સુરત : સુરતમાં લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ઠગો ભટકાઇ ગયા હતા. તેમા પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. એવું કહેવાય છે કે લોભીનું ધન હંમેશા ધુતારા ખાય છે અને આ કહેવતને સાચો કરતો કિસ્સો સુરતમાં આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવયુગ સોસાયટી નજીક પરિવાર સાથે રહેતા હરીશભાઈ નામના વ્યક્તિ બ્લેકમનીને વ્હાઇટ કરવાના ચક્કરમાં લૂંટાયા. તેમાં પોતાની ઓળખાણ સીએ તરીકે આપીને ચાર લોકોએ પ્રી પ્લાન બેગ લઇને ગૂમ થઇ ગયા હતા. આ કાંડમા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત પોલીસ દ્વારા જાણવા મળી છે. પોલીસે બે જ કલાકમા આરોપીઓને પકડી પાડયા હતા. તેમા વલસાડ એલસીબીએ આરોપીઓને તેમની ઇનોવામા પાચ કરોડ સાથે પકડયા હોવાની વિગત સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવી હતી.
શું છે ઘટના
હરીશભાઇ વાંકાવાલા જેઓનો લૂમ્સનો વ્યવસાય છે તેઓ પાસે છેલ્લા છ મહિનાથી પાંચ કરોડ રૂપિયા બ્લેકના પડ્યા હતા અને આ પૈસા વ્હાઇટ કરવા માટે તેઓ વ્હાઇટની RTGS એન્ટ્રી માટે અલગ અલગ લોકોનો સંપર્ક કરતા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જ મુંબઈના કેટલાક લોકો સાથે તેમનો સંપર્ક થયો હતો અને પાંચ કરોડ રોકડાની સામે પાંચ કરોડ રૂપિયાની RTGS એન્ટ્રી બાબતે બંનેની ડીલ થઈ હતી. તેમા એક તરફ તમે નાણા આપો બીજી બાજુ ગણતરીના કલાકોમાં તમને એટલીજ રકમ આરટીજીએસ કરી દઇશુ તે ડીલ થયા બાદ મુંબઇથી નાણા લેવા માટે ચાર ઠગો સુરત આવ્યા હતા.
શૈલેન્દ્ર નામના હીસ્ટ્રીશીટરે આખો પ્લાન ગોઠવ્યો હોવાની વાત
આ ડીલમાં વચેટીયા તરીકે શ્રીકાંત નામના વ્યક્તિની ભૂમિકા સામે આવી હતી. મુંબઈથી આવેલા લોકોએ હરીશભાઈનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ પોતાની ઇનોવા ગાડીમાં મુકાવી દીધા. તેમા આ નાણા વ્હાઇટ કરવાની જવાબદારી શૈલેન્દ્રએ લીધી હતી. પોતે સંખ્યાબંધ સીએ સાથે કનેકટેડ છે અને પોતે રોજના કરોડો રૂપિયા વ્હાઇટ કરે છે તેમ જણાવતા શૈલેન્દ્ર જાતેજ ડીલ કરવા સુરત આવ્યો હતો.
સીસીટીવી કયા છે તેની પૂર્વ રેકી કરાઇ હતી
લૂંટ કરનાર એટલા ચાલાક હતા કે તે સીસીટીવી કેમેરામાં ન આવી જાય એટલા માટે હરીશભાઈના ઘર નજીક આવેલા રોડ પર પોતાની ઇનોવા કારમાં આ તમામ પૈસા મુકાવ્યા હતા. ત્યારબાદ હરીશભાઈની નજર ચૂકવી તેવું ઇનોવા ગાડી અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક હરીશભાઈ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે વચેટીયો બિઝનેસમેન હરીશભાઈના ઘર નીચે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ઉપરાંત જે ગાડીમાં પૈસા લઈ જવામાં આવે છે તે કાર પણ રસ્તા પર લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ લોકોને પહેલેથીજ ખબર હતી કે સીસીટીવી કેમેરા કયા છે પરંતુ ચારમાથી એક વ્યકિત પોતાની ઓળખ છૂપાવી શકયો ન હતો.
કેવી રીતે વેપારીને ફસાવાયો
હરીશ વાંકાવાલાએ તેમના મુંબઇ સ્થિત મિત્રને તેની બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે કોન્ટેકટ માંગ્યો હતો. તેમા આ વ્યકિતએ શ્રીકાંતનો કોન્ટેકટ આપ્યો હતો. શ્રીકાંતે શૈલેન્દ્રનો કોન્ટેકટ આપ્યો હતો. શૈલેેન્દ્ર તે હીસ્ટ્રીશીટર છે તેનાથી આ લોકો વાકેફ નહી હતો. શૈલેન્દ્ર પ્રી પ્લાન ચાર માણસો સાથે આવીને આખી ઠગાઇ કમ લૂંટનો પ્લાન ઘડી નાંખ્યો હતો.
તો બીજી તરફ આ કેસમાં વળાંક આવ્યો છે કે વચેટીયા તરીકેની ભૂમિકા ભજવતા શ્રીકાંત નામના ઈસમ દ્વારા ટેલિફોનિક સંપર્કના માધ્યમથી એવી માહિતી આપી છે કે પૈસા લઈ જનાર લોકોએ તેને હાઇવે પર જ અધવચ્ચે ઉતારી દીધો છે. ત્યારે પોલીસ પણ હવે આ સમગ્ર કેસમાં શ્રીકાંત નામના ઈસમની રાહ જોઈ રહી છે કારણ કે શ્રીકાંત વજેટીયો હતો અને તે પૈસા લઈ જનાર વ્યક્તિઓને ઓળખતો હતો ત્યારે હાલ શ્રીકાંતની પૂછપરછ બાદ આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.