અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીર અસરો દેખાવા લાગી છે ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાંથી મોટા સમાચાર આવ્યા છે. મિલો અઠવાડિયામાં બે દિવસ બંધ રાખવાના પ્રોસેસર્સના નિર્ણય બાદ હવે વીવીંગ ઈન્ડસ્ટ્રીમાં પણ લાંબા વેકેશનના ભણકારા વાગી રહ્યાં છે. દુબઈ ખાતે કાપડનું એક્સપોર્ટ બંધ થઈ જતા વીવર્સની હાલત કફોડી બની છે.
ક્રુડના લીધે યાર્નના ભાવોમાં વધારો થયો છે. તેથી વીવર્સની પડતર ઊંચી ગઈ છે, બીજી તરફ ગેસની અછતના લીધે કારીગરો વતન પલાયન કરી રહ્યાં છે. ઉદ્યોગ ત્રણ તરફથી માર સહન કરી રહ્યો છે. આવી ગંભીર સ્થિતિમાં ઉદ્યોગને ટકાવી રાખવા ફેડરેશન ઓફ વીવર્સ એસોસિએશન દ્વારા વીવર્સ પાસે ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્યો મંગાવાયા છે. જેમાં કારખાના એક પાળી ચલાવવા, અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી કે એક મહિનો વેકેશન જાહેર કરવું તે અંગે ચર્ચા ચાલી રહી છે. અંદાજે 2000 વીવર્સે પ્રતિસાદ આપ્યો છે. આગામી દિવસોમાં બહુમતીના આધારે ઉદ્યોગ હિતમાં નિર્ણય લેવાશે.
ગૂગલ ફોર્મ દ્વારા લેવામાં આવી રહેલા મંતવ્યોમાં મુખ્યત્વે ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. કારખાનામાં ઉત્પાદનનો 25% થી 75% સુધીનો કાપ મૂકવો, અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી અથવા તો એક પાળીમાં જ કામકાજ ચલાવવું. કેટલાક વિવર્સ એક મહિનો સંપૂર્ણ બંધ રાખવાની પણ વિચારણા કરી રહ્યા છે. આ તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય જાહેર કરાશે.
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ કહ્યું કે વીવર્સને ત્રણ તરફથી માર પડી રહ્યો છે. રો મટીરીયલ યાર્ન મોંઘું થયું છે. બીજી તરફ પ્રોસેસર્સે બે દિવસ રજા રાખવાનું શરૂ કર્યું છે અને બજારમાં ડિમાન્ડ નથી. તેથી વિચારમંથન શરૂ કર્યું છે. બહુમતીમાં જે મંતવ્યો આવશે તેના આધારે આગામી દિવસમાં નિર્ણય લેવાશે.