એકાદ વર્ષમાં જ સુરતમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે પરંતુ ઐતિહાસિક ગણાતાં સુરતમાં મેટ્રો ટ્રેન પહેલા ટ્રાન્સપોર્ટેશન માટે અનેક પ્રકારના વાહનોનો ઉપયોગ થઈ ચૂક્યો છે. સ્થાનિક લોકોની સાથે સુરતમાં સમયાંતરે વલંદા, ડચ, પોર્ટુગિઝ, અંગ્રેજો અને મોગલો આવતા રહ્યા અને તેની સાથે સાથે સુરતમાં સામુહિક પરિવહનના સાધનો પણ બદલાતા રહ્યા હતા. એક સમયે ઘોડાગાડી માટે જાણીતા સુરતમાં હાલમાં સિટી અને BRTS બસો દોડી રહી છે. આ બસોનો રોજ અઢી લાખ લોકો લાભ લઈ રહ્યા છે. જ્યારે સુરતમાં 30 લાખ ખાનગી વાહનો પણ લોકો વાપરી રહ્યા છે ત્યારે એ જોવાનું રસપ્રદ છે કે સુરતમાં કયા સમયે ટ્રાન્સપોર્ટેશન માટે કયા સાધનો વપરાતા હતા.
સુરતમાં ટ્રાન્સપોર્ટેશનના બદલાયેલા સ્વરૂપો
16મી સદીના ઉતરાર્ધ સુધી મોગલ કાળમાં બળદગાડા, બગી, એક્કા, પાલખી, ઘોડા જેવા સાધનો હતા.
17મી સદીના ઉતરાર્ધ સુધીમાં બગીઓની સાથે સાથે ઘોડાગાડી, સગરામ જેવા વાહનો પ્રચલિત થયા
18મી સદીમાં સુરતમાં બ્રિટીશરો દ્વારા લઇ અવાયેલી ડિઝલ એન્જિનથી ચાલતી કાર હતી
19મી સદીના ઉતરાર્ધમાં સુરતમાં રીક્ષા, બસ, છકડોનો જમાનો રહ્યો. ડબલ ડેકર બસ ત્યારે આકર્ષણનું કેન્દ્ર હતી અને પ્રાણીથી ચાલતા વાહનો જેવા કે ઘોડાગાડી, એક્કા, સગરામ વિગેરે માત્ર વાર-તહેવારે કે પિકનિકમાં ફેરવવાના સાધનો બની ગયા.
19મી સદીના છેલ્લા દાયકામાં સરકારે ખાનગી એજન્સી મારફત બસ સેવા શરૂ કરાવી હતી જે લાંબો સમય ચાલી નહોતી.
20મી સદીની શરૂઆત સાથે સુરતનો ગ્રોથ પણ ચરમસીમા તરફ આગળ વધ્યો અને સુરતમાં 2007થી સુરત મનપાએ બસ સેવા શરૂ કરી
સુરતમા મનપાની સિટી બસ પહેલા CNGથી ચાલતી હતી, હવે BRTSની બસમાં સમય સાથે કદમ મિલાવી ઇલેકટ્રિક બસો દોડી રહી છે.
હવે સાયકલ શેરિંગ, ઓલા-ઉબર બાદ બે વર્ષ પછી મેટ્રો ધમધમશે
સુરતમાં હાલમાં સાયકલ શેરિંગ પણ ચાલી રહ્યું છે. મનપા દ્વારા ઠેરઠેર સાયકલની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે સુરતમાં ખાનગી એજન્સી દ્વારા ચાલતી કારની સર્વિસ પણ મળી રહી છે. હવે આગામી બે વર્ષમાં સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું સૌથી અદ્યતન માધ્યમ તરીકે ગણાતી મેટ્રો ટ્રેન પણ સુરતમાં દોડતી દેખાશે.
સુરતમાં રિક્ષા, છકડો પણ બહુ ચાલ્યા
દેશના અન્ય મોટા શહેરોમાં ટેક્સીમાં કારનું ચલણ જોવા મળે છે. જો કે સુરતમાં રિક્ષા, છકડોનો લાંબા સમય સુધી દબદબો રહ્યો, સુરતમાં વર્ષ 2001થી 2007 સુધી સરકારી ધોરણે માસ ટ્રાન્સપોર્ટેશનની કોઇ સુવિધા નહોતી તેથી થ્રી વ્હીલર રિક્ષા, ડિઝલ એન્જિનથી ચાલતા છકડા અને છકડો ઘણા સમય સુધી ચાલ્યા બાદ હવે ડિઝલ છકડા અને છકડો નામશેષ થઇ રહયા છે. તેની જગ્યા ઇ-રિક્ષા, પિંક રીક્ષા લઇ રહ્યાં છે.
