત્રીજા માળેથી નીચે પાર્કિંગમાં પટકાઈ હતી. માથાભારે પટકાયેલી આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના હચમચાવી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં આવેલી ઉમિયા નગરના ફ્લેટ નંબર એમ/2-304માં ભારતી બેન નામના મહિલા રહેતા હતા. અંદાજે 35થી 40 ની ઉંમર ધરાવતા ભારતીબેન પોતાના ફ્લેટની બાલ્કનીમાં સફાઈ કરી રહ્યાં હતાં ત્યારે બહારની તરફ સફાઈ કરતી વખતે શરીરનું સંતુલન ગુમાવી ત્રીજા માળેથી નીચે પાર્કિંગમાં પટકાયા હતા. માથાભેર તેઓ નીચે પટકાયા હતા, જેના લીધે ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાના પગલે સોસાયટીના રહીશો દોડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તે પહેલાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા માથાભેર નીચે પટકાયા હતા અને ત્યાર બાદ કરવટ બદલી હતી, પરંતુ માથામાં ઈજા થવાના લીધે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એકાએક બનેલી આ ઘટનાના પગલે પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં છે. ડીંડોલી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.
મૃતક મહિલા ભારતીબેનના પરિવારજનોએ ડીંડોલી પોલીસને જણાવ્યું હતું કે વહેલી સવારે ભારતીબેન ફ્લેટની બાલ્કનીમાં નિયત ક્રમ અનુસાર સફાઈ કરી રહ્યાં હતા. દરમિયાન બહારની તરફ સફાઈ કરતી વખતે તેઓએ અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.
કલરકામ કરતી વખતે કરંટ લાગતાં યુવક દાઝ્યો, સારવાર દરમિયાન મોત
સુરત: પાંડેસરામાં પ્રમુખ પાર્ક પાસે એક ખાતામાં કલરકામ કરતી વખતે કરંટ લાગતાં ગંભીર રીતે દાઝેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો અમિત જગદિશ જસવાલ (ઉં.વ.39) હાલ ગીતાનગર-1 હાઉસિંગ બોર્ડ, પાંડેસરામાં રહેતો હતો. સોમવારે સવારે અમિત પાંડેસરામાં પ્રમુખ પાર્ક પાસે પાવરલૂમ્સના ખાતામાં કલરકામ કરતો હતો. એ સમયે લોખંડનો પાઈપ ઉપરના માળે મૂકવા જતો હતો, ત્યારે પાઈપ વીજળીના તારને અડી જતાં અમિત ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે સાંજે સારવાર દરમિયાન અમિતનું મોત નીપજ્યું હતું. અમિતનો નજીકનો કોઈ પણ સગો સુરતમાં નથી. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.