સુરત : શહેરમાં ઊંચી ઇમારતોને મંજુરી આપવા માટે જીડીસીઆરની જોગવાઇ મુજબ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી સ્ટ્રકચરલ સેફટી કમિટીની બેઠક મંગળવારે તા. 20 ઓગસ્ટ 2024ના રોજ મળી હતી, જેમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 45 મીટરથી 70 મીટરની ઊંચાઇ સુધીના પાંચ પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી હતી.
જેમાં પીપલોદ, ભરથાણા-વેસુ, અડાજણ, કતારગામમાં રેસીડેન્સીયલ તેમજ ઉત્રાણ વિસ્તારમાં વીઆઇપી સર્કલ નજીક એક કોમર્શિયલ પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટોને મંજૂરી મળતા મનપાને પેઇડ એફ.એસ.આઇ થકી 133.40 કરોડની આવક થશે.
- મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલના આકરા વલણ બાદ આરએન્ડબીના પ્રતિનિધિ પહેલી વખતા હાજર રહ્યાં
- 5 હાઈરાઈઝ પૈકી પીપલોદ, ભરથાણા-વેસુ, અડાજણ, કતારગામમાં રેસિડેન્શિયલ અને ઉત્રાણમાં કોમર્શિયલ પ્રોજેક્ટ બનશે
- આ હાઈરાઈઝને મંજૂરીને પગલે સુરત મહાપાલિકાને પેઈડ એફએસઆઈ પેટે રૂપિયા 133 કરોડની આવક થશે
ઉલ્લેખનીય છે કે, મનપા કમિશનર શાલીની અગ્રવાલ સુરતમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં મળેલી 10 બેઠકમાં આરએન્ડબીના પ્રતિનિધિ હાજર રહેતા ન હતા અને પોતાની ઓફીસમાં બિલ્ડરોને એનઓસી માટે બોલાવતાં હતાં. પરંતુ તાજેતરમાં મનપા કમિશનરે આ મુદ્દે આકરૂં વલણ અપાનાવ્યા બાદ પહેલ વખત હાજર રહ્યાં હતાં.
વિસ્તૃત વિગતો મુજબ જીડીસીઆરની જોગવાઇ મુજબ સુરત શહેરમાં 45 મીટરથી વધુ અને 70 મીટર સુધીની ઉંચાઈના બાંધકામોને મંજૂરી આપવા માટે સ્ટ્રકચરલ સેફટી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં મનપા કમિશનર અધ્યક્ષ સ્થાને છે. ઉપરાંત સુડાના સીઇઓ, આર.એન્ડ બી. ડીઝાઈન સેલના પ્રતિનિધિ, ટેકનિકલ એક્ષપર્ટ (એસ.વી.એન.આઈ.ટી.), સુરત મનપાના શહેરી વિકાસ વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે.
મંગળવારે મળેલી આ કમિટીની બેઠકમાં પીપલોદ, ભરથાણા-વેસુ, અડાજણ, કતારગામ તથા ઉત્રાણ વિસ્તારના કુલ 5 પ્રોજેકટોના રીવ્યુ રીપોર્ટ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. સભ્યો દ્વારા કરવામાં આવેલી ચર્ચા-વિચારણાના અંતે ઉક્ત પાંચ પ્રોજેકટોના તમામ પાસાઓનો અભ્યાસ કરી સ્ટ્રકચરલ સેફટી કમિટી સમક્ષ રજૂ થયેલા 5 પ્રોજેકટોને સ્ટ્રકચરલ સેફટી કમિટિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રોજેકટોની મંજૂરીથી પીપલોદ, ભરથાણા-વેસુ, અડાજણ, કતારગામ તથા ઉત્રાણ વિસ્તારના 63.78 મીટરથી 69.85 મીટરની ઊંચાઇ ધરાવતી બિલ્ડીગ બનશે, જેમાં 16 માળથી લઇને 22 માળ સુધીનું આશરે 266412 ચોરસ મીટર રહેણાંક હેતુના અને 76717 ચોરસ મીટર કોમર્શીયલ હેતુના બાંધકામ થશે.