સુરત: (Surat) વિખ્યાત ભારતીય ટેલિવિઝન પત્રકાર (TV Journalist) અને ઇલેકશન વિશ્લેષક વિનોદ દુઆનું (Vinod Dua) ૬૭ વર્ષની વયે નવી દિલ્હીમાં નિધન થયું હતું. ટેલિવિઝન પત્રકારત્વ થકી સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાને પગલે લાખો ફોલોઅર્સ તેમણે બનાવ્યા હતા. દૂરદર્શન અને ન્યુ દેલ્હી ટેલિવિઝન નેટવર્ક થકી હિન્દીમાં વિનોદ દુઆ અને અંગ્રેજીમાં પ્રણોય રોય ખૂબ લોકપ્રિય અને જાણીતા બન્યા હતા.
વિનોદ દુઆનો સુરત સાથેનો એક ખાસ સંબંધ છે. સન ૧૯૯૦માં ‘ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર ચંદ્રકાંત પુરોહિતને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાંધીસ્મૃતિભવનમાં યોજાયો હતો. ત્યારે વિનોદ દુઆ તે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે પછી બીજીવાર આઠ વર્ષ અગાઉ એનડીટીવી ઇન્ડિયાના કાર્યક્રમ ‘ઝાયકા ઇન્ડિયા (Zayka India Ka) – ઝાયકે સુરત કે’ કાર્યક્રમના શુટિંગ માટે સુરતના મહેમાન બન્યા હતા. તેમણે સુરતના જુદાજુદા લોકેશનની મુલાકાત લીધી હતી. સુરત રેલવે સ્ટેશને આગમન સાથે તેમણે કહ્યું હતું કે, ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ વાક્ય સાંભળ્યું હતું તેને લીધે તેઓ શુદ્ધ સુરતી ભોજનનો સ્વાદ માણવા અને સુરતની રેસિપી દેશના બીજા સ્વાદપ્રિય લોકો સુધી પહોંચાડવા આવ્યા હોવાની વાત કરી હતી.
વિનોદ દુઆએ સુરતની ઘારી, લોચો, સગલાબગલા સહિત ઘણી વાનગીઓ ટેસ્ટ કરી હતી
આઠ વર્ષ અગાઉ વિનોદ દુઆ ‘ઝાયકા ઇન્ડિયા કા – ઝાયકે સૂરત કે’ કાર્યક્રમના શુટિંગ માટે વહેલી સવારથી સાંજ સુધી રોકાયા હતા. તેમણે મહિધરપુરાના ગોપાલ ખમણ હાઉસમાં લોચાની વાનગી સાથે કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમણે તે સમયે રમૂજ કરી હતી કે આ ખાવાથી કોઇ લોચો તો નહીં થાય ને. તે પછી તેમણે સુરતી ઇડદા, સેવ-ખમણ, ખમણી આરોગી તેની વિશિષ્ટતા બતાવી હતી. તે ઉપરાંત વિખ્યાત સુરતી ભૂસાનો પણ તેમણે ટેસ્ટ કર્યો હતો. મહિધરપુરામાં તેમણે દસ પ્રકારના સમોસા બનાવનાર મોહનલાલ સમોસાવાળાના સમોસા પણ ટેસ્ટ કર્યા હતા. અહીંથી તેઓ સુરત સ્ટેશનની પુરોહિત રેસ્ટોરન્ટની ગુજરાતી સબરસ થાળી આરોગવા પહોંચ્યા હતા. તે પછી રૂવાળા ટેકરા પર ફાલુદો અને કોલ્ડ કોકો પીધો હતો તથા ખાઉધરા ગલીમાં પાઉંભાજી – ચિઝ ઢોસા, નાયલોન ઢોસા પણ ટેસ્ટ કર્યા હતા. ઝાંપાબજારમાં તેમણે ઝાફરાન સ્વીટ્સમાંથી દાઉદી વ્હોરા સમાજની સ્પેશિયલ મિઠાઇ સગલા બગલા પણ ટેસ્ટ કરી હતી. તે ઉપરાંત ઝાંપાબજારમાં બાબુભાઇ બારાહાંડીની બારાહાંડી અને તેની સામે બનતી ચિકન – મચ્છી મસાલાની વેરાયટીઓ પણ જોઇ હતી. સૌથી છેલ્લે તેમણે દિલ્હી ગેટ પર આવેલા ગણેશ પાનમાંથી મસાલા પાન ખાધું હતું. સુરતની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ખરેખર ‘કાશીનું મરણ અને સુરતનું જમણ’ ઉકિત જેને બનાવી છે તે સાચી છે. કાર્યક્રમનું સમાપન તેમણે ઝાંપાબઝાર સળિયા માર્કેટ પાસે આવેલી ઝટપટની લારી પર વેચાતી રોઝ નામની મિઠાઇ ખાવા સાથે કરી હતી અને અહીં તેમણે ઘારી પણ આરોગી હતી.
સ્વ. વિનોદ દુઆ ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાતમિત્ર’ના પત્રકારત્વના ચાહક હતા
વિખ્યાત ટેલિવિઝન પત્રકાર વિનોદ દુઆ ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાતમિત્ર’ના પત્રકારત્વના ચાહક હતા. પ્રથમવાર તેઓ ૯૦ના દાયકાના ‘ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર ચંદ્રકાંત પુરોહિતના સન્માન સમારોહમાં સુરત આવ્યા હતા. તેની નોંધ પણ અનુસંધાન પત્રિકાના ફ્રન્ટ પેજ પર લેવામાં આવી હતી. તે પછી વિનોદ દુઆએ વર્ષ ૨૦૧૩માં ‘ગુજરાતમિત્ર’ના ૧૫૦માં વાર્ષિક અંક ‘સિમાચિન્હ’માં વિશેષ લેખ લખ્યો હતો. ‘ઇન્ડિયન ફુડનો ચટાકો’ યહાં ભી વહાં ભી મથાળા હેઠળ તેમણે વાનગીઓ પર બે પાનાનો ખાસ લેખ ‘ગુજરાતમિત્ર’ માટે લખ્યો હતો. ઝાયકા ઇન્ડિયા કા કાર્યક્રમ હેઠળ તેમણે સુરત – વડોદરા અને અમદાવાદની વાનગીઓ રજુ કરી હતી. ત્યારે પણ ‘ગુજરાતમિત્ર’નો ખાસ ઉલ્લેખ કર્યો હતો.