વ્યારા: (Vyara) વ્યારા- સોનગઢ થઈ ટેક્સચોરી- ફીટનેસ એક્સપાયર્ડ થયેલી સુરત પાસિંગની કેટલીક લકઝરી બસો (Luxury Bus) પુરપાટ ઝડપે દોડી રહી હોવાનાં અહેવાલ ”ગુજરાતમિત્ર” વારંવાર પ્રકાશિત કરતું આવ્યું છે અને બસોની સ્પીડ બાંધવા પણ તંત્રનું અનેક વખત ધ્યાન દોર્યું છે, પણ તેને ગંભીરતાથી નહીં લેવાતા ઉચ્છલ તાલુકામાં ટ્રાવેલ્સનાં સંચાલકોની સાથે સાથે તંત્રની બેદરકારીનો ભોગ બે નિર્દોષ આદિવાસીઓ બન્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
- નારણપુર ગામે સુરતની શ્રી હરિ ટ્રાવેલ્સની બસે બે આદિવાસી યુવાનોને કચડી નાંખતાં રોષ
- બંને પગપાળા પસાર થતા હતા ત્યારે બસે અડફેટે લેતાં ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત, બસચાલક બસ મૂકી નાસી છૂટ્યો
- ખાનગી બસોની સ્પીડ બાંધવા ”ગુજરાતમિત્ર” દ્વારા અનેક વખત ધ્યાન દોરાયું, છેવટે તંત્રની નિષ્કાળજીનો ભોગ બે નિર્દોષ આદિવાસી બન્યા
બનાવની વિગત એવી છે કે, નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે નં.૮૦ ઉપર વડપાડા નેશુ ફાટા પાસે આજે રોજ બપોરે ૧૨:૫૦ વાગ્યાના સુમારે શ્રી હરી ટ્રાવેલ્સની બસ નં.GJ 26 T 5143ના ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા જાલસીંગભાઇ મધુભાઇ વસાવા (ઉ.વ.૩૩, રહે.જામલી ગામ, નવી જામલી ફળિયું તા.ઉચ્છલ જિ.તાપી) અને પુનીલાભાઇ ખાત્રુભાઇ કાથુડ (ઉ.વ.૪૫, રહે.જુના વડગામ તા.ઉચ્છલ જિ.તાપી)ને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેનું સ્થળ ઉપર અરેરાટીભર્યુ મોત નિપજ્યું હતું. બસ સ્થળ ઉપર મુકી બસચાલક ભાગી છુટ્યો હતો. ફુલસીંગ મધુભાઇ વસાવા (રહે. જામલીગામ, નવી જામલી ફળિયુ, તા.ઉચ્છલ, જિ.તાપી)ની ફરિયાદનાં આધારે અકસ્માત કરી ભાગી છુટેલા ટ્રાવેલ્સ ગાડી નં.GJ 26 T 5143ના અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શ્રી હરિ ટ્રાવેલ્સની તમામ બસોના દસ્તાવેજોની ચકાસણી જરૂરી
વ્યારા: વ્યારા- સોનગઢ થઈ પૂરપાટ દોડતી શ્રી હરી ટ્રાવેલ્સ, સુરતની લક્ઝરી બસે બે આદિવાસીઓને કચડી નાંખતા આદિવાસી સમાજમાં તેનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, કહેવાય છે કે આ ટ્રાવેલ્સની ૮થી ૧૦ જેટલી બસો વ્યારા- સોનગઢ રોડ ઉપર દોડી રહી છે. તે તમામ બસોના ઇન્સ્યોરન્સ, બસોનું ફિટનેસ સહિતનાં આરટીઓના જરૂરી તમામ દસ્તાવેજોની તપાસ થવી જરૂરી છે. આરટીઓનાં બ્લેક લિસ્ટમાં હોય તેવી બસો પણ રોડ ઉપર દોડે છે કે કેમ? કારણકે આવી બસો સામે સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઇ નક્કર પગલાં ભરાયા નથી.