સુરત: સુરતમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ(Google) ઉપર સર્ચ(Search) કરી દેશના ધનાઢ્ય(Rich) વ્યક્તિઓના નામે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વોટ્સએપ(Whatsapp) કોલ કરી લાખો રૂપિયા પડાવતા રાજસ્થાની(Rajasthani) ગેંગના સાગરિતને સુરત ક્રાઈમ બ્રાન્ચે(SuratCrimeBranch) પર્વત પાટિયાથી ઝડપી પાડ્યો છે આ સાથે દસ મહીના પહેલા સુરતના મહિધરપુરામાંથી પડાવેલા લાખો રૂપિયાનો ગુનો પણ ઉકેલાયો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દસ મહિના પહેલા સુરતના મહિધરપુરામાં આવેલી આંગડિયા પેઢીમાં માર્કેટના પ્રખ્યાત વેપારીના નામથી રૂપિયા 35 લાખની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનામાં વોંટેડ આરોપી કુંભારામ ચારણ પર્વત પાટિયા નજીકથી પસાર થઇ રહ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, આરોપી કુંભારામ નવારામ ચારણની પૂછપરછમાં દસેક મહિના અગાઉ આરોપીએ પોતાના મિત્ર મોડસિંગ સાથે 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. તેવી જ રીતે મોડસિંગના કહેવાથી આરોપીએ મુંબઈ ખાતેના એલટી માર્ગ વિસ્તારમાં આવેલી બે જુદી જુદી આંગડિયા પેઢીઓમાંથી 35 લાખ અને 50 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ આંગડિયા મારફતે મેળવી હતી. ભારતના ધનાઢ્ય લોકોનું નામ ધારણ કરી પ્રતિષ્ઠિત લોકોને છેતરતી આંતરરાષ્ટ્રીય રાજસ્થાની ગેંગના સાગરીતની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, DCB દ્વારા આરોપીઓની એમ.ઓ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ભારતના ધનાઢ્ય માણસોના નામનો ઉપયોગ કરતા હતા. જે નામો ગૂગલ ઉપર સર્ચ કરી આરોપીઓ દ્વારા મેળવવામાં આવતા હતા ત્યારબાદ સમાજના પ્રતિષ્ઠિત લોકોનો ડેટા ગૂગલ પરથી મેળવી વોટ્સએપ કોલ કરી ઠગાઈ કરવામાં આવતી હતી. સમાજના ધનાઢય માણસના નામથી વોટ્સએપ કોલ કરી પોતાને એક કલાક પૂરતી મુંબઈ, દિલ્હી ખાતે રૂપિયાની અત્યંત જરૂર છે, અને ટ્રાન્સફર કરાવો તો પોતે એક કલાકમાં રૂપિયા આંગડિયામાં પહોંચાડી દેશે તેવી ખાતરી આપવામાં આવતી હતી.
આરોપીઓ ટોકન પેટે પાંચની નોટનો નંબર આપી વાત કરવાની સલાહ આપી સામેવાળી વ્યક્તિને આંગડિયા મારફતે દિલ્હી-મુંબઈમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવી પૈસા લીધા બાદ મોબાઈલ ફોન બંધ કરી છેતરપિંડી કરતા હતા. મહિધરપુરા પોલીસે આરોપીની કસ્ટડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.