સુરત: સુરતના લોકો ઉત્સવ ઉજવવા માટે જાણીતા છે. મોજીલા સુરતીઓ ઉજવણીની કોઈ તક છોડતા નથી. આજે લોકશાહીના પર્વની પણ સુરતીઓએ દિવાળીની જેમ જ ઉજવણી કરી છે. ઠેરઠેર ઢોલ નગાડા સાથે સુરતીઓ સમુહમાં મતદાન કરતા જોવા મળ્યા છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સુરતીઓ બીજાને પ્રેરણા આપી રહ્યાં છે.
સુરતમાં આ વખતે 100 ટકા વોટિંગનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વિવિધ સોસાયટીના રહીશો એકજૂટ થઈ ઢોલ નગારા સાથે વોટિંગ કરવા જતા જોવા મળ્યા હતા. અબ્રામા રોડની શાંતિનિકેતન ફ્લોર સોસાયટીના નાગરિકોએ ઢોલ નગાડા સાથે વોટિંગ કર્યું હતું. સિટીલાઈટ રોડની સૂર્યપ્રકાશ રેસીડેન્સીના નાગરિકો 100 ટકા વોટિંગની અપીલના બેનરો લઈ એકસાથે વોટિંગ કરવા પહોંચ્યા હતા. આ સોસાયટીમાં રહેતા એક મહિલાનો આજ રોજ જન્મ દિવસ છે તેથી તે મહિલાએ મતદાન કર્યા બાદ મતદાન મથક બહાર કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો.
ઉધનામાં પણ વોટિંગ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મરાઠી મતદારોએ સવારથી જ લાંબી લાઈનો લગાવી હતી. નવાગામ ડિંડોલીમાં મતદાન માટે ભીડ જામી હતી. પોલીસે ત્રણથી ચાર લાઈનો બનાવવી પડી હતી. મતદાન કેન્દ્રની બહાર સુધી લાંબી લાઈન જોવા મળી હતી.
આઈ એમ પ્રાઉડ વોટર્સ, સેલ્ફી લેવા પડાપડી
સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં કેટલાંક મતદાન કેન્દ્રો પર સેલ્ફી ઝોન બનાવાયા હતા. સુરતના મતદારોએ વોટિંગ કર્યા બાદ અહીં સેલ્ફી લઈ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લોકો મતદાન કરી સેલ્ફી લેવાની હોય નવા કપડાં પહેરીને આવ્યા હોવાનું જણાતું હતું. કેટલાંક લોકો તો ગ્રુપમાં આવ્યા હોય એકસરખા કપડાં, સાફા વિગેરે પહેરેલા નજરે પડતા હતા.
એક મહિનાના બાળક સાથે માતા વોટ આપવા પહોંચી
મૂળ ઉત્તરપ્રદેશ અને વર્ષોથી સુરતના દેલાડવા ખાતે રહેતા 26 વર્ષીય તનુ સંતોષ મિશ્રાએ જણાવ્યું કે,જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી. મતદાન કરવું એ સૌની નૈતિક ફરજ છે. હું વહેલી સવારે મારી એક મહિનાની દીકરી વર્ષા મિશ્રા અને પરિવાર સાથે મતદાન મથકે પહોચી ત્યારે હાજર લોકોએ આવકાર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપતા ખુબ ઉત્સાહ અને ખુશીનો અનુભવ થયો હતો. તેમણે અન્ય મહિલાઓને પણ પોતાના મતનો અચૂક ઉપયોગ કરવા સંદેશ પાઠવ્યો હતા.