સુરત: અડાજણમાં રહેતા વેપારીને જમીન દલાલે સસ્તી મિલકત અપાવવાના બહાને મિલકતના ખોટા માલિક ઉભા કરીને સબરજીસ્ટ્રાર કચેરીમાં લઈ જઈ ખોટા દસ્તાવેજોના આધારે 3.66 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધવામાં આવી છે. ઇકો સેલે તપાસ કરીને આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
- અડાજણમાં જમીન દલાલે સસ્તામાં મિલકતની લાલચ આપી વેપારી પાસેથી રૂ. 3.66 કરોડ પડાવ્યા
- સબરજીસ્ટાર કચેરીમાં મિલકતના ખોટા માલિક અને ઓળખ અપનાર ઉભા કરી દેવાયા
- ઇકો સેલે ખોટી ઓળખ આપનાર બે આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપીની શોખધોળ જારી
અડાજણ ખાતે કરણ પાર્કમાં રહેતા 62 વર્ષીય ગ્યાનચંદ બજરંગલાલ જૈન રાજસ્થાનના વતની છે. તેમનો પુત્ર રોહિત ઇચ્છાપોર ખાતે પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી ચલાવે છે તેમના જ સમાજના ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જવાહરલાલ જૈન (રહે.-ફ્લેટ નં.સી-૧૨૦૨, કિંગસ્ટોન એપાર્ટમેન્ટ, ગ્રીનસિટીની સામે, પાલ)એ વિશ્વાસ કેળવ્યો હતો. તેણે ‘મેરે પાસ વી.આઇ.પી. રોડ પે સસ્તે મે દલાલ ઘનશ્યામભાઇ રાખોલિયા કે થ્રુ એક ઓફિસ ઔર દુકાન આઇ હૈ આપ કે પાસ પૈસા પડા હો તો ઇસમે ઇન્વેસ્ટમેન્ટ કિજીયે, આપ કા પૈસા એક દો સાલ મે ડબલ હો જાયેગા’ તેવી વાતો કરી હતી. તેની વાતમાં આવીને વી.આઇ.પી.રોડ પર આવેલા વી.આઇ.પી.પ્લાઝામાં ઓફિસ નં.-એસ-૬,ની ખરીદી કરવા માટે જણાવ્યું હતું. તે રીતે જુદી જુદી ચાર મિલકતોના દસ્તાવેજો અલગ અલગ તારીખે બનાવડાવી તે મિલ્કતના અવેજ પેટે જ્ઞાનચંદ પાસેથી સપ્ટેમ્બર-2019 થી ડિસેમ્બર 2021 સુધીમાં કુલ 3.66 કરોડની રકમ લીધી હતી. આ મિલકતનો કબજો લેવા જતા તે અસલ માલિકો પાસે જ હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે જ્ઞાનચંદભાઈને જે દસ્તાવેજો કરી આપ્યા હતા તે ખોટા નામે તથા બનાવટી દસ્તાવેજો હોવાનું સામે આવ્યું હતું. તથા જે આરોપીએ બેંક ખાતામાં નાણાં લીધા તે બેંક ખાતા પણ ખોટા બનાવી નાણાં મેળવી લઇ વેપારી સાથે છેતરપિંડી કરાઈ હતી. આ અંગે તેમના દ્વારા ઇકો સેલમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે તપાસ કરી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વેપારીને આ રીતે ઝાંસામાં લીધો હતો
ઇકો સેલ દ્વારા આ કેસની તપાસ કરતા જ્ઞાનચંદને ઉપવન જૈને “અભી માર્કેટ મે એ પ્રોપર્ટી કા રેટ 1.30 કરોડ જૈસા હૈ લેકિન મેરા પહેચાન વાલા દલાલ કે કહેને કે મુતાબીક પાર્ટી કો પૈસે કી બહુત જરુરત હૈ તો એ પ્રોપર્ટી અપને કો 70 લાખ મે મિલ જાયેગીં, દલાલ કો બરસો સે જાનતા હું વો અચ્છે બ્રોકર હૈ આંખ બંધ કરકે આપ પ્રોપર્ટી ખરીદ લો દસ્તાવેજ કરને કી જિમ્મેદારી મેરી, મે સબકુછ દેખ લુંગા ઔર આપ કો કોઇ પરેશાની નહી હોંગી” તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા.
