Dakshin Gujarat

ઉત્તરીય ઠંડા પવનો ફૂંકાવા સાથે પારો ગગડતા સુરતમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી

સુરત-ભરૂચ-માંગરોળ: નવા વર્ષના પ્રારંભ સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) ઠંડીનો (Winter) ચમકારો જોવા મળ્યો છે. આજે તા. 3 જાન્યુઆરીના રોજ સુરત શહેર જિલ્લામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પારો ગગડીને 16.2 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેના લીધે ઠંડીથી લોકો ધ્રુજ્યા હતા. સ્વેટર, જેકેટ, ઢાબળાં બહાર કાઢવા પડ્યા હતા. એટલું જ નહીં સવારે 10 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

હવામાન ખાતા અનુસાર સુરત શહેરમાં તા. 3 જાન્યુઆરી 2024ના રોજ મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલસિયસ નોંધાયું છે. જે ગઈકાલ કરતા એક ડિગ્રી ઓછું છે. આ સાથે ઉત્તરીય પવનો 4 કિ.મી.ની ઝડપે ફૂંકાયા છે.

સુરત જિલ્લામાં બે દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ
સુરત જિલ્લામાં બે દિવસથી ભારે ઠંડી પડી રહી છે. રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ સવારે માંગરોળ સહિત અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ જાય છે, જેના લીધે વિઝિબિલિટી ઘટી જાય છે. તેમજ ધુમ્મસના ઝાકળના લીધે પાકને નુકસાન થઈ રહ્યું છે. તેથી ખેડૂતોની ચિંતા વધી છે. શાકભાજી સહિત અનેક પાકોના ઉત્પાદન પર માઠી અસર થાય તેવી ભીતિ છે.

ભરૂચમાં પારો ગગડવા સાથે વાતાવરણમાં ઘાઢ ધુમ્મ્સ છવાયું
ભરૂચ: ભરૂચમાં થર્મોમીટરનો પારો ગગડવા સાથે વાતાવરણમાં ઘાઢ ધુમ્મ્સ છવાયું હતું. બુધવારે વહેલી પરોઢે ભરૂચ- અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. આ કારણે વિઝીબીલીટીમાં ઘટાડો થયો હતો. ત્યારે વાહનચાલકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

બુધવારે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે.ઠંડી વધવા સાથે ધુમ્મ્સ પણ છવાયું હતું. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી. વનચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઇવે-48 અતિવ્યસ્ત માર્ગ છે જ્યાં વિઝીબીલીટીમાં નોંધપાત્ર ઘટાડો અકસ્માતનો ભય ઉભો કરે છે. જેને લઈને હાઇવે પાર વાહનો ધીમી ગતિએ તેમજ લાઈટ ચાલુ રાખીને દોડતા નજરે પડ્યા હતા.

Most Popular

To Top