SURAT

સુરતીઓએ વહેલું વિસર્જન શરૂ કર્યું, પોલીસની સુંદર વ્યવસ્થા વચ્ચે રાજમાર્ગથી પસાર થઈ વિસર્જન યાત્રા

સુરતના હાર્દ સમાન રાજમાર્ગ પરથી વિસર્જન યાત્રા દર વર્ષે જાહોજલાલી સાથે પસાર થાય છે. આ વખતે પણ ભાગળથી ચોક વિસ્તારમાં બપોરે એક વાગ્યા પછી વિસર્જન યાત્રાએ વેગ પકડ્યો હતો. દરમિયાન સુરત શહેર પોલીસની ખૂબજ સુંદર વ્યવસ્થા જોવા મળી હતી. ચૌટાબજારથી ભાગાતળાવ અને ચોક વિસ્તાર સુધીની તમામ ગલીઓને બેરીકેટ મુકી બંધ કરી દેવાઈ હતી. શાંતિ અને સૌહાર્દના વાતાવરણ વચ્ચે અહીંથી ગણેશજીની પ્રતિમાઓ નેહરૂબ્રિજ થઈ વિસર્જન માટે આગળ વધી હતી. દરમિયાન સુરતીઓએ આ વખતે વિસર્જન કાર્ય વહેલું શરૂ કર્યું હતું.

દર વર્ષે ગણેશ ભક્તો સુરતમાં બપોર બાદ વિસર્જન યાત્રા શરૂ કરે છે. ખાસ કરીને કોટ વિસ્તારમાંથી બપોરે 2 વાગ્યા બાદ લોકો ગણેશજીની પ્રતિમાઓ લઈ નિકળતા હોય છે પરંતુ આ વખતે ગણેશ ભક્તોએ વિસર્જનમાં તત્પરતા દાખવી હતી. પોલીસે પણ સારી કામગીરી બજવી હતી. દરેક ગણપતિ સાથે પોલીસ જવાનોની હાજરી દેખાઈ હતી. પોલીસે ગણેશ આયોજકોને વહેલી યાત્રા શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોટ વિસ્તારના મોટાભાગના ગણેશ ભક્તો સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે ગણેશ પ્રતિમાઓ લઈ નિકળી ગયા હતા. જેને કારણે તેઓ ખૂબ ઝડપથી કોટસફીલ રોડ થઈ ભાગળ ખાતેના મુખ્ય જુલૂસમાં જોડાઈ ગયા હતા. ભાગળ ખાતે પહેલી પ્રતિમા સવારે 9.30 કલાકે પહોંચી હતી જ્યારે ચોક ખાતે પહેલી પ્રતિમા સવારે 11 કલાકે પહોંચી હતી.

પોલીસનું સુવ્યવસ્થિત આયોજન દેખાયું
સામાન્ય લોકોને અવર જવરમાં તકલીફ ન પડે અને ગણેશ વિસર્જન યાત્રા પર કોઈ વિધ્ન વગર આગળ વધતી રહે તે રીતનું સુરત શહેર પોલીસનું આયોજન ઉડીને આંખે વળગે તેવું હતું. રાજમાર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયું હતું. પરંતુ તેની અવેજમાં ગલીઓમાંથી વાહનવ્યવહાર ચાલુ રખાતા લોકોની અવર જવર સરળ રહી હતી. બીજી તરફ ભાગળથી ચોક સુધીની તમામ ગલીઓ બેરીકેડ લગાવી બંધ કરી દેવામાં આવી હતી. ચૌટાબજરા, ભાગાતળાવ, કમાલ ગલી, ચોકબજાર થઈ વિસર્જન યાત્રા ખૂબજ શાંતિપૂર્વક નેહરૂ બ્રિજ થઈ ઓવારા સુધી પહોંચી હતી. 2200 કેમેરાથી શહેર ભરમાં પોલીસ કન્ટ્રોલરૂમમાં 2 ડીસીપી અને 40 પોલીસ કર્મચારીનો સ્ટાફ સમગ્ર યાત્રાનું નિરીક્ષણ કરી રહ્યા છે. 12 ડ્રોન કેમેરાથી ક્રાઇમ બ્રાન્ચ સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખી રહી છે. સમચારા લખાય છે ત્યાં સુધી અણબનાવની કોઈ ઘટનાની જાણ કન્ટ્રોલમાં નથી.

ચોકબજાર ખાતે કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા
હિંદૂ મિલન મંદિરની ગણેશ પ્રતિમા સૌથી પહેલા ચોકબજાર ખાતે પહોંચી હતી. અહીં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રતિમાનું સ્વાગત કર્યું હતું અને કોમી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. હિંદૂ મિલન મંદિરના સ્વામી અંબરિશાનંદજી, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મેયર દક્ષેશ માવાણી, માજીમેયર કદીરભાઈ પીરઝાદા, ગણેશ ઉત્સવ સમિતની પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણી તેમજ હિંદૂ મુસ્લીમ સમાજના અગ્રણીઓ પ્રેમ, સદ્ભાવ અને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.

Most Popular

To Top