કઈ કઈ મિલકત અપાવવાના નામે ફ્રોડ કર્યો
(૧) દુકાન નં.-એસ/૬,વી.આઇ.પી.પ્લાઝા,વી.આઇ. પી.રોડ વેસુ
(૨) ફલેટ નં.એ/૧૦,દસમો માળ,રીવર પેલેસ,વેલેન્ટાઇન સીનેમા પાસે,પીપલોદ
(3) ફલેટ નં.બી/૫૦૨,ધી લેજન્ડ બિલ્ડીંગ પ્રાઇમ સોપર્સ, યુનિવર્સિટી રોડ સુરત
(૪) ફલેટ નં.૩/સી,કેસલ બ્રાઉન,ઉધના મગદલ્લા રોડ સુરત
ઉપવન જૈને સબ રજીસ્ટ્રાર કચેરીના ખોટા સીલ સીક્કા, સહીઓ કરી બોગસ દસ્તાવેજો ઉભા કર્યા
વીઆઈપી રોડ પર આવેલી દુકાનનો સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ દસ્તાવેજ કરવા લઇ ગયા હતા. જ્યાં ખોટા માણસને અસલ મિલકતના માલિક બનાવી રજુ કરાયો હતો. તેની ઓળખ અન્ય બે જણાએ ખોટી આપી દસ્તાવેજ કર્યો હતો. તથા બાકીની ત્રણ મિલકતોમાં જ્ઞાનચંદને હાજર રહેવાની જરૂર નથી તેમ કહ્યું હતું અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવ્યા સિવાય પોતાની જાતે આરોપી ઉપવન જૈને સબ રજીસ્ટ્રાર કચેરીના ખોટા સીલ સીક્કા તેમજ ખોટી સહીઓ કરી બનાવટી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા અને જ્ઞાનચંદ પાસેથી અવેજ પેટે કુલ રૂ ૩,૬૬,૭૩,૦૦૦ જે રકમ આરોપીએ સુટેક્ષ બેંક ઉધના બ્રાન્ચ તથા પીપલ્સ બેંક સગરામપુરા બ્રાન્ય તથા ઇનડસેન્ડ બેંક સચીન જી.આઇ.ડી.સી બ્રાન્ચમાં અન્યોના નામે તેમની ખોટી સહીઓ કરી ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટોમાં ફરિયાદી પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવી પોતે મેળવી છેતરપિંડી કરી હતી.
આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પ્રથમ મીલકત વી.આઇ.પી પ્લાઝાની દુકાનનો સબરજીસ્ટ્રારમાં દસ્તાવેજ કરાવતી વખતે વેચનાર ખોટી વ્યકતી હોવા છતાં તેને સાચો માણસ છે. તેવી સબ રજીસ્ટ્રાર સમક્ષ ઓન લાઇન કેમેરા વીડીઓગ્રાફીમાં ખોટી ઓળખ આપનાર સાડી કટીંગનું કામ કરનાર આરીફભાઇ ગુલશેરખાન પઠાણ (ઉવ.૩૪, રહે. ઘર નં.૪૧/બી/૯૧૬૭૬, ગાંધીનગર, ઉમરવાડા,સલાબતપૂરા) તથા નરેશ કેશવભાઇ વાઢેળ (ઉ.વ.૩૭, રહે. ઘર નં.૯,બિલ્ડીંગ નં.૯ એસ.એમ.સી.ક્વાટર્સ,સૌરભ પોલીસ ચોકી પાસે, અડાજણ) ની ધરપકડ કરવામાં આવી છે.