સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26 વર્ષ બાદ નબળો પડ્યો હોવાથી હવે તેને રિપેરિંગ કરવાની જરૂરિયાત છે. રિપેરિંગ (Repairing) માટે રૂ.14.32 કરોડનું ટેન્ડર મંજૂરી માટે શાસકો સમક્ષ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યું છે. જો કે, કોઝવેમાંથી હજીરાના (Hazira) ઉદ્યોગો પણ પાણી લે છે. અને કોઝવેનું નિર્માણ પણ ઉદ્યોગોની ભાગીદારીથી જ થયું હતું. આથી મનપાએ હજીરાના ઉદ્યોગો સાથે વાતચીત કરી હોવાથી ઉદ્યોગો પણ આ ખર્ચમાં 60 ટકાની ભાગીદારી આપશે.
- અગાઉ વર્ષ-2006ના પૂર અને બાદ 2013માં પણ વધુ પાણી આવતાં ડેમેજ થતાં કરોડોના ખર્ચે રિપેરિંગ કરાયું હતું
- હજીરાના ઉદ્યોગોને પણ તેમાંથી પાણી અપાતું હોવાથી 60 ટકા ખર્ચ આપવા તૈયાર થયા
- સુરત માટે પાણીની જરૂરિયાત સંતોષતા કોઝવેની હજુ સુરતને પાંચ વર્ષ જરૂર રહેશે
- રૂંઢ અને ભાઠા વચ્ચે તાપી નદી પર બની રહેલા કન્વેશિયલ બરાજનું નિર્માણ થતાં કોઝવે કાઢી નાંખવો પડશે
વર્ષ-2006ના પૂર વખતે કોઝવેને નુકસાન થતાં કરોડો રૂપિયાના ખર્ચે રિપેર કરવો પડ્યો હતો. ત્યાર બાદ વર્ષ-2013માં પણ સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી ઘણા દિવસો સુધી આવતાં કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં પાણીના મારને સહન કરી કોઝવેના મુખ્ય સ્ટ્રક્ચરને કવર કરતા આરસીસી લોન્ચિંગ એપ્રોનને નુકસાન થયું હતું. આથી લાંબા ગાળાની સુરક્ષાને ધ્યાને રાખી રિપેરિંગ કરી કોઝવેની મજબૂતાઇ વધારવા માટે એસવીએનઆઇટી અને ગેરી પાસેથી લીધેલા અભિપ્રાય તેમજ કોઝવેની મૂળ કન્સલ્ટન્ટ્ન્સની સલાહ મુજબ અંદાજ બનાવાયા હતા, જેમાં 12.33 કરોડના અંદાજ સામે 16 ટકા ઊંચું ટેન્ડર એટલે કે રૂ.14.32 કરોડના ટેન્ડરને મંજૂરી આપવા શાસકોની સંમતિ માંગતી દરખાસ્ત કરવામાં આવી છે.
26 વર્ષ પહેલાં 31.20 કરોડમાં કોઝવે બન્યો હતો, હજુ પાંચ વર્ષ તેની જરૂર છે
સુરત માટે પાણીની જરૂરિયાત સંતોષતા કોઝવેની હજુ સુરતને પાંચ વર્ષ જરૂર રહેશે. કેમ કે, રૂંઢ અને ભાઠા વચ્ચે તાપી નદી પર બની રહેલા કન્વેશિયલ બરાજનું નિર્માણ થતાં સુધી સુરત મનપાને કોઝવેમાંથી જ પાણી લેવું પડશે. જો કે, બરાજ બન્યા બાદ કોઝવે કાઢી નાંખવો પડશે. પરંતુ બરાજ બનતાં પાંચ વર્ષ લાગે તેવી સ્થિતિ છે. તેથી હજુ આ કોઝવેની જરૂરિયાત પાંચ વર્ષ સુધીની રહેશે.