2007થી મનપાનું માસ ટ્રાન્સપોર્ટેશન સિટી બસથી હવે મેટ્રો તરફ
લગભગ સાત વર્ષ સુરત જેવું ઝડપથી વિકસતું ઔદ્યોગિક શહેર માસ ટ્રાન્સપોર્ટેશનની સેવાથી અલિપ્ત રહ્યું હતું. તેથી આ સમય દરમિયાન સુરતમાં રીક્ષા, છકડો અને ખાનગી ટુ-વ્હીલરો અને કારની સંખ્યા વધી ગઇ હતી. વધતી ટ્રાફિક સમસ્યાને કારણે તત્કાલિન મ્યુનિ.કમિ. એસ.અર્પણાના પ્રયાસોથી સુરત મનપાની પોતાની સિટી બસ સેવા શરૂ થઇ હતી જે લાલ બસ હતી. આ બસ સેવા સાત વર્ષ ચાલ્યા બાદ હાલ મનપાએ નવી સિટી બસ અને BRTS બસો શરૂ કરી જે હાલ પણ ચાલી રહી છે.ઉપરાંત રિંગરોડ પર હાઇ મોબિલિટી કોરિડોર બનાવી તેના પર ગ્રીન બસ દોડાવવામાં આવી રહી છે. તમામ મળી લગભગ એક હજારથી વધુ બસો દોડી રહી છે.
17મી સદીના ઉતરાર્ધ સુધી પ્રાણીથી ચાલતા વાહનો જ હતા
સુરતમાં છેક 16મી સદીની વાત કરીએ તો ત્યારે મોગલ શાસન હતું અને બગીઓ, એક ઘોડાથી ચાલતી ઘોડાગાડી જેને ‘એક્કા’ કહેતા હતા, તેમજ સગરામનો જમાનો હતો. સગરામ એટલે એક પ્રકારની ઘોડાગાડી જે એક્કાની સરખામણીએ વધુ સુવિધા વાળી હતી. એકથી વધુ મુસાફરો માટે એક સમયે સુરતમાં સગરામનું એટલા મોટા પ્રમાણમાં ચલણ હતુ. આ સમયે જુદા જુદા પ્રકારના ઘોડાગાડીઓ અને અમુક વિસ્તારોમાં બળદ ગાડા ખાસ કરીને એક બળદથી ચાલતા ગાડાઓનો વ્યાપક ઉપયોગ થતો હતો.
સુરતમાં સર્કયુલર ટ્રેઈનનું પ્લાનિંગ ફાઈલોમાં જ રહ્યું
સુરત મનપાના કમિશનર તરીકે એસ. જગદીશન હતાં ત્યારે તેમણે સુરતની ફરતે સર્ક્યુલર ટ્રેઈન શરૂ કરવાના આયોજનનો બજેટમાં સમાવેશ કર્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટ બજેટની બુકમાં જ રહ્યો. ક્યારેય તે શક્ય બની શક્યો નહીં.
સુરતમાં સગરામનું એટલું ચલણ હતું કે ગાડીઓ રાખવાને કારણે પરાનું નામ ‘સગરામપુરા’ પડ્યું હતું.
ઘોડા ગાડીનો જ એક પ્રકાર એટલે સગરામ. સુરતમાં પહેલેથી જ ખુબ સમૃદ્ધિ હોવાથી સુરતમાં સગરામનું મોટું ચલણ હતું. બહારગામથી આવતા વેપારીઓ અને મુલાકાતીઓ એક સ્થળેથી બીજા સ્થળે જવા સગરામ પસંદ કરતા હતા. તેથી શહેરમાં મોટા પ્રમાણમાં ફરતા સગરામ અને તેને ચલાવવા માટે જોડવામાં આવતા ઘોડાઓને રાખવા માટે નવસારી બજાર નજીક જગ્યા ફાળવાઇ હતી. જેના પરથી આ વિસ્તારનું નામ સગરામપુરા પડયું છે.
ડબલ ડેકર બસ સુરતનું આકર્ષણ હતી
સુરતમાં 90ના દાયકામાં રાજયના એસ.ટી.વિભાગે માસ ટ્રાન્સપોર્ટેશન માટે શહેરમાં સિટી બસ શરૂ કરી હતી. તે પહેલા એક ખાનગી એજન્સીએ પણ થોડો સમય સિટી બસ ચલાવી હતી. જો કે સરકારી સિટી બસ જે લાલ બસ તરીખે ઓળખાતી હતી તે, ઘણી લોકપ્રિય બની હતી. તેમાં પણ તેમાં બસ સ્ટેશનથી ચોક અને ડુમસ તરફ જતા રૂટ પર ચાલતી ડબલ ડેકર બસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જો કે વર્ષ 2001 સુધીમાં આ સેવા ખખડધજ થઇ ગઇ અને સરકારે સિટી બસ બંધ કરી દેતા ડબલ ડેકર બસનો યુગ સમાપ્ત થયો હતો.